________________
અનુપમ આત્મિક આનંદ ગ્રીસના મહાન તત્ત્વજ્ઞાની સોક્રેટિસ (ઈ. પૂ. ૪૬૯થી ઈ. પૂ. ૩૯૯)ની પાસે દાર્શનિક અંટીફો કેટલાક સમય માટે વસવા આવ્યો. દાયણ માતા અને શિલ્પી પિતાના પુત્ર સૉક્રેટિસ એમ કહેતા કે જેમ દાયણ માતાના ગર્ભમાંથી બાળકને બહાર કાઢે છે, તે રીતે તેઓ લોકોના મનમાંથી અજ્ઞાનને બહાર ખેંચી કાઢે છે અને જેમ શિલ્પી પથ્થરમાં માનવ-આકૃતિ કંડારે છે, તેમ તેઓ માનવ-વ્યક્તિત્વને ઘડે છે.
આવા સૉક્રેટિસ એથેન્સની શેરીઓ અને બજારોમાં પોતાની વાતો અને વિચારોથી યુવાનોમાં જાગૃતિ લાવતા હતા. જ્ઞાનને માટે સર્વત્ર સન્માન પામતા સૉક્રેટિસનું જીવન અનેક વિપરીત પરિસ્થિતિઓ વચ્ચેથી પસાર થતું હતું.
એમને સારું ભોજન મળતું નહોતું અને પહેરવા માટે સારાં વસ્ત્રો પણ ન હતાં. એમની પત્ની જેન્શીપી અત્યંત કર્કશ સ્વભાવની હતી. આવી પરિસ્થિતિ જોઈને અંટીફો અત્યંત દુઃખી થઈ ગયા.
એમણે સૉક્રેટિસને કહ્યું, ‘તમારા જેવા સમર્થ વિચારકને આવું અભાવગ્રસ્ત અને કષ્ટપૂર્ણ જીવન વિતાવવું પડે, તે અત્યંત દુઃખદાયક ગણાય. તમે અનુમતિ આપો તો હું મારા કોઈ ધનવાન મિત્રને કહીને તમારે માટે થોડી સુખ-સુવિધાનો પ્રબંધ કરાવું.”
સોક્રેટિસે હસીને ઉત્તર વાળ્યો. “હું મારાં પ્રવચનોથી અને મારી વાતોથી લોકોને આત્મિક ઉન્નતિની વાત કરું છું. મનુષ્યને નીતિમય જીવન વિતાવવા માટે સદ્ગણોનો ઉપદેશ આપું છું. પછી મને ભૌતિક સુખ-સુવિધા પ્રાપ્ત ન થાય, તેથી શું થયું ? ભવ્ય નિવાસસ્થાન, સ્વાદિષ્ટ ભોજન અને ભોગવિલાસનાં અન્ય સાધનોના ઉપભોગની મને આદત પડી જાય, તો હું મારા આ અનુપમ આત્મિક આનંદથી વંચિત થઈ જાઉં. સુખ- સંપન્નતાનો સઘળો અભાવ સહન કરવા તૈયાર છું, પરંતુ આ અનુપમ આત્મિક આનંદથી વંચિત રહેવા ચાહતો નથી. એ જ મારા જીવનની સૌથી મોટી મૂડી અને મંત્ર માનવતાનો મારો આત્મોલ્લાસ છે.”
65