________________
મંત્ર માનવતાનો
62
મહારાણી કે નવવધૂ ?
ચોસઠ વર્ષ સુધી ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડ એટલે કે યુનાઇટેડ કિંગ્ડમ પર આધિપત્ય ધરાવનારી રાણી વિક્ટોરિયાએ જેટલા દીર્ઘકાળ સુધી બ્રિટન પર શાસન કર્યું, તેટલું બીજા કોઈ શાસકે કર્યું નથી. એમણે આર્થિક અને રાજકીય દષ્ટિએ બ્રિટનને મજબૂત બનાવ્યું. ૧૮૪૦માં રાણી વિક્ટોરિયાનાં પ્રિન્સ આલ્બર્ટ સાથે લગ્ન થયાં. એક વિશાળ સામ્રાજ્યની રાણી ચર્ચમાં આવી ત્યારે લગ્નવિધિ પ્રમાણે એણે પ્રતિજ્ઞા લેવાની હતી કે એ પતિની આજ્ઞાઓનું પૂરેપૂરું પાલન કરશે.
લનિધિ કરાવનાર પાદરીને થયું કે વિશાળ સામ્રાજ્યની રાણી સાધારણ પ્રિન્સને પરણી રહી છે, ત્યારે આ પ્રતિજ્ઞા કેટલે અંશે યોગ્ય ગણાય ? એમને મૂંઝવણ થઈ. એમણે મહારાણીને ધીમેથી કાનમાં કહ્યું, “આ પ્રતિજ્ઞા મને બરાબર લાગતી નથી. મહારાણી, આપ આદેશ આપો તો આ પ્રતિજ્ઞાને વિધિમાંથી રદ કરીએ.”
મહારાણી વિક્ટોરિયાએ વળતો સવાલ કર્યો, “વિધિની પરંપરાનું પૂરેપૂરું પાલન થવું જોઈએ. શા માટે તમે આટલી વિધિ કાઢી નાંખવાનું કહો છો ?"
પાદરીએ પોતાના મનની વાત સમજાવતાં કહ્યું કે બ્રિટન જેવા મહાન રાષ્ટ્રની મહારાણી આવી પ્રતિજ્ઞા લે, તે ઉચિત લાગતું નથી.
મહારાણી વિક્ટોરિયાએ કહ્યું, “જુઓ, અત્યારે હું મહારાણી નથી, પણ એક કન્યા છું. હું અહીં બ્રિટિશ સામ્રાજ્યની મહારાણી વિક્ટોરિયા તરીકે બેઠી નથી, પણ લગ્ન કરવા આવનાર કન્યા તરીકે બેઠી છું. કન્યાના મોભાને જોવાનો ન હોય. માટે તમે પ્રતિજ્ઞા લેવડાવો અને હું સાચા દિલથી એ પ્રતિજ્ઞા લઈશ."
રાણી વિક્ટોરિયાએ અપાર લોકચાહના મેળવી. માયાળુ અને વિદ્વાન પ્રિન્સ આલ્બર્ટ રાણીને રાજકીય ફરજો બજાવવામાં સહાય કરતા હતા. ૧૯૬૧માં આલ્બર્ટનું અવસાન થયું. એમના અવસાન પછી રાણી વિક્ટોરિયાએ સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું બંધ કર્યું અને ઘણાં વર્ષો સુધી કાળો પોશાક પહેર્યો.