________________
હિંસા-અહિંસાની વ્યાખ્યા પણ છેવટે તો વક્તાને જ આભારી છે ને !
‘આ નિર્ણય મુજબ કોસલરાજને ખબર આપવામાં આવી. એક સારા દિવસે કોસલના મંત્રીઓ કન્યાને જોવા આવ્યા ! શાક્ય કન્યા તો રૂપ રૂપના અંબાર જેવી ! તેઓએ કન્યા પસંદ કરી, પણ કોસલરાજ અતિ બુદ્ધિમાન હતા. તેમણે મંત્રીઓને સૂચના કરી : ‘જે કન્યા પસંદ થઈ છે, એ મહાનામ શાક્યોની હારમાં બેસી જમે, તો વધુ તરીકે એની પસંદ કરવી.’
‘કોસલના મંત્રીઓએ આ શરત રજૂ કરી. મહાનામ શાક્ય કહ્યું, ‘અરે, એમાં શી હરકત છે. સાચને આંચ નથી.'
કૌશલ્યાએ વાત કરતાં જરાક વિસામો લીધો, ત્યારે શાંત ચિત્તે આખી કથા સાંભળી રહેલા મહાગુરુ બોલ્યા : “એટલે શાક્યોમાં કુળભેદ તો છે જ, પણ ભોજનભેદ પણ પ્રવર્તવો શરૂ થયો છે, કેમ ?’
હા. શાક્યો પોતાનાથી નીચા કુળના લોકો સાથે કદી જમતા નથી.’
“ઓહ ! ત્યારે બુદ્ધ વ્યર્થ કહ્યું છે કે જગતમાં ધર્મનું શાસન સ્થપાયું છે !' મહાગુરુ બોલ્યા. ને પાછા મૌન સેવી રહ્યા.
કૌશલ્યાએ કહ્યું : ‘મહાનામ શાક્ય એ કન્યા સાથે બેસીને જમ્યા, ને રંગેચંગે રાજા સાથે એનાં લગ્ન થયાં. એ દિવસે કોસલરાજે વચન આપ્યું કે અમે શાક્યના ગણતંત્રને સ્વીકારશું. શાક્યોએ તો વિશ્વમૈત્રીની વાતો કરી.'
‘કેમ ?’
‘કારણ કે શાક્યસિંહ ગૌતમ બુદ્ધ જે કુળરૂપી ખાણમાં પેદા થયા હોય એમાં સામાન્ય વાતો તો ન જ ચાલે. શાક્ય કન્યા પટરાણી થઈ. એ ગર્ભવતી થઈ ને અને દીકરો અવતર્યો. ચાંદા-સૂરજ જેવો દીકરો; એનું નામ રાખ્યું વિડુડભ !'
‘વિડુડભ રમે, જમે ને મોટો થાય. સરખેસરખા મિત્રો સાથે હરે, ફરે ને મોજ કરે. ઉત્સવો આવે, બધાં મિત્રોને પોતપોતાના મોસાળથી મીઠાઈ ને રમકડાં આવે, પણ વિડુડભને પોતાના મોસાળથી કંઈ કહેતાં કંઈ ન આવે !
‘કિશોર માતાને પૂછે : ‘મા ! તારું પિયર તો મહાન એવા શાક્યકુળમાં છે. મારે દાદા કે મામા છે કે નહિ ?'
મા કહે, ‘હા બેટા ! તારે તો દરિયા જેવા દાદા અને રાજા જેવા મામા છે.’ કિશોર પૂછે : ‘તો મા, એ પોતાના ભાણેજ માટે કેમ કંઈ રમકડાં કે મેવા
મીઠાઈ મોકલતા નથી ?”
મા બોલી : ‘દીકરા ! મામાનો દેશ દૂર છે. ત્યાંથી કંઈ પણ અહીં મોકલતાં ભારે અગવડ પડે ! તને આપણે ત્યાં કઈ વાતનો તૂટો છે ?”
314 D શત્રુ કે અજાતશત્રુ
કિશોર વિડુડભ કંઈ ન બોલતો. એના મનનું સમાધાન થઈ જતું. વળી થોડા દિવસે એના મિત્રો પોતપોતાને મોસાળ જવા તૈયાર થયા, ત્યારે વિડુડભે માને કહ્યું, ‘જન્મ ધરીને મામાને કે મામીને જોયાં નથી. મા, ચાલ, મારા મોસાળ જઈએ.’
માતાએ કહ્યું, ‘દીકરા ! અત્યારે મારાથી નીકળાય એમ નથી. તારા મામાને સંદેશો કહેવરાવશું. એ તારી મામી સાથે અહીં આવશે અને જાતજાતનાં રમકડાં લાવશે, ભાતભાતનાં મેવા-મીઠાઈ લાવશે.'
‘તો તો ખૂબ મજા આવશે. હું તો મામીના ખોળામાંથી નીચે જ નહિ ઊતરું.' ‘કિશોર રાજી રાજી થઈ ગયો. એ મામા અને મામીનાં આગમનની રાહ જોવા લાગ્યો.
‘વિડુડભ બળમાં ખૂબ આગળ વધ્યો અને પરાક્રમમાં તો તમામ સમોવડિયાને પાછા પાડવા લાગ્યો.
રોજ સાંજે આવીને માતાને પોતાનાં પરાક્રમની વાત કરે અને પૂછે, ‘મા, મારાં મામા-મામી ક્યારે આવશે ? મારે મારી રમતો એમને બતાવવી છે. મારી રમતો જોઈને મારાં મામા-મામી એને ન વખાણે તો મને ફટ કહેજે મા !’
મા કહે, ‘ગયા વર્ષે વરસાદ વધુ થવાથી ને રસ્તા ખોદાઈ જવાથી એમને પાછા ફરવું પડ્યું. પણ આ વર્ષે એ જરૂર આવશે.'
વર્ષ વીતી ગયું, અને ઘણી ઘણી રાહ જોઈ, પણ મામા-મામી ન આવ્યાં. આખરે જુવાન થતા વિડુડભે એક દહાડો દાદાના દેશમાં જવા પરિયાણ કર્યું !
‘વાહ ભાણેજ, વાહ !’ આમ્રપાલીથી બોલાઈ ગયું.
‘હા, બહેન ! હોશભર્યો ભાણેજ ટાઢ, તડકો ને વરસાદ વેઠતો શાક્યોની રાજધાની કપિલવસ્તુમાં પહોંચ્યો. માતાએ એક અસવાર સાથે કહેવરાવ્યું કે ‘ભાણેજનું મીઠું સ્વાગત કરો ને મીઠાશથી વહેલો વિદાય કરજો.'
‘ભાણેજ મોસાળમાં પહોંચ્યો. લોકો આદર કરવા દોડી આવ્યા. સહુએ ઓળખ કરાવી : ‘આ તારા દાદા !'
‘જુવાન વિડુડભ દાદાના પગમાં પડચો. દાદાએ સો વરસનો થજે એવા આશીર્વાદ આપ્યા.'
‘આ તારા મામા !’ કોઈકે કહ્યું.
‘મામા મારા મીઠા, જાણે ઘેબરખાજાં દીઠાં !' જુવાને પોતાના મિત્રો ગાતા એ પંક્તિ ગાઈને નમસ્કાર કર્યા.
‘મામીએ તો માયા બતાવવામાં હદ કરી.
દીવા નીચેનું અંધારું – 315