________________
આનંદની વહેંચણી
ત્રેવીસ વર્ષથી આર્થાઇટિસના દર્દને કારણે ડૉ. ફેન્ક લૂપેને પથારીવશ અપંગ માનવીની માફક જીવવું પડ્યું. પોતાની આવી પરિસ્થિતિ હોવા છતાં એમણે ક્યારેય કોઈની સમક્ષ લાચારી પ્રગટ કરી નહીં. આવી હાલત વર્ણવીને અન્યની સહાનુભૂતિને ઉઘરાવી નહીં. એમની સેવા કરવા માટે તત્પર રહીને બધા આગળ-પાછળ ફર્યા કરે તેવો ભાવ પણ સેવ્યો નહીં. ક્યારેય કોઈની ટીકા કરી નહીં. તેઓ માત્ર બીજાની સેવા કરવાની ભાવના રાખતા અને તે માટે અહર્નિશ પ્રયત્ન કરતા. તેમને મળનાર વ્યક્તિ આશ્ચર્ય અનુભવતો કે આ પથારીવશ દિવ્યાંગ માનવી પોતાની લાચારી પ્રગટ કરવાને બદલે બીજાને મદદરૂપ થવાની જ સદાય વાત કરે છે. પોતાની વિકલાંગ સ્થિતિના દુઃખને દર્શાવવાને બદલે એ બીજાને સહાય કરીને આપેલા સુખની વાત કરતા હતા.
એમણે મિત્રો પાસેથી અને ડિરેક્ટરીઓમાંથી દિવ્યાંગ વ્યક્તિઓનાં નામસરનામાં મેળવ્યાં. એ બધાને એમની મજબૂર પરિસ્થિતિમાં આનંદ આવે અને રાહત થાય એવા પત્રો લખ્યા. દિવ્યાંગ વ્યક્તિઓ એમના પત્રોની રાહ જોતી અને એમાંથી ઉલ્લાસ અને પ્રેરણા પામતી હતી.
એ પછી એમણે દિવ્યાંગો માટે પત્રમિત્ર ક્લબની શરૂઆત કરી. એમાં બધા સભ્યો એકબીજાને પત્રો લખી પોતાના આનંદની વહેંચણી કરતા. એમાંથી એમણે “ધ શટ-ઇન સોસાયટી’ નામની રાષ્ટ્રવ્યાપી સંસ્થાની સ્થાપના કરી.
આવી પથારીવશ પરિસ્થિતિમાં પણ ડૉ. ફેન્ક લૂપે વર્ષે સરેરાશ ૧૪,૦૦૦ પત્રો લખતા હતા અને હજારો દિવ્યાંગોના જીવનમાં નવી રોશની પ્રગટાવતા હતા. આમાંથી કેટલાકને એમણે વાચન માટે સુંદર પુસ્તકોની ભેટ આપી, તો કેટલાકને સાંભળવા , માટે રેડિયો આપ્યો અને આ રીતે એમણે સેવા અને પરોપકાર દ્વારા પોતાના અંતરમાં અનોખા આનંદની પ્રાપ્તિ કરી.
મંત્ર માનવતાનો
67