________________
આ માનવી અને આ પશુ, એ તો સંસ્કારભેદ છે. બાકી તો જીવમાત્ર મૂળે પશુ છે, પશુપતિનાથને પ્રણામ કરી પશુના નામથી જ આપણા પ્રાચીન પુરુષોએ કથાઓ કહી છે. સમજનાર એનું રહસ્ય સમજી લે.'
અને મંત્રી વર્ષકારે પોતાની કથાનો આરંભ કર્યો :
મારી કથામાં પણ શર્માજીના વડલાની જેમ વડ આવે છે. સુંદર અને વિશાળ એવો વડ છે. હજારો વટેમાર્ગુ ત્યાં વિશ્રાંતિ લે છે. વાનર, પંખી ને જીવજંતુ ત્યાં આવીને નિરાંતે નિવાસ કરે છે – જાણે નાનું શું નગર જ જોઈ લો !
આ વટનગર પર એક વાયસરાજ વાસો વસતો હતો. એ વાયસ કહેતાં કાગડાનું નામ ‘લઘુપતનક’ હતું. એક દહાડો પ્રાતઃકાળની મીઠી હવામાં તે લહેરી જીવ આમતેમ પરિભ્રમણ કરતો હતો, ત્યાં એણે એક વિકરાળ પંખીમારને આવતો જોયો. એ પંખીમારના એક ખભે જાળ હતી અને બીજે ખભે ઝોળી હતી, જેમાં સફેદ બાસ્તા જેવા ચોખા ભર્યા હતા.
- ‘કાગરાજ કુશળ બુદ્ધિવાળો હતો. એણે જોયું કે આ પારધી પંખીઓનો મહાકાળ છે ને વટનગર તરફ જાય છે. નકી આજે એ મહાસંહાર કરશે. આમ વિચારી કાગડો જલદી વડ તરફ ગયો, અને એણે સહુ પંખીઓને ચેતવી દીધાં કે આ ચોખા નથી, પણ હળાહળ વિષ છે. ખાવાનો લોભ કરશો તો પ્રાણ ખોશો. આ પારધી છે. એની પાસે જાળ છે. ચેતતા રહેજો, નહિ તો પ્રાણનું સાટું થશે.
વડ પરનાં તમામ પંખીઓ સાવધ થઈ ગયાં. પેલા પારધીએ થોડીવારે ત્યાં આવીને જાળ બિછાવી અને ચોખા વેર્યા. અને પોતે એક ઝાડની ઓથે જઈને સંતાઈ રહ્યો.
આ સમયે ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા, પોતાનાં હજાર કબૂતરો સાથે, ત્યાંથી આકાશમાર્ગે નીકળ્યો. પેલા લહેરી કાગડાએ તેમને પોતાની ભાષામાં આગળ રહેલું જોખમ સમજાવ્યું, પણ કબૂતર કોને કહે ? સાવ ભોળા ! બિચારાં દુષ્ટોની ચાલબાજી ન સમજ્યાં ને ચોખા ખાવા ધસી ગયાં !
એક પળમાં હજારેહજાર ભોળાં પંખી બંદીવાન બની ગયાં. વડ પર રહેલાં તમામ પંખીઓ એમને ઠપકો આપવા લાગ્યાં, ત્યારે લઘુપતનક કાગડાએ તેઓને વારતાં કહ્યું,
| ‘જેવું બનવાનું હોય છે, એવી બુદ્ધિ થાય છે. પરસ્ત્રીનું હરણ કરવામાં પાપ છે, એ જાણવા છતાં રાવણે સીતાનું હરણ શા માટે કર્યું ? સોનાના મૃગ કદી પેદા થતા નથી, એટલું પણ મહાન રામના ખ્યાલમાં કેમ ન આવ્યું ને એ મૃગમાં કેમ લોભાણા ? જુગાર રમવામાં ભારે અનર્થ છે, એમ જાણનાર સત્યવાદી યુધિષ્ઠિર શા
272 D શત્રુ કે અજાતશત્રુ
માટે જુગાર રમ્યા ? અને રમ્યા તો રમ્યા, પણ દ્રૌપદી અને રાજ બંનેને હોડમાં શા માટે મૂક્યાં ? માટે ભાઈઓ ! જેને માથે આફત તોળાતી હોય, એ ડાહ્યા માણસોની બુદ્ધિમાં પણ ભ્રમ પેદા થાય છે.”
