________________
પુરુષાર્થની શુભેચ્છા દ્વિતીય વિશ્વયુદ્ધની સંહારલીલાથી નારાજ થયેલા જર્મનીનું વિભાજન થયું. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની એવા એના બે ભાગ થયા અને પૂર્વ જર્મનીથી ત્રાસેલા લાખો માનવીઓ પશ્ચિમ જર્મનીમાં આશરો લેવા આવ્યા. બીજી બાજુ યુરોપના અન્ય દેશોમાંથી પણ લોકશાહીમાં માનતા જર્મનો પશ્ચિમ જર્મનીમાં વસવા માટે દોડી આવ્યા.
નિર્વાસિતોના પુનર્વસન માટે મિડલમેન નામના સેવાભાવી કાર્યકરે તો દેશભરમાં ઘૂમવા માંડ્યું. એક વાર તેઓ પશ્ચિમ જર્મનીના એક નાનકડા ગામડામાં આવ્યા અને એક વૃદ્ધાએ એમને પોતાની આપવીતી કહી :
ભાઈ, આ યુદ્ધના ખપ્પરમાં મારું સઘળું હોમાઈ ગયું છે. મારા પતિ અને મારા ચાર ચાર પુત્રો યુદ્ધમાં ભરપાઈ ગયા છે. આજે તો મારી ટેકણલાકડી જેવાં છે મારા બે પૌત્રો અને બે પૌત્રીઓ. એક સમયે આ ગામમાં છસો એકરથી પણ વધુ જમીન હતી. ભર્યુંભાદર્યું કુટુંબ હતું. આજે સઘળું વેરાન થઈ ગયું છે.”
વૃદ્ધાની આપવીતી સાંભળીને મિડલમેનનું હૈયું ભરાઈ આવ્યું અને એણે કહ્યું, “માજી, યુદ્ધના મહાકાળના ખપ્પરમાં જેઓ હોમાઈ ગયા, એમની ખોટ તો કઈ રીતે પૂરી શકાય, પણ આવા કપરા અને દુઃખદ કાળમાં આપના જેવા યુદ્ધગ્રસ્તોને સહાય કરવી એ અમારું કર્તવ્ય છે.”
વૃદ્ધાએ હસતાં હસતાં કહ્યું, “ભાઈ, મારે કોઈ સહાયની જરૂર નથી. રહેવાનો કોઈ સવાલ નથી, કારણ કે મારી પાસે આ સરસ મજાનું ઝૂંપડું છે. વસ્ત્રો કે ભોજનની એવી મોટી ફિકર નથી, કારણ કે મારાં નાનાં સંતાનો કામે લાગી ગયાં છે અને હું પણ નાનું-મોટું કામ કરીને આમદની મેળવું છું. આજે ભલે તળેટીમાં હોઈએ, અમે ફરી પ્રગતિનાં ચઢાણ શરૂ કરીશું. જાતમહેનતથી અમે અમારા ધ્યેયને હાંસલ કરીશું. અમારે કશું નથી જોઈતું. જો આપવું હોય તો અમને અમારા પુરુષાર્થ માટે આપની શુભેચ્છા આપો.”
134