________________
મુનિ તો એક જ રટણ લઈને બેઠા હતા.
‘તો મરો તમે !” પ્રેમીસમાજનો મોટો ભાગ પાછો વળી ગયો.
‘જેવી પ્રજા-પરમેશ્વરની આજ્ઞા !' મુનિએ કહ્યું, ને એ પલાંઠી વાળીને પદ્માસને નીચે બેસી ગયા. એમણે આંખો સદંતર બંધ કરી. એમના મુખમાંથી થોડાક શબ્દો નીકળ્યા : ‘હે વીતરાગ ! માણસ ભૂલે છે, ભૂલનું પ્રાયશ્ચિત્ત કરે છે. રાજકારણમાં પડી ધર્મકારણ વીસર્યો. મારા દોષનું પ્રાયશ્ચિત્ત ધ્યાનથી ને જીવન-સમર્પણથી કરવા માગું છું.”
પ્રેમીસમાજ હવે છિન્નભિન્ન થઈ ગયો હતો. કેટલાક નાસવા લાગ્યા હતા. એક જણાએ પોકાર કર્યો : ‘નગુરો છે આ મુનિ ! મરવા દો એને ભૂંડે મોતે ! દીવા પર પતંગિયા બનવાનો અર્થ નથી. ભાગો ! જીવ છે તો જગત છે, તો પ્રેમ છે, તો અહિંસા છે.' ને પ્રેમીસમાજની ટુકડીઓ પાછી વળીને નાસવા લાગી. પણ મહાશિલાકંટક યંત્રનું મોં ધીરે ધીરે ઊંચું થતું જતું હતું. ને કાંકરાઓ હવે વેગથી દૂર દૂર સુધી જતા હતા. કોઈ ગોફણમાંથી ગોળા છૂટતા હોય એમ એ હવામાં સુસવાટા જગવતા હતા. નાસતા સમાજને જેમ જેમ કાંકરા વાગતા એમ એમ ભૂમિશરણ થતો હતો. સામાન્ય રીતે વહેતી હવામાં એકાએક વંટોળ જાગે એમ યંત્રનો અવાજ વિકસ્વર બન્યો હતો ને કાંકરાઓ મોટા અવાજ સાથે દિશાઓમાં તીરની જેમ વહી જતા હતા.
યંત્રના સુસવાટમાં બોલ્યું સંભળાય એવું રહ્યું નહોતું. અને બોલનારા કંઈક બોલવા પ્રયત્ન કરે ત્યાં તો એમની જીભને બંધ કરવા ભયંકર કાંકરા આવીને લમણામાં વાગતા. આવા ભયંકર યંત્રોની વાતો તો ઘણી વાર સાંભળી હતી, પણ એનો વિનાશક પ્રભાવ આજે જ નજરે જોવા મળ્યો.
હવે યંત્રમાંથી કાંકરાને બદલે કાંટા છૂટવા લાગ્યા. એ બરછીની જેમ વાગતા. એનાં ફળાં ઝેર પાયેલાં હતાં. માણસ તરત એ ઝેરની અસરથી બેભાન થઈ મૃત્યુ પામતો.
આખું મેદાન થોડી વારમાં મડદાં-વાડી જેવું બની ગયું. ભીરુ માણસોનાં મોત ઘણાં કરુણાજનક હોય છે. સિદ્ધાંતની ખાતર શૂળીએ ચઢનારના દિલમાં જે શાંતિ હોય છે, એ શાંતિ સ્વાર્થી ને બીકણ લોકોના મૃત્યુમાં નથી હોતી. કસાઈથી વધેરાતા ઢોર જેવા કરણ તરફાડ ત્યાં હોય છે. મગધનો એક પણ સૈનિક ત્યાં ફરક્યો નહોતો. કોઈની પણ જીભજીભ મળી નહોતી કે હાથેહાથ ઝૂક્યા નહોતા, છતાં મોત ભેટી ગયું હતું !
મહાશિલાકંટક યંત્ર હવે કાંકરા અને કાંટા બંને ફેંકવા લાગ્યું હતું, અને તે પણ ઘડીના વિરામ વગર ! મગધપતિની જાણે એવી ઇચ્છા હોય કે રણક્ષેત્ર પરથી એક પણ યોદ્ધો વૈશાલીમાં આ યંત્રે વેરેલા સંહારની ખબર આપવા પાછો ફરવો ન
332 D શત્રુ કે અજાતશત્રુ
જોઈએ.
પણ મુનિ વેલાકુલની દશા ખરેખર અજબ હતી. એ તો સમાધિ-અવસ્થામાં બેસી ગયા હતા.
હવે એ બોલવા-ચાલવાના નહોતા. એમના હોઠ અવશ્ય કંપતા હતા, પણ ઉચ્ચાર સ્પષ્ટ નહોતો.
ધીરે ધીરે પ્રેમીસમાજ અદૃશ્ય થઈ ગયો, અને કાંટા અને કાંકરાની વર્ષા એકલા તેમના પર થવા માંડી હતી.
એક કાંકરો આવ્યો, મુનિના માથામાં વાગ્યો; એકદમ લોહીનો ફુવારો છૂટ્યો. મુનિથી ચીસ પડાઈ ગઈ : “જય અરિહંત !'
અને એટલી જ ત્વરાથી એક શુળ આવી, અને મુનિની જમણી આંખને ભેદી ગઈ. આંખમાંથી નાનકડી સરવાણી જેવી રક્તધારા વહી રહી, અને મસ્તકમાંથી ઊડતા ફુવારાને એ મળી ગઈ. નાનકડી નદીમાં જાણે પૂર આવ્યાં.
ફરી યંત્રમાંથી એક શૂળ આવી, અને બીજી આંખમાં આરપાર પેસી ગઈ. ફરી રક્તધારા વહી રહી !
પણ હવે મુનિના મુખમાંથી વેદનાની અરેકારી પણ નીકળતી નહોતી. એ મેરુશિખર જેવા અડોલ બેઠા હતા.
એમણે જે હેત-પ્રીતથી સુંદરી ફાલ્ગનીને સ્વીકારી હતી, એનાથી વધુ હેતથી એ મૃત્યુસુંદરીને આલિંગી રહ્યા હતા.
રક્તના ફુવારા એમને મન રંગના ફુવારા બન્યા હતા; અને જાણે એ નવવધૂના સ્વાગત માટે રચવામાં આવ્યા હતા. મુનિએ જાણે અંતરમાં એ સુંદરી માટે એક અજબ શય્યા બિછાવી હતી; ને શુકલધ્યાનની શગ સળગાવી હતી !
મુનિના નેત્રરૂપી બાહ્ય દીપકો બુઝાયા, પણ અંતરદીપ હજાર હજાર જ્યોતોએ ઝળહળી ઊઠ્યા લાગતા હતા.
ફરી કાંકરા ! ફરી કંટક ! મુનિનો આખો દેહ ચાળણીની જેમ વીંધાઈ રહ્યો. નવરાત્રિમાં રમતી ગોરીઓ માટે જાણે ગરબો કોરાયો, મુનિના અંતરમાં એક નાદ ઊડ્યો હતો :
નથી મને દ્વેષ, નથી મને રાગ.”
અંતર મારું અંતરમાં બેઠું છે !' ‘સ્મિત મારું સ્મિતમાં બેઠું છે !' ‘કોઈ શું મારો શત્રુ, કોઈ શું મા મિત્ર !
મુનિનું સમર્પણ H 333