________________
સેવકો અને તજતા નથી. કદાચ પાશ તોડતાં દાંત પડી જાય, અને પારધી આવી પહોંચે તો ભલે હું રહી જાઉં, પણ મારા તમામ અનુયાયીઓ તો મુક્ત થવા જ ઘટે ! માટે પહેલાં મારા સેવકોના પાશ છેદી નાખ, પછી મારો વારો !'
ઉંદર કહે, “અરે ! હું તો તારા રાજા તરીકેના ધર્મની પરીક્ષા કરતો હતો. પ્રથમ તારા સેવકોની જ જાળ છેદીશ.'
અને ઉંદરે પોતાનું કામ શરૂ કર્યું.
ધીરે ધીરે બધાં કબૂતરો મુક્ત થયાં. રાજા ચિત્રગ્રીવ પણ મુક્ત થયો. સહુએ ઉંદરનો આભાર માન્યો, ને સમી સાંજ થતાં બધાં પોતાનાં ઘર તરફ ગીત ગાતાં પાછાં ફર્યાં. ગીતમાં સંપનાં ને મિત્રતાનાં વર્ણન ભર્યાં હતાં.
લઘુપતનક કાગડો પાછળ પાછળ આવ્યો હતો. આ બધો ખેલ જોતો જોતો એ એટલામાં જ ફરતો હતો. એ ઉંદરની મિત્રતા પર વારી ગયો : વાહ મિત્ર, વાહ ! અરે, આવો મિત્ર મને મળે તો મારું જીવન ધન્ય થાય. મિત્ર નામનું રત્ન જેની પાસે નથી, એ રાજાઓનો રાજા પણ ગરીબમાં ગરીબ છે.
કાગડો ઊડીને ઉંદરના દુર્ગ પાસે આવ્યો અને ત્યાંથી ચિત્રગ્રીવ જેવો અવાજ કાઢીને તેને બોલાવવા લાગ્યો.
ઉંદરે દરમાંથી જ પ્રશ્ન કર્યો, ‘અરે ! તું કોણ છે ?’
કાગડો કહે, ‘હું લઘુપતનક નામે કાગડો છું. કબૂતરોની તારી સેવા મેં નજરોનજર જોઈ છે. હું તારો મિત્ર થવા માગું છું. મને મિત્ર કરવા તારો હાથ લંબાવ.'
ઉંદર દરમાંથી જ બોલ્યો : ‘આપણી વચ્ચે સ્વાભાવિક વેર છે. વૈર બે પ્રકારનાં છે : સ્વાભાવિક અને કારણથી પેદા થયેલું. કારણથી પેદા થયેલું વેર ઉપકાર કરવાથી શમી જાય છે, પણ સ્વભાવથી પ્રાપ્ત થયેલું જન્મજાત વેર કોઈ રીતે દૂર થતું નથી. તું જાણે છે કે જેમ નોળિયા અને સાપનું વેર, ઘાસ ખાનારા ને માંસાહારી જીવોનું વેર, જળ અને અગ્નિનું વેર, દેવ અને દૈત્યનું વેર, કૂતરા અને બિલાડાનું વેર, ધનવાન અને દરિદ્રોનું વેર, સિંહ અને હાથીનું વેર, બે શોક્યોનું વેર, સજ્જન અને દુર્જનનું વેર, આમાં કોઈએ કોઈનું કંઈ બગાડ્યું હોતું નથી, છતાં એકબીજાના પ્રાણને પીડ્યા કરે છે. માટે આપણી વચ્ચે સ્વાભાવિક શત્રુતા છે, તેથી મિત્રતા ન સંભવે. હું ભક્ષ્ય છું, તું ભક્ષક છે.'
ઉંદરની આ પ્રકારે વાત સાંભળી કાગડો ગદ્ગદકંઠ થઈ ગયો, ને બોલ્યો, ‘રે ભલાભાઈ ! દરેક નિયમમાં અપવાદ હોય છે. હું તારા દુર્ગદ્વાર પાસે બેઠો છું. તું મારો મિત્ર તરીકે સ્વીકાર કરીશ, તો હું ચારો ચરીશ, નહિ તો અહીં જ પ્રાણ તજી 274 D શત્રુ કે અજાતશત્રુ
દઈશ. હું સોગન ખાઈને વાત કરું છું.’
