________________
વૈશાલીનાં પ્રજાજનો વર્ષકારની મીઠી મીઠી વાતો પર વારી ગયાં. તેઓએ છડેચોક જાહેર કર્યું કે “અમે તમને અમારા ગણતંત્રમાં માનવંત હોદો અપાવીશું. અમે જૂના દેવોને દૂર કર્યા છે. માનવ એ જ દેવ; બીજો કોઈ ઉપર-નીચે વસનાર દેવ છે જ નહિ; તમે અમારા માનવદેવોમાંના એક !'
‘ના ભાઈઓ ! એવું ન કરશો. મારા જેવો પાપી બીજો કોઈ નથી. હજી મારાં કાર્ય જુઓ, પછી કહો.’
એમાં કંઈ જોવાની જરૂર નથી. આપણે માણસ હોઈએ તો મોં પરથી સામા માણસને પારખી લઈએ.” બે-ચાર જણા ભાવાવેશપૂર્વક બોલ્યા.
‘હા, હા. અમે એમને રાજ્યમાં ઊંચી જગ્યા અપાવીશું.' બીજા પ્રજાજનોએ કહ્યું.
વાહ ! શું રાજ છે ! વારી જાઉં છું ! બે વચ્ચે કેટલો બધો-લાખ ગાડાં જેટલોફેર ! અમારે ત્યાં રાજા કહે એ અમારે કરવાનું; તમારા ત્યાં તમે કહો તે રાજાએ કરવાનું !' વર્ષકારે ગણતંત્રનાં વખાણ કર્યાં.
‘ન કરે તો કાલે ઘેર બેસે. અહીં તો જૂથવાળાનું જોર . એ રાત કહે તો રાત કહેવી પડે, ને દિવસ કહે તો દિવસ કહેવો પડે.’ પ્રજાજનોમાંથી એકે જરા ગર્વ કરતાં કહ્યું.
‘ભાઈ ! અમે પણ ખરા બપોરને ચાંદની રાત કહી છે, પણ તે માત્ર એક રાજાને કારણે; માત્ર ગાંડીધેલી એક વ્યક્તિને સંતુષ્ટ કરવા ખાતર.'
- “અહીં રાજા કંઈ બિસાતમાં નહિ ! પ્રજા જ સર્વસ્વ ! વ્યક્તિનું જોર નહીં, સમષ્ટિ જ સર્વસ્વ !'
વર્ષકારે ગણતંત્રનાં ખૂબ વખાણ કર્યા. પ્રજાજનોએ પણ વખાણથી ફુલાઈને પોતાની પ્રશંસા પોતે જ કરી ! આખરે સહુ રાજ્યની મોટી અતિથિશાળામાં આવી પહોંચ્યાં. આ અતિથિશાળા ખૂબ વિશાલ હતી અને એમાં એક રાજમહેલને ભુલાવે તેવી વ્યવસ્થા ને શણગાર હતાં. અહીં ખાન-પાનના વિશાળ ભંડારો ભર્યા હતા, ને દેશદેશના પાકશાસ્ત્રીઓ અહીં સદાકાળ રોકાયેલા હતા.
ગણતંત્રે પોતાની સિદ્ધિ હાંસલ કરી લીધી હતી, અને હવે એને પ્રસિદ્ધિ ખપતી હતી અને એ માટે દેશ-પરદેશના મોટા અતિથિઓને અહીં વારંવાર તેડવામાં આવતા હતા. અહીંનો વિલાસ અપૂર્વ હતો. વૈશાલીની વામાનાં રૂપતેજ અનોખાં હતાં, અને એનાં નયન-નીરથી વીંધાયેલ અનેક રાજદૂતો અહીં દિવસો સુધી પડ્યા-પાથર્યા રહેતા અને ગંગા ગયે ગંગાદાસ અને જમના ગયે જમનાદાસ કરતા.
વક્નત્વ એ અહીં કલા લેખાતું; હૃદય કે સત્ય સાથે એને કંઈ સંબંધ નહોતો. દલીલ સચોટ હોવી ઘટે, સત્યનો અંશ એમાં હોય કે ન પણ હોય. અહીં તો વધે એ તીર, ભલે પછી એ ગમે તેનું કે ગમે તેવું હોય.
