________________
એફરેનના સ્વપ્નની ઊંચાઈ અમાપ છે. અત્યારે એ કેવાઇટ અને મનિલા વિસ્તારમાં એવી જગા શોધી રહ્યા છે કે જ્યાં બાળકોને માટે શિક્ષણની સુવિધા સાથે વિશાળ પુસ્તકાલય હોય, રહેવા માટે છાત્રાલય હોય, ખેલવા માટે રમતનું મેદાન હોય અને પશુપંખીઓનો પરિચય કેળવવા માટે વિશાળ અભયારણ્ય હોય, એફરેન હસતાં હસતાં કહે છે કે એનું સ્વપ્ન તો શિક્ષણપ્રધાન બનવાનું છે અને એની ઇચ્છા તો શિક્ષકનાં મૂલ્યોમાં પારદર્શકતા લાવવાની છે.
આજે એફરેન પેનાલોરિડાની કીર્તિ એના વતન ફિલિપાઇન્સના કેવાઇટની હદ ઓળંગીને જગતભરમાં ફેલાઈ ચૂકી છે. એક સમયે પડોશીઓ એફરેનની આ ધૂન જોઈને એની મજાક કરતા હતા. કોઈ એને પાગલ માનતા, તો કોઈ એને અશક્ય સામે બાથ ભીડનારો સમજતા, પરંતુ આજે એ સહુ એફરેનને માટે ગૌરવ અનુભવે છે, કારણ કે એની સંસ્થા દ્વારા આજ સુધીમાં દોઢ લાખ બાળકોને શિક્ષણ મેળવ્યું છે. આ શિક્ષણને પરિણામે જેમને ગુનાખોરીની અંધારી દુનિયામાં જીવવું પડે તેમ હતું, તેઓ આજે સમાજમાં સન્માનભર્યા સ્થાને પહોંચ્યા છે.
એણે ‘પુશ કાર્ટ ક્લાસરૂમ' દ્વારા શિક્ષણને ગતિમાન (મોબાઇલ) કરીને ઘણું મોટું પરિવર્તન કર્યું. એણે બનાવેલી શિક્ષણની હાથલારીની પ્રતિકૃતિ બનવા લાગી છે, પરંતુ એફરેન એની કોઈ પેટન્ટ કે ફ્રેન્ચાઇઝ લેવા ચાહતો નથી, એ તો સામે ચાલીને કહે છે કે અમારી આ પદ્ધતિ અપનાવીને અમને મદદ કરો, અમારા અનુભવમાંથી પ્રેરણા લો અને બીજાને પ્રેરણા આપો. એનું એક પ્રિય સૂત્ર એ છે કે, ‘તમે જોયેલા સ્વપ્ન મુજબ તમે પરિવર્તનશીલ બનો અને દુનિયાને જેની જરૂર છે તે પ્રમાણે પરિવર્તનશીલ બનો.”
આજે ૩૨ વર્ષના આ ફિલિપિનોએ અસંખ્ય બાળકો અને આધેડ વયની ઉંમરની વ્યક્તિઓના કાદવકીચડથી ભરેલા જીવનમાં વિકસિત કમળ સમાન તેજસ્વી ભવિષ્ય રચી દીધું.
72 * જીવી જાણનારા