________________
અહીં શા માટે આવ્યાં હશે ? મારા સન્માન માટે ?
ના, ના. હું તો એમને માટે કાળો નાગ છું. નાગને કોઈ લાંબો કાળ જીવવા ન દે. ભલે એના ગળામાંથી ગરલ વિશ્વની કોથળી કાઢી લીધી હોય, પણ સાપ જીવતો હોય તો નવા વિષને પેદા થતાં વાર કેટલી ?
નક્કી નાગને સંહારવા માટે જ આ બધાં આવ્યાં છે. અને એ માટે જ આટલી ઉતાવળ કરે છે ! તો શું તેઓને મારી હત્યા કરવા દેવી ? એ હત્યાનું કલંક એમને માથે ચઢવા દેવું ? રાજ કેદી વિચારમાં પડી ગયો. એણે બારી વાટે આકાશભણી જોયું. આકાશમાં સંખ્યાના રંગો ઘેરાતા જતા હતા. પંખીઓ માળા ભણી જતાં જતાં ગાતાં હતાં. શું એ પ્રેમનાં ગીત ગાતાં હશે ? કે શું દાનનો મહિમા સમજાવતાં હશે?
જાણે કેટલાંય પંખીઓ પારધીની જાળમાં સપડાઈ દેહનાં દાન કરી બેઠાં હશે. એનાં આ સ્વજનો હશે, પણ શોક જરાય નથી ! ક્ષણભંગુર દેહ કોઈને કામ આવે, એનાં ગીત એ ગાતાં કેવાં નફકરાં ચાલ્યાં જાય છે !
રાજાની નજર ફરી કારાગારની નાનીશી બારીની નીચે આવેલ ગૃધ્રકુટી પર પડી. બે જુવાન શ્રમણો બેઠા તપ તપી રહ્યા હતા. રે ! આ તપસ્વીઓની દશામાં અને મૃત્યુમાં શું ફેર ? એમણે સંસારના મોહમાત્રને ત્યાગ કરીને મૃત્યુને ચરણસેવક બનાવ્યું છે. મૃત્યુને જાણે તપ દ્વારા પડકાર કરી રહ્યા છે કે અહીં તારાથી ડરે છે કોણ ? કાલ આવતું હોય તો આજે આવ !
ઓહ ! જગત આટલું બધું સજ્જ છે, ત્યારે ગાફેલ માત્ર હું જ છું ? નહિ, નહિ ! આજ હું દેહનું દાન આપીશ, પ્રેમનો મંત્ર આપીશ; નહિ ચઢવા દઉં કલંક નવા મગધપતિને માથે, મગધના મહામંત્રીને માથે કે મહાભિખુ દેવદત્તને માથે!
રાજ કેદીની અંતરધારા ભરપેટ વહી નીકળી. એ મનમાં બોલ્યો, ‘રે તમે કોઈ તમારા ગુનાની ક્ષમા ન માગશો. સામે આવીને હું ક્ષમા આપી દઉં છું. માગ્યું આવું એમાં શી મોટાઈ ? અને જાણે રાજા પ્રેમમૂર્તિ બની રહ્યો. છોરું કછોરું થાય; એમાં નવાઈ શી ? પણ હું તો બાપ !'
વસ્યકાર ! તારો શો વાંક ? હું જ ગુનેગાર છું. મારા ગુનાની હું માફી માગું છું. અનેકોને મેં આતાપના પહોંચાડી છે. અનેકોનું ભલું કર્યું છે, ભૂંડું કર્યું છે. જાણીને ભૂંડું કર્યું હશે-અજાણ્યા પણ ભૂંડું કર્યું હશે ! એ બધાની પાસે હું મગધનાથ-ના, ના, એક પરપોટો, એક બુદબુદ – ક્ષમા યાચું છું.
સહુ મને ક્ષમા આપજો. મને કોઈ પર રીસ નથી. બેઠેલો રાજા ઊભો થયો, ઘૂંટણીએ પડ્યો, બોલ્યો : ‘મહાપ્રેમ અને મહાક્ષમાં
80 D શત્રુ કે અજાતશત્રુ
મારું કલ્યાણ કરો. હું દેહનું દાન કરું છું ને પ્રેમનું ગાન કરું છું. સંસારમાં મારો કોઈ શત્રુ નથી, હું કોઈનો શત્રુ નથી. સર્વ પર હું પ્રેમ વરસાવું છું. બધાં મારા પર પ્રેમ વરસાવો.'
