________________
સાચો શિક્ષક, સદા વિદ્યાર્થી ગ્રીક દાર્શનિક પ્લેટોના શિષ્ય અને મહાન ઍલેકઝાન્ડરના ગુરુ ઍરિસ્ટોટલ પશ્ચિમમાં વિસ્તરેલી અનેક વિદ્યાશાખાઓના આદ્યપિતા ગણાય. વૈજ્ઞાનિક અભ્યાસપદ્ધતિના વિકાસમાં એમણે મહત્ત્વનો ફાળો આપ્યો, તો તર્કશાસ્ત્ર અને જીવશાસ્ત્રનો એમણે પાયો નાખ્યો તેમજ રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે અનેક ક્ષેત્રોમાં યોગદાન કર્યું. આને પરિણામે ઍરિસ્ટોટલ પ્રાચીન વિશ્વના સર્વશ્રેષ્ઠ સર્વવિદ્યાવિશારદ (એન્સાઇક્લોપીડિસ્ટ) તરીકે નામના પામ્યા.
ઍરિસ્ટોટલ પાસે વિદ્વાનો સતત આવતા રહેતા અને બધા એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરતા હતા, આમ છતાં સ્વયં ઍરિસ્ટોટલ પોતાને ક્યારેય જ્ઞાની માનતા નહોતા એટલું જ નહીં, બબ્બે હંમેશાં નવું નવું જ્ઞાન મેળવવા માટે આતુર રહેતા. નાના બાળક પાસેથી કે યુવાન પાસેથી પણ શીખવામાં એમને કોઈ નાનમ નહોતી.
એક દિવસ એમના પરમ મિત્રએ આશ્ચર્યસહિત કહ્યું, ‘દેશમાં પ્રખર વિદ્વાનો તમારી પાસે જ્ઞાનપ્રાપ્તિ અર્થે આવે છે અને એ મેળવીને પોતાને ભાગ્યશાળી માને છે. આમ છતાં મને આશ્ચર્ય એ થાય છે કે તમે હંમેશાં સાવ સામાન્ય વ્યક્તિ પાસેથી પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આતુરતા ધરાવો છો. તમારે વળી એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાની શી જરૂર છે ? કે પછી એમને ખુશ રાખવા માટે આવો દેખાડો કરો છો ?' - મિત્રની વાત સાંભળીને ઍરિસ્ટોટલ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, ‘સહુ કોઈની પાસે કંઈક ને કંઈક જ્ઞાન કે જાણકારી હોય છે કે જે બીજાની પાસે હોતી નથી. એથી દરેક વ્યક્તિએ હંમેશાં શીખવાની તૈયારી રાખવી જોઈએ. સાચા શિક્ષકનું આ લક્ષણ છે. જ્ઞાન તો અનંત છે. એની કોઈ સીમા હોતી નથી, આથી હું સદેવ એની , પ્રાપ્તિ માટે આતુર રહીશ.'
ઍરિસ્ટોટલની જ્ઞાનપ્રાપ્તિની જિજ્ઞાસા જોઈને એમનો મિત્ર પ્રસન્ન થઈ ગયો.
મંત્ર માનવતાનો