________________
ફરી આ ઝઘડો જાગ્યો, ને એના પડઘા વૈશાલીના ગણતંત્રમાં પડ્યા. મગધ સાથે મહાયુદ્ધની આગાહી થઈ રહી હતી, ત્યારે બંને પક્ષો ઝઘડવા લાગ્યા ને પરસ્પર કહેવા લાગ્યા કે રાજ્યના તમે માનીતા હતા, હવે જાઓ લડવા !
આમ્રપાલી જ્યારે વિહારમાં આવી ત્યારે મહાગુરુ બુદ્ધ આ ક્ષત્રિયોને ગણતંત્ર વિશે ઉપદેશ આપતા હતા. આ વખતે એક કૌશલ્યા નામની સ્ત્રી ત્યાં આવી અને તેણે પોતાની વાત કહેવા માટે મહાગુરુની અનુજ્ઞા માગી.
મહાગુરુ બુદ્ધે કહ્યું : ‘મેં મારો ઉપદેશ સારાંશમાં આપી દીધો છે. સંસારમાં લોહી મહાન છે. અને એ લોહી સ્વાર્થ કાજે નહીં, પણ પરમાર્થ કાજે વહાવવું એ સમર્પણ છે. સમર્પણથી કોઈ ઉચ્ચતર બીજો ધર્મ નથી.’
ક્ષત્રિયો બોલ્યા : ‘અમે આપે કહ્યું તે સમજ્યા. પણ જે પક્ષોએ આજ સુધી ભારે મોટા રાજકીય લાભ ઉઠાવ્યા છે, તે પહેલાં લડવા જાય. અમે પછી લડવા જઈશું.’ મહાગુરુ બોલ્યા : ‘હું યુદ્ધ ખેડવાનું કહેતો નથી. એકબીજાનાં ગળાં રેંસવાં એ કંઈ યુદ્ધ પણ નથી; ને ધર્મ તો નથી, નથી ને નથી જ ! સમર્પણભાવથી કામ કરો, એટલું જ મારું કહેવાનું છે.'
આ વખતે કૌશલ્યાએ કહ્યું : ‘ભત્તે ! મારી વાત સાંભળો. આપ વૈશાલીના ગણતંત્રની ચિંતા કર્યા કરો છો, પણ શાક્યોના ગણતંત્ર માથે પણ ભારે ભય ખડો થયો છે.'
વળી શું છે ? પાણીમાંથી અગ્નિ કેમ પેદા થયો ?’ ‘આપના કારણે !'
‘મારા કારણે ? અરે, હું તો પ્રેમ-શાસનનો જીવ છું.’
‘આપ શાક્ય કુલમાં જન્મ્યા. આપ મહાન બન્યા. આપની મહત્તાથી શાક્યોએ પોતાનું મહત્ત્વ વધાર્યું. તેઓ પોતાને ઉચ્ચ અને બીજાને હલકા લેખવા લાગ્યા.' કૌશલ્યાએ વાત વિગતથી કહેવા માંડી.
‘હું તો ઉચ્ચ-નીચપણાનો પણ વિરોધી છું.’
‘દુનિયાની ખૂબી જ એ છે. આપના નામે ઉચ્ચ-નીચ તત્ત્વનો એમણે પ્રચાર કર્યો. તેઓએ કહ્યું કે અમે ઉચ્ચ ! અમને-શાક્યોને કોઈ ન પહોંચે.’
‘કુળમદ કર્યો ? અરે, એ મદ એમને ઘણા હેરાન કરશે.'
‘હેરાન કરશે શું, કર્યા છે. ને હું મહામહેનતે આપને તેડવા અહીં આવી શકી છું.' કૌશલ્યાએ કહ્યું.
‘મને વાત વિગતથી કહે. અહિંસાના આટલા પ્રચાર છતાં હિંસા વારંવાર
ભૂકંપની જેમ કેમ ભભૂકી ઊઠે છે ?'
312 D શત્રુ કે અજાતશત્રુ
‘મહાગુરુ ! બધી વાત આપને કહીશ. હવે આમાં જો કોઈથી કંઈ થઈ શકે તો આપનાથી જ થઈ શકે. બાકી બાજી બગડી ચૂકી છે. જે કુળમાં ભગવાન બુદ્ધ જન્મ્યા, એ કુળની હસ્તી જાણે ચાલી જવા બેઠી છે !’
