________________
જીવંત કાચબા જેવું જીવન
ચીનના સૌથી પ્રાચીન તાઓ ધર્મના સ્થાપક લાઓત્સેનું સાચું નામ તો લી હતું, પરંતુ ‘પ્રાચીન ગુરુ’ એવો અર્થ ધરાવતા લાઓત્સે તરીકે પ્રસિદ્ધ થયા. એક વાર ચીનના સમ્રાટે પોતાના દેશના શ્રેષ્ઠ તત્ત્વજ્ઞાની, જ્ઞાન અને સદાચારના ઉપદેશક અને ચીની પ્રજામાં બહોળી ચાહના ધરાવનાર લાઓત્સેને નિમંત્રણ મોકલ્યું કે ‘તમારા જેવા પ્રખર ચિંતકને મારે મારા મુખ્યમંત્રી બનાવવા છે.'
સમ્રાટના મુખ્ય પ્રતિનિધિ નિમંત્રણ લઈને લાઓત્સેને મળવા આવ્યા. એ સમયે લાઓત્સે નદીના કિનારે મુક્તપણે તરતા કાચબાને જોતા હતા. સમ્રાટના નિમંત્રણનો સંદેશો સાંભળીને લાઓત્સેએ પેલા પ્રતિનિધિને પુછ્યું, મેં સાંભળ્યું છે કે તમારા સમ્રાટના સિંહાસન પર એક મૃત કાચબાની હીરા અને રત્નથી જડિત કલાકૃતિ છે, ખરું ને !”
‘હા જી. એ તો સેંકડો વર્ષોથી છે અને એ રત્નજડિત કાચબાની કલાકૃતિને સુવર્ણના સિંહાસન પર બિરાજમાન કરીને એની પૂજા કરવામાં આવે છે.’
લાઓત્સેએ નદીના કિનારે પાણીમાં તરતા કાચબાને બતાવીને કહ્યું, ધારો કે આ કાચબાને કોઈ એમ કહે કે ચાલ, મારી સાથે રાજમહેલમાં તને સિંહાસન પર આરૂઢ કરાવીશું. તારા પર સોનાનો ઢોળ ચડાવીશું. એમાં હીરા અને રત્નો જડીશું, તારી પૂજા કરીશું, તો એ શું કરે ? એ જવાનું પસંદ કરે ખરો ?'
‘ના જી. કોઈ મૂર્ખ જ આવો વિચાર કરે, કારણ કે જીવનો કાચબો એના પર બેસી શકે નહીં અને એની પીઠ પર સોનાનો ઢોળ ચડાવી શકાય નહીં. હીરા-રત્નો જડી શકાય નવી..
લાઓત્સેએ કહ્યું, ‘આ જીવતા કાચબા જેવું જીવન છે મારું. તમે જઈને સમ્રાટને કહેજો કે હજી મારે મરવાની વાર છે. મારા શરીર પર સુવર્ણનો ઢોળ ચડાવવાની કે એને હીરા-રત્નથી અલંકૃત થવાની મારી કોઈ ઇચ્છા નથી. હું જ્યાં છું ત્યાં બરાબર છું અને મારું કાર્ય શું છે એની મને જાણ છે.'
મંત્ર માનવતાનો 121