________________
આમ આદમીની ઇજ્જત
બગદાદની સરે જઈ રહેલા હાસિમ નામના યુવકે રસ્તામાં એક સુંદર ઝરણું જોયું. એને ખ્યાલ આવ્યો કે આ ઝરણું એ કોઈ સામાન્ય ઝરણું નથી, બલ્કે ચમત્કારિક જળસમૃદ્ધિ ધરાવતું ઝરણું છે. ઝરણાની આસપાસ વસતા લોકોએ પણ આ ઝરણાનું જળ ચમત્કારિક હોવાની વાત કરી. હાસિમે એની મશકમાં ઝરણાનું પાણી ભરી લીધું અને વિચાર્યું કે બગદાદ જઈને ખતિજ્ઞને આ પાણી આપીશ, જેથી ખલિફા ખુશ થઈને એને દરબારમાં નોકરી આપશે અથવા તો અઢળક ધનદોલત આપશે.
હાસિમ બગદાદ પહોંચ્યો અને ખલિફા સાથે મુલાકાત થતાં એણે ઝરણાના ચમત્કારિક જળની વાત કરી. ઉપસ્થિત દરબારીઓના મનમાં પાણી અંગે એક પ્રકારની દિલચસ્પી જાગી. હાસિમ ખલિફા પાસે મશક લઈ ગયો અને ખલિફાએ બે બુંદ પાણી પીધું.
દરબારીઓ રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ખલિફા શકમાંથી એમને ચમત્કારિક જળ આપે. પણ વાત સાવ વિપરીત બની અને ખલિફાએ એ મશક પોતાના ઘેર મોકલાવી દીધી. યુવાન હાસિમને ઇનામ-અકરામ આપ્યા; અને કહ્યું પણ ખરું કે આ સંપત્તિમાંથી એ કોઈ વ્યવસાય શરૂ કરે.
દરબારીઓને ખલિફાનો વ્યવહાર પસંદ નહીં પડતાં વજીરે નાખુશી દર્શાવી, ત્યારે ખલિફા બોલ્યા, ‘ઘણા દિવસો થયા હોવાથી મશકના પાણીમાં બદબૂ આવતી હતી. એ પીવાને યોગ્ય નહોતું, પણ હાસિમની સામે આમ કર્યું હોત તો એનું હૈયું ભાંગી જાત, આથી એની ભાવનાનો ખ્યાલ રાખીને પાણી ઘેર મોકલાવી દીધું.'
આમ આદમીને ઇજ્જત આપવાની ખલિફાની ભાવના પર સહુ ખુશ થયા.
મંત્ર માનવતાનો 35