________________
પુનર્જન્મની ખુશાલી ૧૮૯૩ની આ ઘટના છે. એક વ્યક્તિ રેલવેલાઇન ક્રોસ કરીને સામે છેડે આવેલા પ્લૅટફૉર્મ તરફ જતી હતી અને એકાએક ધસમસતી ગાડી આવી. પાછળ ખસી જવાય તેમ નહોતું, પ્લેટફોર્મ ઊંચું હોવાથી તેના પર કૂદીને ચડી શકાય તેમ નહોતું. માત્ર એક પળનો ખેલ હતો. આંખો મીંચીને તેઓ ઈશ્વરસ્મરણ કરવા લાગ્યા, પણ એવામાં પાછળથી એક પૉર્ટરે આવીને એ વ્યક્તિને મજબૂત હાથે પકડીને દુર ફંગોળી દીધી. એ પૉર્ટર પણ કૂદકો મારીને દૂર ખસી ગયો. ટ્રેન ઝડપથી પસાર થઈ ગઈ અને પેલી વ્યક્તિ હેમખેમ ઊગરી ગઈ. એમણે પોતાને બચાવનારા પૉર્ટરનો આભાર માન્યો. પોર્ટરે કહ્યું, “અરે સાહેબ, એમાં આભાર શેનો માનવાનો હોય ? માણસની માણસ તરફ કંઈ ફરજ તો હોય ને !”
પણ ભાઈ, તમે તો જાન જોખમમાં નાખીને મને જીવતદાન આપ્યું છે. એનું મૂલ્ય તો હું કઈ રીતે ચૂકવી શકું ?” એમણે ખિસ્સાં ફંફોળ્યાં. માત્ર પાંચ પાઉન્ડ હતા. એ વ્યક્તિએ વિનંતીપૂર્વક કહ્યું, “ભાઈ ! મારી આ પાંચ પાઉન્ડની રકમ સ્વીકારીને મને ઉપકૃત કરો.”
પોર્ટરે લેવાની ઘણી આનાકાની કરી, પરંતુ પેલી વ્યક્તિએ એનો હાથ પકડી રાખ્યો હતો અને એના હાથમાં પાંચ પાઉન્ડ મૂકી દીધા. ઘેર પાછા ફર્યા બાદ એ વ્યક્તિને સતત એ ભયાનક દૃશ્યો દેખાતાં હતાં. એણે એની પત્નીને વાત કરી, ત્યારે પત્નીએ કહ્યું, “તમે તમારા જીવનદાતાને માત્ર પાંચ જ પાઉન્ડ આપ્યા ?”
પણ મારી પાસે ખિસ્સામાં એટલી જ રકમ હતી. વધારે હોત તો જરૂર વધારે આપત.” વાત આટલેથી અટકી, પણ પેલી વ્યક્તિના મનમાં મનોમંથન જાગ્યું. જીવનદાનના બદલામાં માત્ર પાંચ પાઉન્ડ ! એ દિવસે એણે નિર્ધાર કર્યો કે દર વર્ષે મારા જન્મદિવસે મારા જીવનદાતાને પાંચ પાઉન્ડ મારા પુનર્જન્મની ખુશાલીમાં ભેટ રૂપે મોકલીશ. બીજે દિવસે રેલવે સ્ટેશને જઈને એણે પેલા પૉર્ટરનું સરનામું મેળવી લીધું. પોતાના પ્રત્યેક જન્મદિવસે પોતાના પુનર્જન્મની ખુશાલી રૂપે એ પૉર્ટરને પાંચ પાઉન્ડ મોકલતા રહ્યા.
મંત્ર માનવતાનો
135