________________
રોજ આપણા નિવાસે આવી મંત્રબળથી તારા ઉપર પ્રયોગ કરીને તારા રોગને હણી નાખશે.”
‘એમ કરતાં ક્યાંક મને તો હણી નહિ નાખે ને ?
‘અવિશ્વાસ અને એમાંય ઉત્તમ પુરુષોમાં અવિશ્વાસ એ સર્વ પાપનું મૂળ છે. જો, એક વાત તને કહું, આ સિદ્ધયોગી છે. સ્ત્રી-પુરુષ એમને સમાન છે. કદાચ મને મુનિના ખોળામાં બેઠેલી જુએ તોપણ કોઈ કુભાવનાની કલ્પના ન સેવીશ. એ મુનિના પિંડમાં તું, હું ને આખું બ્રહ્માંડ સમાનભાવે સમાયેલું છે. આ તો સિદ્ધયોગી!'
‘ઓહ ! ફાલ્ગુની ! ત્યારે મારો રોગ નક્કી જશે, કાં ?'
અવશ્ય. શંકારૂપી મનનો રોગ પહેલાં દૂર કરજે, પછી તારો દેહનો રોગ ઊભી પૂંછડીએ ભાગ્યો સમજજે.' મુનિએ વચ્ચે કહ્યું.
‘ફાલ્ગુનીને તમારા ખોળામાં જોઈશ, તોય કશી કુશંકા નહિ કરું મુનિરાજ. આ જ સુધી તળાવે બેસવા છતાં તરસ્યો રહ્યો છું બાપજી !'
આ જ વાક્ય ફાલ્ગુની બોલી ત્યારે મુનિ વેલાકુલને જરાક અજુકતું લાગ્યું હતું, એમાં કુત્સિતતા લાગી હતી. એના એ જ શબ્દો જ્યારે પૂનમે ઉચ્ચાર્યા ત્યારે એ અજુગતા ન લાગ્યા, કુત્સિત પણ ન લાગ્યા.
‘ફાલ્ગુની ખોળામાં’ આ શબ્દોમાં જ કંઈક આકર્ષણ ભર્યું હતું. શબ્દોનાં તીર મર્મભેદી હોય છે. એ વાગે છે ત્યારે ખબર પડતી નથી, પણ થોડે ગાળે એના જખમ પડ્યા વગર રહેતા નથી.
મુનિ વેલાકુલ એ નિયમમાં અપવાદ બની ન શક્યા. એમણે તરત જ આશ્રમના પ્રબંધકર્તાને બોલાવ્યો, ને નીરવ એકાંતમાં એક સુસજ્જ ખંડ કાઢી આપવા આજ્ઞા કરી.
162 ] શત્રુ કે અજાતશત્રુ
23
સેવામૂર્તિ
મુનિ વેલાકુલ પ્રભાતમાં જે રસ્તે સરિતાકાંઠે ફરવા જતા, એ રસ્તે આવેલા નિવાસસ્થાનમાં પૂનમરાજ અને ફાલ્ગુનીને ઉતારો અપાયો.
ફાલ્ગુનીએ થોડા વખતમાં આખા આશ્રમનો રંગ પલટી નાખ્યો. સવારની પ્રાર્થનામાં એના કંઠસ્વરો કામણ કરી રહેતાં.
વૈશાલી નગરી આમેય સંગીતપ્રિય અને પ્રાર્થનાપ્રિય હતી. તેમાંય ફાલ્ગુનીને મધુરસ્વરે પ્રાર્થના કરતી સાંભળવી એ તો જીવનની ધન્ય ક્ષણ લેખાતી હતી. મુનિ વેલાકુલનું આશ્રમમાં આધિપત્ય હતું.
સુંદરી ફાલ્ગુનીનું આશ્રમમાં આકર્ષણ હતું.
રોજ પ્રાર્થના પછી, પ્રભાતી પ્રકાશમાં ફરીને પાછા આવતા મુનિ વેલાકુલ ફાલ્ગુનીના નિવાસસ્થાને થોભતા. રોગગ્રસ્ત પૂનમ એમની રાહ જોઈને બેસી રહેતો.
મુનિ આવતાં, શાંતિ-પ્રસાદનો મંત્ર જપતા, અને ઝાંખો બનેલો પૂનમનો મુખચંદ્ર દ્વિગુણ તેજ ઝગમગી ઊઠતો.
આમ દિવસો અને રાત્રિઓ આનંદમાં વ્યતીત થવા લાગ્યાં. ત્રિવેણીસંગમની જેમ ફાલ્ગુની, પૂનમ અને મુનિ વેલાકુલ એકએકમાં ઓતપ્રોત બની રહ્યાં હતાં. શંકાશીલ પૂનમ શ્રદ્ધાધન બની ગયો હતો. ફાલ્ગુની રોજ મુનિ સાથે હોંશભેર તત્ત્વચર્ચા કરતી અને એ ચર્ચા લાંબી ચાલતી ત્યારે પૂનમ લાંબો થઈને ઘસઘસાટ ઊંઘી જતો.
ઋતુ શિશિરની આવી ને ઠંડી કાયાને કંપાવવા લાગી. આ વખતે સંસારી જીવોને પૌષ્ટિક ખાનપાનનો મહિમા ભારે હોય છે. ફાલ્ગુનીએ ત્રણ દિવસની પૂરી જહેમત લઈને હેમંતમોદક તૈયાર કર્યા, અને મુનિરાજને એ લેવા માટે આગ્રહ કર્યો.