________________
૩૪
બેચેની એ મનનું કાયમી સરનામું છે
અતૃપ્તિ પાસે તૃપ્ત થવાની શોધ કરીએ તો શું થાય ? જ્યાં માત્ર અશાંતિ જ વસે છે, ત્યાં શાંતિ પામવા જઈએ તો શું થાય ? બેચેની એ જ જેનો શ્વાસ છે અને અસંતોષ એ જ જેનો ઉચ્છવાસ છે, એની પાસે સુખ-ચેન અને સંતોષ માગવા જઈએ, તો શું થાય ? મનની પાસે ક્યારેય શાંતિ માગવાની ભૂલ કરવી નહીં, કારણ કે એનો જીવ જ અશાંતિ અને ઉંચાટભર્યો છે. એ વ્યક્તિને સતત વિકલ્પોમાં ડુબાડતું રહે છે. શંકા-કુશંકા અને ભયમાં નાખતું રહે છે. જે માર્ગ પકડે તે જ માર્ગે આંખો મીંચીને દોડતું રહે છે.
એ લોભને પકડશે, તો ધનની આંધળી દોટ લગાવશે. એ વાસનાને ઝડપશે તો વ્યક્તિને કામવૃત્તિની ગુલામ બનાવી નાખશે. એ સત્તા પાછળ ઘેલું બનશે, તો એની પાછળ એડી-ચોટીનું જોર લગાવીને દોડશે. આ મન તમને જંપવા દેતું નથી અને તમે એની પાસેથી જંપની ચાહના રાખો છો ! એને તો સતત વ્યક્તિને અહીંથી તહીં દોડાવવી છે. એનામાં જાતજાતના તરંગો જગાડવા છે. સતત વૃત્તિની ફેરફુદરડી ફરવી છે. એના જીવનની લગામ પોતાના હાથમાં રાખવી છે.
મન કોલાહલમાં જીવે છે. એને એકાંત પસંદ નથી. એને સતત દોડવું ગમે છે, સ્થિર ઊભા રહેવું એના સ્વભાવમાં નથી. એ ભારે તરંગી છે, એક તરંગ શમે નહીં, ત્યાં બીજો તરંગ જગાડે છે. આવી મનની લીલા જાણીએ અને અનુભવીએ છીએ, છતાં એ મન પાસે શાંતિની ભીખ માગવા જઈએ છીએ. મન કદી શાંતિ આપી શકવાનું નથી. શાંતિ મેળવવાની પહેલી શરત જ એ છે કે મનની લીલા સમાપ્ત કરી દો. મનનું વર્ચસ્વ તોડી નાખો અને મનના હુકમોની ધૂંસરી ફગાવી દો. શાંતિ મેળવવા માટે મન પાસે જવાની જરૂર નથી, પણ મનને ખુદને શાંત કરવાની જરૂર છે.
૩૫ મર્યાદાના અંધારિયા ઓરડામાં નજરકેદ બની જશો
અન્ય વ્યક્તિઓ, વિરોધીઓ કે કપરા સંજોગો વ્યક્તિની પ્રગતિમાં રુકાવટ કરે છે, એના કરતાં વ્યક્તિ પોતે પોતાની પ્રગતિમાં વધુ અવરોધરૂપ બનતી હોય છે. ‘આ કામ મારાથી નહીં થઈ શકે', ‘હું આ જવાબદારી માથે લઈ શકું તેવી મારી સ્થિતિ નથી’, ‘આવાં નવાં સાહસોમાં મને રસ નથી’ અથવા તો ‘આવું કામ મને ફાવશે નહીં', એવું ઘણી વ્યક્તિઓ પાસેથી વારંવાર સાંભળવા મળે છે. આવી વ્યક્તિનો સ્વયં પોતાની લક્ષ્મણરેખા બાંધી દે છે. ધીરે ધીરે એની એ લક્ષ્મણરેખા એમના જીવનનું કૂંડાળું બની જાય છે.
કોઈ પણ નવી વાત થાય એટલે એનું મન એના સ્વીકારને બદલે એના અસ્વીકાર માટે આતુર બનીને ઊછળે છે. કોઈ નવા ક્ષેત્રના પહેલા પગથિયાની વાતનો હજી પ્રારંભ થાય, તે ક્ષણે જ એ વ્યક્તિ પોતાનો પગ ઉપાડવાની જ ના પાડે છે. કેટલીક વ્યક્તિઓ પ્રમાદ અને ભયને કારણે નવો પડકાર ઝીલવાની એમની તૈયારી દાખવતી નથી.
જીવનને મર્યાદામાં બાંધી દેશો, તો એ જીવન ધીરેધીરે કૂપમંડૂક માનસિકતા જન્માવશે. આવાં મર્યાદિત કૂંડાળાં જ મર્યાદિત માણસોને સર્જે છે, આથી મર્યાદાઓ વિશેના વલણમાં સમૂળગું પરિવર્તન જરૂરી બનશે. વ્યક્તિએ એની શક્તિઓનો વિચાર કરીને એ મર્યાદા કઈ રીતે ઓળંગી શકાય એનો ખ્યાલ કરવો જોઈએ અને પોતાની પાસેની અન્ય શક્તિઓથી જ એ સીમા ઓળંગીને નવાં સાહસો કરી શકે તે માટે વિચારવાનું વલણ કેળવવું પડે. આ પ્રકારના વિચારના ‘ધક્ક'ની પ્રગતિ માટે જરૂર છે. જો નવા વિચારથી જ નાસી છૂટવાનું વલણ હશે, તો પરિસ્થિતિ એ હદે વણસી જશે કે નવા અભિગમ કે નવાં સંશોધનો થશે નહીં. જિજ્ઞાસા, વિસ્મય, સાહસ અને મૌલિકતા જેવી મહત્ત્વની ભાવનાઓ વૃત્તિ ઠરી જશે ને જીવન મર્યાદાનો અંધારા ઓરડામાં નજરકેદ થઈ જશે.
36
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
37