‘કોઈના જન્મથી કોઈ કુળ મોટું થઈ જતું નથી. કુળમાં તો સારા અને નરસા બંને પ્રકારના માણસો થાય છે. શું સંસારની કરુણતા ! પાણીમાંથી જ અગ્નિ જાગે છે ! કુળના મહત્ત્વને બુદ્ધ નકારવા માગે છે, ને સત્કર્મને આગળ આણવા માગે છે. એ બુદ્ઘના પોતાના ગણાતા લોકોનો આ કેવો અહંભાવ !' મહાગુરુ જરા શાંત રહ્યા.
કૌશલ્યાએ વાત આગળ ચલાવી : ‘કોસલના રાજા પર્સનદી આપના સાચા સેવક.’ ‘એના જેતવનમાં તો હું ઘણો સમય રહ્યો છું.’
‘આપના ઉપદેશો સાંભળી, આપના શાક્ય વંશ તરફ એને ચાહ જાગ્યો. એને એમ થયું કે શાક્યો સાથે લોહી સંબંધ બાંધું, અને શાક્યસિંહ બુદ્ધના ઉપદેશોનો જગતમાં પ્રચાર કરું. એટલે કોસલરાત્રે શાક્યો પાસે કન્યા માગી.' કૌશલ્યા વાત કરતાં જરા થોભી. આમ્રપાલી આ વાત રસથી સાંભળી રહી. એ પોતાની મૂંઝવણ વીસરી ગઈ.
કૌશલ્યાએ આગળ ચલાવ્યું : ‘કોસલરાજે કહેવરાવ્યું કે હું એ કન્યાને પટરાણી બનાવીશ. શાક્ય અને કોસલનાં મિશ્રિત વીર્યરજનો અંશ મારા પછી ગાદી શોભાવશે. આ માગણી શાક્યો માથે વીજની જેમ પડી. શાક્યો કહેવા લાગ્યા કે ગમે તેમ તોય શાક્ય કુળ ઊંચું અને કોસલરાજનું કુળ નીચું. નીચના ઘેર ઊંચની કન્યા ન જાય – ભલેને પછી એ શાક્યસિંહનો પરમ શિષ્ય હોય કે ભક્ત હોય.'
‘વાહ રે બુદ્ધના અનુયાયીઓ ! દીવા નીચે અંધારું તે આનું નામ !’ મહાગુરુ બોલ્યા. કૌશલ્યાએ આગળ ચલાવ્યું : ‘શાક્યો બધા એકઠા થયા. એમણે વિચાર કર્યો. એક જણાએ કહ્યું, ‘તમે જાણતા નથી કે બળમાં કોસલરાજ આપણાથી અધિક છે.’ બીજા શાક્યો બોલ્યા : બળ તો પશુતા છે. મહાગુરુ બુદ્ધ અને નિગ્રંથ મહાવીરના યુગમાં બળની જરૂર નથી. બળમાં હિંસા છે. કોસલરાજ બુદ્ધભક્ત હોવાથી હિંસાનો લેશમાત્ર આધાર લઈ શકશે નહિ."
એક વૃદ્ધ શાક્ય કહ્યું, ‘ના પાડશો તો એ છંડાશે. એમાં એને નામોશી લાગશે, ને એ મિટાવવા એ બધી જાતના હિંસક કે અહિંસક પ્રયત્નો કરશે. અત્યારની આપણી અહિંસા તો હજી પ્રયોગાત્મક છે.” શાક્યોની પરિષદાએ આ પછી ઊંડો વિચાર કર્યો, ને આખો પ્રશ્ન મુસદ્દીઓને સોંપ્યો ! મુસદ્દીઓએ નવો જ ખેલ રચ્યો. તેઓએ કોસલરાજને શાક્ય કન્યા આપવી એવો નિર્ણય આપ્યો. અહિંસા એટલે તનની અહિંસા, મનની હિંસા તો ચાલ્યા કરે ! એ કોણ દેખવા આવવાનું છે ? અને દીવા નીચેનું અંધારું – 313