ને જાણે અંતિમ નિર્ણય કરી લીધો હોય એમ રાજ કેદીએ પોતાના હાથ પર રહેલ અંગૂઠીની નીચેનું ગુપ્ત ઢાંકણું ખોલ્યું. એ અંગુઠી પર પ્રભુ મહાવીરની છબી અંકિત હતી. પુત્રે પિતાને કેદ કરતાં સંપત્તિમાં એટલી સંપત્તિ હાથ પર રહેવા દીધી હતી ને કહ્યું હતું, ‘આ છબીના દર્શનથી જો તમારા વિષયી દિલમાં વૈરાગ્યનો દીપ જલે તો સારું. એ માટે આ છબીવાળી અંગૂઠી રહેવા દઉં છું.”
પિતાએ કહ્યું હતું, “વત્સ, પ્રયત્ન જરૂર કરીશ. જોઉં છું કે વારંવાર તૂટતા તારને સાંધી સાંધીને ઉપર ચઢનાર કરોળિયા જેટલાં ખંત કે ઉત્સાહ મારામાં છે કે નહિ ?”
એ અંગૂઠીમાં તો ભારેમાં ભારે ઇતિહાસ ભંડારેલો હતો. પોતે શ્રમણોના સંસર્ગમાં આવ્યા પછી રાજ્યમાં રાખવામાં આવતી, પોતાના સૌંદર્ય-સમર્પણથી શત્રુરાજાને હણનારી વિષકન્યાઓને રૂખસદ આપવામાં આવી હતી. પણ એ પછી
ખ્યાલ આવ્યો હતો કે ભંડારમાં એક હીરો પણ કાલકૂટ વિષનો પટ આપીને રાખવામાં આવેલો છે. શત્રુરાજાને મિત્ર બનાવ્યાનો દંભ કરીને એ હીરો ભેટ આપવાનો અને રાજા એ પહેરીને જમે ત્યારે હીરાનું વિષ ભોજનમાં ભળી જાય અને ત્યાં ને ત્યાં રાજાનું મોત નીપજે.
એ કાલકૂટ વિષ પાયેલો હીરો પોતે મંગાવીને પોતાની મંજૂષામાં રાખી મૂક્યો હતો, પણ ત્યાંય ડર રહેતો હતો. પોતાની ગેરહાજરીમાં રખને કોઈના પર કોઈ પ્રયોગ કરી બેસે !
આખરે એક કુશળ શિલ્પકાર પાસે અંગૂઠી બનાવી એમાં એ મુકાવી દીધો ને ઉપર પ્રભુની છબી ગોઠવી.
આજ એ અંગૂઠીમાં સંઘરેલો વિષ પાયેલો હીરો યાદ આવ્યો. રાજ કેદીના મુખ પર આનંદની રેખા તરી આવી.
એ વખતે ગૃધ્રકુટી પાસેથી પસાર થતા શ્રમણોનો સંવાદ સંભળાયો. ‘એક પળનો પણ પ્રમાદ ન કરીશ, ગૌતમ ! પળ જ માણસની ગતિ-દુર્ગતિનું નિર્માણ કરે છે. પળમાં રંકને રાજા કરે છે, પળમાં રાજાને રંક !'
રાજ કેદીને લાગ્યું કે આ ઉપદેશ પોતાને જ અપાય છે. એણે પળનો પણ પ્રમાદ કર્યા વગર અંગૂઠીનું ચાંપવાળું ઢાંકણું ખોલ્યું. કાલકૂટ હીરો કાઢંચો. અને બાળક મોંમાં સાકરનો ટુકડો મૂકે એમ મોંમાં મૂકી દીધો. રાજ કેદીના મુખ પર દિવ્ય પ્રસન્નતા છવાઈ રહી, આનંદ ! આનંદ ! આનંદ !
દેહનું દાન ને પ્રેમનું ગાન 81