________________
રાજાની મુદ્રા જ અત્યારે એવી હતી કે જોનારને સંસાર પરથી વૈરાગ્ય થઈ જાય : એટલો પશ્ચાત્તાપ ત્યાં અંકિત થયો હતો, એટલી મનોવેદના ત્યાં મૂર્તિમંત બની હતી.
જલધોધની જેમ પ્રભુની વાણી વહી રહી અને છેવટે વિરમી. હવામાં એના પડછંદા પડી રહ્યા.
શ્રોતાઓ ધીરે ધીરે સ્વસ્થ થયા, અને નિત્યક્રમ મુજબ પ્રશ્નાર્થીઓ પ્રશ્નો પૂછી મનની દુવિધાને ટાળવા લાગ્યા.
પ્રશ્ન પૂછનારા નિખાલસ જિજ્ઞાસુ હતા; નિરર્થક તાર્કિક કે શુષ્ક તત્ત્વવાદીઓ નહોતા. પ્રશ્નનો જવાબ દેનાર પણ સીધી શૈલીમાં જવાબ આપતા હતા. એ જવાબ દ્વિઅર્થી કે ગોળગોળ નહોતો. બંને કલ્યાણકામી હતા.
રાજા પ્રશ્નોત્તરો સાંભળી રહ્યો હતો. એને પ્રશ્નોત્તરોમાં રસ નહોતો, પણ એમાં વચ્ચે વચ્ચે પોતાના વિશે કંઈ પણ અભિપ્રાય પ્રગટ થાય તેના વિશે મૂળ જિજ્ઞાસા હતી.
આ પ્રભુ એવા નિખાલસ હતા, કે વાતવાતમાં સંસારનાં સાચાં માણસનાં વખાણ કરતા. એક વાર અજાતશત્રુની માતા ચેલા પર જ્યારે અનીતિ, અનાચારના આક્ષેપોના ગંજ ખડકાયા હતા, ત્યારે પ્રભુ વીરે જ ભરી પરિષદમાં એનાં વખાણ કરી સત્યના સૂર્યને ઝળહળતો કરી દીધો હતો.
રાજા અજાતશત્રુએ વિચાર્યું કે એવું આજ બનશે, જરૂર બનશે. મહાપ્રભુ પર પોતાના ભવ્ય સ્વાગતની અને પ્રજાના આનંદોલ્લાસની અસર જરૂર પડી હશે. પણ રાજાની માન્યતા ખોટી પડી : ઘણા પ્રશ્નોત્તરો થયા, પણ એમાં રાજા વિશે અછડતો ઉલ્લેખ પણ ન આવ્યો.
:
આખરે રાજાએ પોતે અંજલિ રચીને પ્રશ્ન કર્યો : ‘પ્રભુ ! જેઓ જીવનપર્યંત ભોગ ભોગવતા રહે છે, એવા ચક્રવર્તીઓ અંતે કઈ ગતિને પ્રાપ્ત થતા હશે ?’
પ્રભુએ આ પ્રશ્ન સાંભળ્યો, આખી પરિષદા પર નજર ફેરવી, અને પછી દૃષ્ટિ અંતરમાં સંમિલિત કરતાં કહ્યું : ‘એવા ચક્રવર્તીઓ સાતમી નરકે જાય છે.'
‘તો પ્રભુ ! મહાદાની ને મહાસંયમી એવા મુજની કઈ ગતિ થશે ?' રાજાએ સ્પષ્ટ રીતે પ્રશ્ન કર્યો ને જવાબ માગ્યો.
‘રાજન ! તું પોતાને મહાદાની કહે છે, પણ દાની એટલે શું, એનો અર્થ જાણે
છે ?'
‘દાન એટલે આપવું.’ અજાતશત્રુએ કહ્યું.
384 D શત્રુ કે અજાતશત્રુ
એરણની ચોરી ને સોયનું દાન એનું નામ તમારે મન દાન હશે, કાં ? મહાનુભાવ ! તળાવનાં જળ શોષી લો, ને પ્યાલું પાણી કોઈને પાઈ દો, એનું નામ દાન નહિ. સાચો દાની તો ખરેખર દાન કરતો નથી, છતાં મહાદાન કરે છે.’ પ્રભુએ નગ્ન સત્ય વદવા માંડ્યું.
‘એવો દાની કોણ ?'
‘જે કોઈનું લેતો નથી, ને જે કોઈને દેતો નથી, પણ સૌનું સૌની પાસે રહેવા દે છે, એ જ ખરો દાની છે. તમે હજારોની ભૂમિ લૂંટી, એમની અઢળક સંપત્તિ સ્વાહા કરી, પછી એ ગરીબોને બે કોડી ધન કે બે તસુ જમીન આપી દાની બનો છો, એ નરી વંચના છે !’ મહાપ્રભુનો એક એક શબ્દ સત્યના તેજથી પરિપૂર્ણ હતો. સભા મંત્રમુગ્ધ બની રહી.
રાજા જરાક છોભીલો પડી ગર્યો, પણ એ ધીરજવાન હતો. એ છેલ્લી ઘડી સુધી હિંમત ન હારતો ને આ પ્રકારના અજબ ધૈર્યથી હારની બાજીને જીતમાં પલટી શકતો.
રાજાએ ફરી પ્રશ્ન કર્યો, ‘હું મહાસંયમી તો ખરો ને ? આપ જાણો છો ને મારું વિશેષણ ‘પરસ્ત્રીસહોદર’ છે ?’
રાજન, તારા કામવૃત્તિના અંકુશને હું વખાણું છું. જગતમાં બધી કામના છોડનારા અસંખ્ય માણસો મળે છે, પણ સ્ત્રીની કામના છોડનારા વિરલા હોય છે.
એ વિષયમાં તને ધન્યવાદ છે, પણ તારા ‘પરસ્ત્રીસહોદર 'પણાને હું સ્વીકારતો નથી.’ પ્રભુએ કહ્યું.
‘કાં, પ્રભુ ?’ રાજા નવાઈ પામ્યો.
‘તું પરસ્ત્રીનો બંધુ કઈ રીતે ? હજારો સ્ત્રીઓને વિધવા બનાવીને તેં એમના સહોદર તરીકેનું નહિ, માત્ર સંહારક તરીકેનું કામ કર્યું છે. સ્ત્રી તરફ કામદૃષ્ટિ ન રાખવી, એટલું જ બસ નથી; સ્ત્રી સંસારની માતા છે, માટે એના પ્રત્યે કલ્યાણદૃષ્ટિ રાખવી એ પણ જરૂરી છે.'
‘યુદ્ધ સ્ત્રીઓને અન્યાય કરતું હશે, પણ સંસારને તો ફાયદો કરે છે ને ?' અજાતશત્રુએ તર્કનો આશ્રય લીધો.
‘કઈ રીતે, મહાનુભાવ ?' પ્રભુએ નિખાલસભાવે કહ્યું.
‘સંસારમાં એક જીવનું ભક્ષણ બીજો જીવ છે. જીવડાંનો શત્રુ પતંગિયું, પતંગિયાનું શત્રુ કૂકડો, કૂકડા માટે બિલાડી, બિલાડી માટે કૂતરો – આમ આખી જીવસૃષ્ટિ વગર યુદ્ધે યુદ્ધનું જીવન જીવી રહી છે અને એથી એની સંખ્યા પર, એની વૃદ્ધિ પર, એના ભક્ષણ પર પૂરતો કાબૂ રહે છે. પણ માણસે પોતાના જીવનને એટલું વા ફર્યા, વાદળ કર્યાં D 385