________________
મંત્ર માનવતાનો 68
યશોદાયી અમર કૃતિ માટે
૧૯૨૫માં નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવેલા જ્યોર્જ બર્નાર્ડ શૉ કુશળ નાટ્યલેખક, નિર્ભીક વિવેચક અને સમાજવાદી વિચારસરણીના પ્રવક્તા હતા. એમણે લખેલાં નાટકોએ વિશ્વવ્યાપી ચાહના જગાવી હતી. પોતાના જીવનકાળ દરમિયાન જ્યોર્જ બર્નાર્ડ શૉએ પચાસ જેટલાં નાટકો લખ્યાં અને એમની વિનોદવૃત્તિને કારણે આ નાટકો આજે પણ જનસમાજને સ્પર્શી જાય છે.
જ્યોર્જ બર્નાર્ડ શૉ ડ્રાઇવરને બાજુએ બેસાડીને પોતાનો મોટર ચલાવવાનો શોખ ઘણી વાર પુરો કરતા હતા. એક દિવસ તેઓ મોટર ચલાવતા હતા, ત્યારે એમના મનમાં એક નવા નાટકનું વિષયવસ્તુ (પ્લાંટ) સૂઝી આવ્યું. એ વિષયવસ્તુમાં પાત્રગૂંથણી કઈ રીતે કરવી, તેનો વિચાર કરવા લાગ્યા. એની મંચનક્ષમતા વિશે મનોમન મંથન કરવા લાગ્યા અને પછી બાજુમાં બેઠેલા ડ્રાઇવરને પોતાના વિષયવસ્તુની વિસ્તૃત રીતે રૂપરેખા આપીને સમજાવવા લાગ્યા. ડ્રાઇવર ગભરાયો. એણે તરત જ સ્ટિયરિંગ પર રહેલા બર્નાર્ડ શૉના હાથને ઝાપટ મારીને એમને બાજુએ ખસી જવા કહ્યું.
આનંદી બર્નાર્ડ શૉ ડ્રાઇવરના આવા વર્તનને જોઈને ગુસ્સે ભરાયા અને બોલ્યા, ‘અરે, શું કરે છે ? મારા મનમાં એક અદ્ભુત નાટક સર્જાયું તેની વાત હું તને કરતો હતો, ત્યારે તેં કેમ આવું દુર્વર્તન કર્યું ?'
ડ્રાઇવરે કહ્યું, ‘માફ કરજો સાહેબ, આપનું આ અદ્ભુત નાટક આપની યશોદાયી અમર કૃતિ બની રહે, તે ભાવનાથી જ આ કર્યું છે.'
‘એટલે ?’ શૉએ તાડૂકીને પૂછ્યું.
ડ્રાઇવરે કહ્યું, ‘તે પૂરું કર્યા વિના આપને હું મરવા દેવા ચાહતો નહોતો, તેથી આવું વર્તન કર્યું.'