________________
હવે મુનિથી ન રહેવાયું. સેવાનાં અનેક ક્ષેત્રો અને વિવિધ પ્રકારો એમણે જોયાં, જાણ્યાં ને અનુભવ્યાં હતાં, પણ આ પ્રકાર સાવેસાવ નવો હતો.
મુનિએ આગળ વધીને પુરુષનો હાથ જરા જોરથી પકડી લીધો. અંતરમાં રોષ હતો એ આંખો વાટે પ્રગટ થઈ રહ્યો. આ સાધક મુનિની આંખોનો અગ્નિ પહાડની શિલાને તોડી નાખે, પૂરથી ઊભરાતી નદીને બે કાંઠામાં સમાવી દે, તો આ બિચારા રોગી પુરુષનું શું ગજું ?
સ્ત્રી સાવ ઓશિયાળી બની ગઈ. મુનિ બોલ્યા, ‘હે દૈવ ! કેવો તારો દુર્વિપાક !'
અરે કર્ણાવતાર ! દેવને શા માટે દોષ આપો છો ? જાણો છો કે દેવની પ્રેરણા વિના એક પાંદડું પણ ચાલતું નથી. આપની મારા પર વરસી રહેલી આ કરુણા આ દૈવનો જ પ્રસાદ છે ને ! માત્ર ઇષ્ટનો સ્વીકાર અને અનિષ્ટનો તિરસ્કાર, એ સુજ્ઞાનીને કેમ શોભે ?'
મુનિ સુંદરીની ચતુરાઈભરી અને ઊંડા ધર્મતત્ત્વવાળી વાત સાંભળી આશ્ચર્ય અનુભવી રહ્યા, અને થોડીવારના સંસર્ગમાં એ જાણે એના આત્મીય બની ગયા.
| ‘મુનિરાજ ! આપ તો શાસ્ત્રપારગામી છો. અને સંસાર તો જલ કાષ્ઠનો સંયોગ છે. દૈવનાં મેળવ્યાં બે કાષ્ઠ મળે છે, સાથે રહે છે, ને પછી જુદાં પડી જાય છે. પૂનમરાજ સાથેનો સંબંધ એવો જ જલકાષ્ઠનો સંયોગ છે, આપનો સંયોગ પણ એવો જ છે. પ્રારબ્ધ આવી રીતે બેય બાજુ ઢોલ વગાડે છે. એ જ્યારે જેવી રીતે ઢોલ વગાડે, એ રીતે આપણે નાચવું રહ્યું !'
ધન્ય છે સુંદરી તારી સમજને. ખરેખર, દુઃખની વાડીમાં દુર્દવના કાંટાળા છોડ પર ખીલેલું તું ગુલાબ છે.'
| ‘મુનિરાજ ! આશાભરી આવી છું. કોઈ હિતચિંતકે કહ્યું કે, તારું દુ:ખ અગર કોઈ ફેડે તો મુનિ વેલાકુલ ફેડે. જે મુનિએ પથ્થરની અધ્ધરશિલાને આંખોને અણસારે તોડી પાડી, જેણે નદીનાં ધસમસતાં પૂરને આંખની મહાશક્તિથી નિયંત્રિત કરી નાખ્યાં, એ મુનિ તારા પતિનો રોગ અને તારો શોક-સંતાપ અવશ્ય દૂર કરશે. આશાભરી આવી છું.”
| ‘અવશ્ય ફાલ્ગની ! શું થશે અને શું નહિ થાય. એ તો કંઈ કહેતો નથી, પણ તારું દુઃખ દૂર કરવા માટે મારી શક્તિનો તમામ અંશ તારી સેવામાં હાજર કરીશ.”
| ‘મહામુનિ છો, મહાદયાળુ છો, મહામંત્રધર છો, એ બધું કબૂલ કરું છું, પણ આખરે તમે નર છો. નરનું દાન ક્ષણિક હોય છે; એની ઉદારતા પણ સમય પર અવલંબતી હોય છે. નારી જેવો સ્નેહનો સ્થિરભાવ પુરુષમાં ભાગ્યે જ જોવામાં આવે
16) D શત્રુ કે અજાતશત્રુ
છે.” સુંદરી જાણે સ્વગત કહેતી હોય તેમ બોલી.
