________________
હર હાલતમાં ખુશહાલા અમેરિકાના ઍરિઝોના રાજ્યમાંથી પસાર થતા એક પ્રવાસીએ જોયું કે આકાશમાં એકાએક ભયાનક આંધી ઊમટી આવી છે અને પવનના તીવ્ર સુસવાટા સાથે મુશળધાર વરસાદ પડી રહ્યો છે. એની મોટરમાં પેટ્રોલ ખૂટવા આવ્યું હતું, તેથી એ પેટ્રોલ-સ્ટેશન પર પેટ્રોલ ભરાવવા માટે ઊભો રહ્યો. મુશળધાર વરસાદ વરસતો હોવાથી પ્રવાસી ગાડીમાં બેસીને પેટ્રોલ નાખનારને સૂચનાઓ આપતો હતો અને જ્યારે પેટ્રોલ ભરાઈ ગયું ત્યારે પ્રવાસીએ એને કહ્યું, ‘મને માફ કરજો. આવી ભયાનક આંધી અને મુશળધાર વરસાદ વચ્ચે મારે તમને તકલીફ આપવી પડી.”
પેટ્રોલ ભરનાર કર્મચારીએ હસતાં હસતાં કહ્યું, “અરે સાહેબ, એમાં તે શું થયું ? મને પેટ્રોલ ભરતાં સહેજે તકલીફ પડી નથી.” આ સાંભળી પ્રવાસીએ ગાડીમાં બેઠાં બેઠાં જ કહ્યું, “અરે, આવી આંધી અને આવા વરસાદ વચ્ચે તમારે પેટ્રોલ ભરવું પડ્યું અને તમે કહો છો કે કોઈ તકલીફ પડી નથી, આ તે કેવું ?”
‘હા સાહેબ, ખરેખર મને કોઈ મુશ્કેલી પડી નથી. હકીકતમાં હું દરેક પરિસ્થિતિમાં ખુશ રહેતાં શીખી ગયો છું.”
પ્રવાસી પરેશાન થઈ ગયો. એણે પૂછ્યું, “શું તું કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહી શકે છે ? હું માનતો નથી.'
પેટ્રોલ ભરનારે કહ્યું, “સાહેબ, જેણે મોતને નજર સામે જોયું હોય, એ દરેક પરિસ્થિતિમાં ખુશ રહી શકે છે. વિયેતનામ યુદ્ધ સમયે શત્રુઓએ મને ચારે બાજુથી ઘેરી લીધો હતો, ત્યારે મૃત્યુને ધીમે પગલે મારી સામે આવતું જોયું હતું અને તે જ સમયે નક્કી કરી લીધું કે જો આમાંથી જીવતો બચીશ, તો જિંદગીની પ્રત્યેક ક્ષણ આનંદભેર પસાર કરીશ.'
પ્રવાસીએ મોટરમાંથી ઊતરીને પેલા કર્મચારીને ભેટતાં કહ્યું, ‘આજે તેં મને જીવનને હરહાલમાં ખુશહાલ રાખવાની જડીબુટ્ટી આપી.”
મંત્ર માનવતાનો
137