________________
મંત્ર માનવતાનો
60
સંગીતની પોતાની દુનિયા
ફ્રાન્સના પ્રસિદ્ધ સંગીતકાર ગાર્ડ પાસે સંગીતની તાલીમ લેતી વુડલનાલ્ડ નામની છોકરીએ અશ્રુભરી આંખે કહ્યું, “સંગીતના ક્ષેત્રમાં અધાગ મહેનત કરી નામના મેળવવાની મારી ઇચ્છા છે, પણ સૌથી મોટી મુસીબત એ છે કે મારો ચહેરો અત્યંત કદરૂપો છે. મનમાં સતત દહેશત રહે છે કે મારો કદરૂપો ચહેરો જોઈને લોકો જો મને જોવાનું જ નાપસંદ કરશે, તો પછી મારું ગાયન સાંભળવાની વાત તો ક્યાં રહી ?”
વળી વુડલનાલ્ડે કહ્યું. 'હું જોઉં છું કે મંચ પરની અન્ય ગાયિકાઓ ખૂબસૂરત ચહેરો ધરાવે છે. એમની સાથે હું ગાવા જઈશ, ત્યારે શ્રોતાઓ મારો હુરિયો નહીં બોલાવે ને !'
આ વુડલનાલ્ડ પરિવારજનો સમય સહજતાથી ગાતી હતી, પણ હવે મંચ પર ગાવા માટે કરવું શું ? સંગીતકાર ગાલ્ફર્ડે એની વાત સાંભળીને કહ્યું, ‘સંગીતને પોતીકું સૌંદર્ય હોય છે. જે સંગીતશોખીન સંગીત માણવા આવે છે, તે ક્યારેય ગાયક કે ગાયિકાના રૂપની ફિકર કરતો નથી, આથી તારે એ વાત ભૂલી જવી કે તને કદરૂપા લાગતા તારા ચહેરાને કારણે તારું સુંદર સંગીત કોઈ સાંભળશે નહીં.”
વુડલનાલ્ડ પોતાના ગુરુની વાત સાંભળતી રહી. ગાલ્ફર્ડે કહ્યું, ‘આમ છતાં તને હું એક ઉપાય બતાવું. રોજ એક મોટા અરીસાની સામે ઊભા રહીને તેની સામે ગીત ગાજે. આને પરિણામે તારી ગભરામણ દૂર થશે અને તને સમજાશે કે સંગીતની મધુરતા અને ગાયકના રૂપ વચ્ચે કશો અવિનાભાવિ સંબંધ નથી.’
વુડલનાલ્ડે ગુરુની સલાહ પ્રમાણે અરીસા સામે રહીને ગાવાનું શરૂ કર્યું અને એ ગીતમાં એટલી ડૂબી જતી કે એના ચહેરાને જોવાનું પણ ભૂલી જતી. પરિણામે થોડા જ સમયમાં એનામાં હિંમત અને ઉત્સાહ જાગ્યા અને મંચ પર જઈને સહેજે ગભરામણ વિના મુક્ત મને ગાવા લાગી. એ પછી સંગીતના ક્ષેત્રમાં આત્મવિશ્વાસથી પ્રગતિ કરનારી વુડલનાલ્ડ સમય જતાં ફ્રાંસની પ્રખ્યાત ગાયિકા બની.