પારધીએ આ દૃશ્ય જોયું અને એ હરખભેર દોડ્યો. આજ આટલો બધો શિકાર હાથ આવ્યાથી એ ભગવાનને હજાર વાર ધન્યવાદ આપતો હતો : વાહ રે પ્રભુ ! તારી કળા !
આ વખતે કબૂતરોના રાજાએ પોતાનાં કબૂતરોને કહ્યું, ‘વિપત્તિ જોઈને મૂંઝાઈ ને જવું. પણ ધીરજથી માર્ગ ખોળી કાઢવો. સંપ કરો ને સંગઠનથી ઊડો. મુક્તિ તમારા હાથમાં છે. અને એણે બધાં કબૂતરોને એકસરખા જોરથી ઊડવા કહ્યું. બધાં કબૂતરો પાંખ ફફડાવી જોરથી ઊડ્યાં ને જાળના ખીલા જમીનમાંથી નીકળી ગયો,
જાળ સાથે કબૂતરો ઊંચે આકાશમાં વિહરવા લાગ્યાં આ જોઈ પારધી પાછળ પાછળ દોડ્યો. એણે વિચાર્યું કે ભલભલા માણસો પણ સંપ રાખી શકતા નથી, તો આ પંખી ક્યાં સુધી સંપ જાળવશે ? થોડાંક કબૂતર ઢીલાં પડશે, એટલે બધાં જાળ સાથે નીચાં આવશે, અને પછી તો મારા હાથમાં જ છે ને ! એકેએકની અહીં ને અહીં ડોક મરડી નાખીશ.
પણ પારધીની આશા નિરાશામાં પરિણમી. કબૂતરો થોડી વારમાં ઊડતાં ઊડતાં નજર બહાર ચાલ્યાં ગયાં, પારધી જાળ ગુમાવીને પાછો ફર્યો. આજનો એનો દહાડો નિષ્ફળ ગયો ! એ ભગવાનને ઠપકો આપવા લાગ્યો.
હવે દૂર દૂર નીકળી ગયેલાં કબૂતરોને રાજા ચિત્રગ્રીવે કહ્યું, ‘અહીંથી થોડે દૂર મારો મિત્ર હિરણ્યક નામનો ઉંદર રહે છે. ત્યાં ચાલો, એ આપણને મુક્ત કરશે.”
બધાં કબૂતરો તે તરફ ઊડ્યાં.
અહીં હિરણ્યક સો દ્વારવાળા અભેદ્ય દુર્ગમાં નિવાસ કરતો હતો. એણે કબૂતરોનો અવાજ સાંભળ્યો, ને એ બહાર આવ્યો. પોતાના મિત્ર ચિત્રગ્રીવને જોઈને બોલ્યો, ‘રે ! આ કેવું સંકટ ! લાવ, તારો પાશ કાપી નાખું.”
ચિત્રગ્રીવ કહે, ‘દૈવ બલવાન છે. જલદી અમારા પાશ કાપી નાખો !? હિરણ્યક ઉદર પ્રથમ ચિત્રગ્રીવના પાશ કાપવા આગળ વધ્યો, ત્યારે તેને રોકીને ચિત્રગ્રીવ બોલ્યો :
‘રે મિત્ર ! પહેલાં મારા સેવકોના પાશ છેદ, પછી મારા.” ઉંદર કહે, “અરે ! પહેલાં સ્વામી હોય અને પછી સેવક હોય.'
ચિત્રગ્રીવ કહે, ‘એમ ન બોલ, મિત્ર ! આ બધાં પોતાનાં ઘરબાર અને પ્રાણ મારા ચરણે ધરીને બેઠેલાં છે. જે રાજા સેવકોનું સન્માન કરે છે, એની ખરાબ દશામાં
દરેક વાતને બે બાજુ હોય છે 273