________________
આવતીકાલની તૈયારી અતિ વૃદ્ધ સસરા ડાઇનિંગ ટેબલ પર બેસીને ભોજન કરી રહ્યા હતા. બુઢાપાને કારણે એમના હાથ સતત ધ્રૂજતા હતા. માંડ માંડ ખોરાક ચાવી શકતા હતા. એવામાં ચમચીથી દાળ લેવા ગયેલા સસરાનો હાથ ધ્રુજ્યો. થોડી દાળ ટેબલ પર અને બાકીની દાળ એમનાં કપડાં પર પડી.
આ દશ્ય જોતાં જ એમની પુત્રવધૂ તાડૂકી ઊઠી. ઘરડા બુઢા સસરા તરફ એને પારાવાર તિરસ્કાર હતો. આથી એમની એકેએક રીતભાત પ્રત્યે અણગમો પ્રગટ કરીને અપમાન કરવાની એક તક ચૂકતી નહોતી. પુત્રવધૂએ ગુસ્સાભેર કહ્યું,
ખાતાં આવડતું નથી અને ડાઇનિંગ ટેબલ પર બેસવાનો શોખ થાય છે? જુઓ, આ ટેબલ પર કેટલી બધી દાળ ઢોળાઈ ? નવોનકોર ટેબલક્લોથ કેટલો બધો બગાડી નાખ્યો ? હે ભગવાન !”
વૃદ્ધ સસરાએ કહ્યું, “હાથ ધ્રુજે છે, તેથી આવું થયું.”
પુત્રવધૂએ હુકમ કર્યો, “જુઓ, હવે તમારે ડાઇનિંગ ટેબલ પર બેસીને ભોજન કરવાનું નથી.” આમ કહીને વૃદ્ધ સસરાને હાથ પકડી ખૂણામાં બેસાડ્યા અને વાંસની સળીઓથી ભરેલી પતરાળી આપી. એમને કહ્યું, “બસ. હવે ખાવું હોય એમ ખાજો. ઢળશે તોય વાંધો નથી.”
લાચાર વૃદ્ધ ખાવાનું શરૂ કર્યું. પોતાની માતાનો દાદા પરનો ગુસ્સો જોઈ રહેલો પુત્ર ઊભો થયો. એક-બે પતરાળી લાવ્યો. ઘરની બહાર ઉંબરા પર બેસીને સાફ કરવા લાગ્યો. એની સળી પતરાળાનાં પાન વચ્ચે બરાબર ખોસવા લાગ્યો. આ જોઈને બાળકની માતાએ આશ્ચર્યથી પૂછવું, અરે ! આ તું શું કરે છે ?”
પુત્રે કહ્યું, “મા ! એક દિવસ હું ઘરડી થઈશ ત્યારે તને ઘરના ઉંબરાની બહાર બેસાડીને મારે જમાડવી પડશે ને ! એ માટે આ તૈયારી કરું છું.”
આ સાંભળી માતાની આંખ ઊઘડી ગઈ.
મંત્ર માનવતાનો
55