________________
મંત્ર માનવતાનો
32
સૌથી કીમતી ભેટ
ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત પાસે એક વેપારી અત્યંત કીમતી ભેટ લઈને આવ્યો. એણે નમ્રભાવે વિનંતી કરી, ‘આપ, મારી આ તુચ્છ ભેટનો સ્વીકાર કરો.' ઈસુ ખ્રિસ્તે એ વેપારી તરફ જોયું અને પછી અત્યંત કીમતી ભેટ પર દૃષ્ટિ કરીને પોતાની નજર નીચી ઢાળી લીધી. એ મૂલ્યવાન ભેટને એમણે હાથમાં પણ ન લીધી. આ જોઈને ઉત્સાહી વેપારી અત્યંત આઘાત પામ્યો. એણે પુનઃ વિનંતી કરી, ‘આ અત્યંત કીમતી ભેટનો આપ સ્વીકાર કરો. જો આપ એનો સ્વીકાર કરો, તો મારું જીવન ધન્ય બની જશે, માટે આટલી કૃપા કરી મને ઉપકૃત કરો.'
નીચી નજરે બેઠેલા ઈસુ ખ્રિસ્તે આંખ ઊંચી કરીને કહ્યું, કઈ રીતે હું તમારી ભેટનો સ્વીકાર કરી શકું ? તમે તો એ ચોરીના પૈસાથી ખરીદેલી છે.' ઈસુની વાત સાંભળીને વેપારી ડધાઈ ગયો અને કહ્યું, ‘આપ શું બોલો છો ? મારી કમાણીમાંથી મેં આ ભેટ ખરીદી છે. ચોરીને લાવ્યો નથી.’
ઈસુ ખ્રિસ્તે કહ્યું, ‘તમારા પડોશી વસ્ત્રહીન અને ભૂખ્યા હોય અને તમારી તિજોરી ભરેલી હોય, તો એ ધન ચોરીનું નથી, તો બીજા શેનું ક્લેવાય ? તમે તમારી આ ભેટ વેચી આવો અને એના જે કંઈ પૈસા મળે, તેમાંથી ભૂખ્યાને ભોજન અને વસ્ત્રહીનોને વસ્ત્ર આપ્યું.’
વેપારીએ કહ્યું, ‘તમે ભૂખ્યાને ભોજન અને વસ્ત્રહીનને વસ્ત્ર આપવાનું કહ્યું, તો તમારા આદેશનું હું જરૂર પાલન કરીશ. મારી પાસે આનાથી પણ વધુ અધિક ધન છે, તેથી કોઈ ફિકર કરશો નહીં, પરંતુ મારી આ ભેટનો તો તમે સ્વીકાર કરો જ.'
ત્યારે ઈસુ ખ્રિસ્તે એ ભેટ પાછી વાળતાં કહ્યું, 'જરૂરિયાતવાળાને મદદ કરવી એ જ મારે માટે સૌથી કીમતી ભેટ છે.” અને એ દિવસથી એ વેપારી ગરીબો અને દુઃખીઓની સેવા કરવા લાગ્યો.