________________
35
‘એ વાત સાવ સાચી. એ વખતે મેં વિરોધ કર્યો કે મગધના રાજતંત્રમાં ગણતંત્રની દખલ ન જોઈએ. નહિ તો આ બધા રાજકુમારો ભીખ માગશે; એમને કોઈ શેર તાંડુલ પણ નહિ આપે.”
એટલે તમારી દયાએ તમને જ ખાધા, કાં ?' શાણા પ્રજાજનોએ વાત અડધેથી પૂરી કરી.
| ‘હા, એમ જ થયું. જો રાજતંત્રના બદલે મગધમાં ગણતંત્ર હોય તો રાજાની તાકાત નહોતી કે મને કંઈ કરી શકે, જે સિંહને મેં પાળ્યો, એણે જ મને હણ્યો. ભાઈઓ ! મારા આ પાપનું પ્રાયશ્ચિત્ત મારે કરવું છે.' વર્ષકારની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં.
વૈશાલીના ભાવનાશીલ લોકો તો ખરેખર પાગલ બની ગયા : “અરે ! આવા નરરત્નને કમોતે મરવા દેવાય ? વૈશાલી તો આવા દેવોની પ્રતિષ્ઠા કરશે; એમનું સન્માન-બહુમાન કરશે.”
ને લોકો વર્ષકારને ઊંચકીને, એનો જયજયકાર બોલાવતો, ઝડપથી નગર તરફ વહેતા થયા.
જૂથબંધી
વૈશાલીની ભરી બજારોમાંથી લોકો મગધના મહામંત્રી વર્ષકારને લઈ ચાલ્યા. વર્ષકારના મોંમાંથી પગલે પગલે રાજાશાહી સામે આક્ષેપો ને ચંગનાં બાણ છૂટતાં હતાં.
એ કહેતા હતા : “ઓહ ! રાજા પોતે પરમેશ્વર બની બેઠો, પણ જનતા જ સાચો જનાર્દન છે ! હવે મારી પ્રતિજ્ઞા છે કે ગણતંત્રના પ્રચારમાં આ જીવન સમર્પ દેવું. પણ શું વૈશાલીનાં ઉદાર પ્રજાજનો મુજ પાપીને સ્વીકારશે ખરા ?”
‘શા માટે નહિ ?” પ્રજાજનો બોલ્યા, ‘અમારું ગણતંત્ર તો વસુધાનાં તમામ પ્રજાજનોને પોતાનાં માને છે, એનાં સ્વાતંત્ર્યયુદ્ધો પોતાનાં માને છે. એ તો ઇચ્છે છે કે આખી દુનિયા એક બને; એનું એક તંત્ર બને. એ તંત્રનું બધી પ્રજાઓ સ્વયં સંચાલન કરે ! બસ, અમારું એક જ ધ્યેય છે.’
તો શું તમે મને અપનાવશો ?' ‘અવશ્ય, અવશ્ય, તમે અમારા બન્યા છો; અમે તમારા બન્યા છીએ.” ‘શું હું આ શબ્દો મારા કાનથી સાંભળી રહ્યો છું ?' ‘હા.' પ્રજાજનોએ કહ્યું.
આ તો જાણે અમૃતપાન છે !' વર્ષકારે પોતાનો અહોભાવ દેખાડ્યો ને એકાએક ચીસ પાડી. એને કમરમાં દર્દ થતું હોય તેમ લાગ્યું. ભયંકર દર્દ ! એ બેવડ વળી ગયા.
લોકોએ એને પાસેના ઓટલા પર સુવાડી દીધા, ને કેટલાક લોકો પંખો નાખવા લાગ્યા, કેટલાક પીઠ પંપાળવા લાગ્યા. વર્ષકારે પંખો દૂર કરતાં અને પંખો નાખનારનો હાથ હઠાવતાં કહ્યું : ‘ભલાં પ્રજાજનો ! મારા તરફ દયા ન દાખવશો. આ બધું મારા પોતાના જ પાપનું પ્રાયશ્ચિત્ત છે. તમને મારા તરફ દયા આવે એ સ્વાભાવિક છે, કારણ કે તમે દયાવાન છો, પણ હું તમારી અનુકંપાને યોગ્ય નથી.”
254 | શત્રુ કે અજાતશત્રુ