256 1 શત્રુ કે અજાતશત્રુ
આ અતિથિશાળામાં આમ્રપાલી જેવી ઘણી જનપદ પ્રિયાઓ આવતી-જતીરહેતી. સૌન્દર્યની પરાકાષ્ઠાવાળી આ સુંદરીઓ એક પતિને વરી ન શકતી. જેમ રાજ્યનો ધન-ભંડાર પ્રજામાત્રનો, એમ સૌંદર્યભંડાર પણ સમસ્ત જનતાનો લેખાતો. અલબત્ત, એનો ઉપભોગ તો મોટા મોટા રાજપુરુષો કે ધનપતિઓ જ કરી શકતા, છતાં ક્યારેક ક્યારેક પ્રજાજનોને પણ તેનો થોડોઘણો લાભ મળતો.
વર્ષકારને અહીં ઉતારો મળ્યો. એણે ઘણા રાજ મહેલો નીરખ્યા હતા, પણ આનો વૈભવ ઔર હતો. એની આંખો લળીલળીને એ બધાને જોઈ રહી. એના મોંમાંથી વારંવાર ધન્યવાદના સૂરો નીકળતા હતા.
એક દિવસ-રાત અહીં પડ્યા રહીને વર્ષકારે પોતાનો થાક ઉતાર્યો. પણ એ વખતમાંય એણે ઘણું ઘણું જાણી લીધું.
અતિથિશાળાના પાનાગારમાં અને નૃત્યગૃહમાં મોડી રાતે ગણતંત્રની વિભૂતિઓ એકઠી મળતી, ખૂબ પાન કરતી, ખૂબ નૃત્ય જોતી, અને પછી ભોજન લેતાં લેતાં જગનિંદા કરતી.
આ નિંદા સાંભળી વર્મકારને લાગ્યું કે કાગડા બધે કાળા છે ! એકબીજાને પાડવાનાં, પોતાનું જૂથ વધારવાનાં ને સામાનું જૂથ ભાંગવાનાં ષડયંત્ર અહીં પણ સદાકાળ ચાલ્યા કરે છે ! જાણે રાજતંત્ર એ પયંત્રની જ બીજી આવૃત્તિ બની ગયું છે ! ઘણા બધાની ધન તથા રૂપની તૃષા અમાપ હતી, ને એ માટે સત્તા મેળવવાનાં વલખાં પણ ભયંકર હતો.
સંથાગારમાં વર્ષકારને રજૂ કરવાના દિવસનો નિર્ણય લેવાઈ ગયો હતો, અને તેની જાહેરાત પણ થઈ ગઈ હતી. વર્ષકારને પણ એની જાણ કરવામાં આવી હતી. આ માટે વર્ષકારને ઘણો સંકોચ થતો હતો, પણ કેટલાક પ્રજાજનોએ એમને વચન આપ્યું હતું કે ‘તમે નિશ્ચિત રહેજો; અમારા નિર્ણયનો સ્વીકાર કર્યા વગર કોઈનો છૂટકો નથી !'
‘પણ જનતા જનાર્દન જો મને ન ઇચ્છે તો હું બીજે ચાલ્યો જવા તૈયાર છું.’ વર્ષકારે વારંવાર વિનંતી કરી..
‘સાચું કહીએ તમને ? હવે તમારાથી અમારે કંઈ છુપાવવાનું નથી. જનતા જનાર્દન એટલે કોણ ? અમે અમારા જૂથના રાજા. અરે, જનપદપ્રિયાના ઠરાવ વખતે ઘણા એના વિરોધી હતા, પણ અમે ધાર્યું તો ઠરાવ કરાવી દીધો. આજે કોઈ માબાપ અમારી વિરુદ્ધ ગરબડ કરે કે તરત અમે એની દીકરીના કે બહેનના રૂપનાં વખાણ કરવા લાગી જઈએ છીએ. તરત તેઓ સીધા થઈ જાય છે, અને ન માને તો થોડા દહાડામાં એની દીકરીને ગણિકા બનાવી દઈએ છીએ !'
જૂથબંધી 257