________________
આ શબ્દોએ સંથાગારના ઘુમ્મટને ધન્યવાદના ગબારાઓથી ભરી દીધો.
‘શાંત થાઓ, દેવોનાં પ્રિયો !' વર્ષકારે આગળ ચલાવ્યું, ‘હું અહીં આશ્રય માટે આવ્યો છું, કોઈ આપત્તિ ઊભી કરવા આવ્યો નથી. સર્વાનુમતે જો નિર્ણય થાય તો જ અહીં રહીશ. હું તો તમારા પ્રેમનો યાચક બનીને આવ્યો છું. વિદ્વાન બંધુ સુરશર્માએ જેવી નીતિકથા કહી, તેવી એક કથા કહી છેવટનો તમારો અભિપ્રાય માગીશ. અને તમે જેવો આપશો તેવો અભિપ્રાય સ્વીકારી લઈશ.'
સૌ વર્ષકારની વાણી સાંભળવા એકકાન થઈ રહ્યા.
37
દરેક વાતને બે બાજુ હોય છે.
મહામંત્રી વર્ણકારે પોતાની વાત રજૂ કરતાં કહ્યું :
‘કથા અને દૃષ્ટાંતો માનવજીવનમાં મોટો ભાગ ભજવે છે. અને એથી હજારો વર્ષોથી આપણી આર્ષપુરુષોએ કથાઓ કહી છે. ભગવાન મહાવીરના ઉપદેશમાં કથાતત્ત્વ મુખ્ય હોય છે. લોકગુરુ બુદ્ધ પણ એનો આશ્રય લે છે.”
‘દરેક વાતને બે પક્ષ હોય છે, બે બાજુ હોય છે, બે પાસાં હોય છે. ભગવાન મહાવીર જેને અનેકાન્તસિદ્ધાંત કહે છે, એ વાત સમજવા જેવી છે.'
ઓહ ! આ માણસ તો ધર્મસિદ્ધાંતોનો પણ જાણકાર છે, ને વૈશાલીના પ્રિય પુરુષોનું નામ પણ વારંવાર લે છે.” સંથાગારના એક પક્ષે પોતાનો સંતોષ વ્યક્ત કર્યો.
‘વૈશાલીના પ્રિય પુરુષો ! મિત્રો ! આપણે આ પ્રમાણે બોલીને સૂરજને છાબડાથી ઢાંકીએ છીએ, અથવા આપણા પાત્રમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબને જ ચંદ્ર માનવાની ભૂલ કરીએ છીએ. એ પુરુષો માત્ર વૈશાલીના નહિ, વિશ્વના પુરુષો છે.' વર્ષકારે આખી સભાને આ વચનોથી આંજી દીધી.
એણે વાત આગળ ચલાવી : “દૃષ્ટાંત કંઈ સર્વથા સ્વીકાર્ય હોતાં નથી; એનું એક પડખું જ સ્વીકાર્ય હોય છે. હું જે દૃષ્ટાંત કહીશ, તે પણ તે રીતે જ તમે સ્વીકારશો. તમે જે કથા સાંભળી તે પણ એ રીતે જ વિચારશો. જે શાસ્ત્રમાંથી સુરશર્માજીએ દૃષ્ટાંત આપ્યું. એ શાસ્ત્રનું જ આ દૃષ્ટાંત છે, એટલે લગીર પણ પ્રામાણ્યભેદ થવાને કારણ નથી.'
વર્ષકાર આટલું બોલી થોભ્યો, અને એક વાર તમામ પરિષદા પર વિજયી દૃષ્ટિ ફેરવી રહ્યા. સભા બરાબર કાબૂમાં આવી ગયેલી જણાઈ. વશીકરણની વિદ્યા જાણનારો જેમ સભાને વશીભૂત કરી આગળ વધે, તેમ તે સભાને વચનચાતુરીથી કાબુમાં લઈને પોતાના વક્તવ્યમાં આગળ વધ્યા :
270 | શત્રુ કે અજાતશત્રુ