મને બીજા નર જેવો ન કલ્પતી, ફાલ્ગની !'
‘એનો મને વિવાદ નથી. સારું-નરસું સમભાવે વેદવું એટલું ધર્મ ચર્ચામાંથી શીખી છું. મારી એક વિનંતી છે. ક્યારેક સામેથી મારી સેવા લેવાનો પ્રસંગ આવે ત્યારે દુનિયાદારીનાં બહાનાં બતાવી આ દાસીને અળગી ન રાખશો.’
‘સંકોચ ન કર, શંકા ન કર, સુંદરી ! સેવા લેવી અને દેવી, એ તો જીવનના આનંદની વિરલ ઘડીઓ છે.’ મુનિ લાગણીના અપૂર્વ વેગમાં તણાઈ રહ્યા હતા.
‘તો આપ પૂનમરાજના મસ્તકે હાથ મૂકી, શાંતિપ્રસાદનો મંત્ર ભણો. આપે તો ઘણાને જિવાડ્યા છે તો આજે આંગણે આવેલાને આશીર્વાદનાં અમૃત પાઈ ઊભાં કરો.'
‘તથાસ્તુ ફાલ્ગની ! શાંતિપ્રસાદનો મંત્ર ભણું છું. વિશ્વાસ રાખજે કે સંસારની કોઈ અધમમાં અધમ અમાવાસ્યા પણ તારા પૂનમને ગ્રસી શકશે નહિ.' અને મુનિએ મંત્ર ભણવો શરૂ કર્યો. પોતાનો હાથ પૂનમના કપોલ પ્રદેશ પર ફેરવવા માંડ્યો. પૂનમે ધીરે ધીરે આંખો ઉઘાડી.
મંત્રાલરનો કેવો અવર્ણનીય પ્રભાવ ! સુંદરીના મોં પર જ્યાં અમાવાસ્યાનાં અંધારાં ઘેરાયાં હતાં, ત્યાં પૂર્ણિમાના ચંદ્રની આભા ઝળકી રહી.
મુનિરાજ એ ઊજળી ચંદ્રઆભા માટે જ પૂનમના માથે મંત્રનો શાંતિ-પ્રસાદ વેરી રહ્યા હતા. સંસારમાં કોણ કોનું કરે છે, ને શા માટે કરે છે, એ કોયડો છે. ધરતીનાં કઠણ ઢેફાંને પોચાં કરતો ખેડૂત ધરતીને કોઈ પરમ ઉપકારી જીવ ભાસે છે, પણ પૃથ્વી કરતાં અન્નના પાક તરફની એની સવિશેષ ઝંખના જોઈ ફરી ધરતી હૈયું કઠણ કરી લે છે ! અને વળી પાછી એ સમયે આળપંપાળ જોઈ છેતરાય છે !
પૂનમરાજને ધીરે ધીરે કળ વળતી લાગી. વિષાદપૂર્ણ બનેલા એના મુખ પર સંતોષની એકદા રેખા તરી આવી. એણે પૂરેપૂરી આંખો ખોલી-પ્રથમ ચારે કોરની પરિસ્થિતિની એણે જાણે ભાળ લીધી અને મૂંડિયા મુનિને રૂપમધુથી છલકાતી પોતાની પત્ની પાસે જઈ એની આંખમાં વળી કર કરી આવી; એની આંખના ખૂણા લાલ થઈ ગયા.
‘પ્રિય પૂનમ !' ફાગુની પૂનમની આંખ પર પોતાનો કમળના ડોડા જેવો હાથ મૂકતાં બોલી, “આ મુનિરાજ તો આપણા પણ ઉપકારી છે. તારી સુશ્રુષા માટે જેઓનું ધન્યનામ અનેક જનોનાં મુખેથી વારંવાર સાંભળ્યું હતું, તે પોતે જ આ છે. તેઓએ શાંતિપ્રસાદ મંત્ર ભણ્યો, ને તને શાંતિ લાધી; તારા પર રોગનો હુમલો ક્ષણિક નીવડ્યો. હવે આપણે થોડા દિવસ અહીંના અતિથિ બનીને રહીશું. મુનિપુંગવે
સતી ફાલ્ગની 161