ઉંદર કહે, ‘શત્રુના સોગનનો કદી વિશ્વાસ ન કરવો. મિત્રતાના સોગન લીધા પછી પણ ઇન્દ્રે વૃત્રાસુરનો નાશ કર્યો હતો, એ તું જાણે છે ? વિશ્વાસ પેદા કરીને જ ઇન્દ્રે દિતિના ગર્ભને ચીરી નાખ્યો હતો.
કાગડો કહે, ‘રે ઉંદર ! તું નીતિશાસ્ત્રનો ભારે જાણકાર છે, વળી ગુણવાળો છે. સંસારમાં ગુણવાન પૂજાય છે.’
ઉંદર બોલ્યો, ‘એવું ન કરીશ. ગુણવાન હોવાથી કોઈ વેર નહિ લે, એમ ન માનવું. મહાન વ્યાકરણી પાણિનીના પ્રાણ શું સિંહે હર્યા નહોતા ? મીમાંસા શાસ્ત્રના કર્તા જૈમિનીના પ્રાણ હાથીએ હર્યા નહોતા ? છંદશાસ્ત્રના અનુપમ જ્ઞાતા પિંગલને સમુદ્રના તટ પર મગરે સંહાર્યા નહોતા ? વેરમાં ગુણ જોવાતા નથી, બલ્કે વેરમાં ગુણ અવગુણ ભાસે છે.'
આખા સભાગૃહે આ વાત પર તાળીઓ પાડી. આખી વાર્તા અદ્ભુત રીતે જામી હતી. ને આ વૃદ્ધ મંત્રી પોતાના પક્ષને યોગ્ય વાત કહેતો હતો કે વિપક્ષને યોગ્ય એ સમજાતું નહોતું. સુરશર્મા આ વાર્તા પોતાની વાતને પુષ્ટિ આપનાર
માનતા હતા. વર્ષકારે વાત આગળ ચલાવી :
કાગડાએ કહ્યું, ‘રે મહાબુદ્ધિશાળી ઉંદર ! હું તો મિત્ર થવાનો નિર્ણય કરીને આવ્યો છું. આપવું અને લેવું, છાની વાત કહેવી અને પૂછવી, ખાવું અને ખવરાવવું આ પ્રીતિનાં છ લક્ષણો છે. એનું હું પાલન કરીશ.
-
અને મહાનુભાવો ! કાગડો તો એ દર પાસે બેઠો. થોડા દિવસમાં દિલભર દિલ સમજાઈ ગયું, ને બંને વચ્ચે દોસ્તી જામી ગઈ ! હવે તો કાગડાની પાંખ પર બેસીને ઉંદર આકાશમાં ઊડવા લાગ્યો. આમ થોડો વખત આનંદમાં પસાર થયો, ત્યાં એક દહાડો કાગડાએ કહ્યું,
‘ભાઈ ! હવે હું તારી વિદાય લઈશ. અનાવૃષ્ટિથી દેશ વેરાન થઈ ગયો છે. લોકો કાગ-બલિ આપતા નથી, બલ્કે પંખીઓ માટે ઘર ઘર ઉપર પાશ ગોઠવ્યા છે. દક્ષિણ દિશામાં આવેલા સરોવરે હું જઈશ. ત્યાં મંથરક નામે એક કાચબો મારો મિત્ર રહે છે.'
ઉંદર કહે, ‘રે મિત્ર ! જ્યાં તું ત્યાં હું, મને પણ અહીં બહુ દુ:ખ છે.'
આખરે બંનેએ એકસાથે જવાનો નિર્ણય કર્યો. અને એક દહાડો બંને જણા ઊડ્યા. ઉંદર કાગડાની પાંખ પર બેઠો હતો. ઊડતા ઊડતા બન્ને સરોવરે આવી પહોંચ્યા. મંથરક સરોવરના કાંઠે બેઠો હતો. ઉંદરને એક વૃક્ષ પર ઉતારી કાગડો કાચબા પાસે આવ્યો.
દરેક વાતને બે બાજુ હોય છે I 275