________________
મહાવીરનાં દર્શન કરી શ્રાવસ્તી છોડવું પડશે.' મુનિએ વ્યંગમાં કહ્યું.
અમારા ટાંટિયા અમારા જ ગળામાં ! મુનિજી, એમાં લવલેશ શંકા ન રાખશો. અમે વળી ફરીવાર યાત્રાએ આવીશું. ‘શરત એ શરત.' ફાલ્ગુનીએ શાંતિથી જવાબ વાળ્યો.
‘અરે, મન ગંગા તો કથરોટમેં ગંગા !' પૂનમે કહ્યું.
તો ચાલો, આ ભીડરૂપી ગાંડો હાથી પાછો ફરે એ પહેલાં વિરામસ્થાને પહોંચી જઈએ.' મુનિએ કહ્યું.
ત્રણે જણાં જલદી જલદી પાછાં ફર્યાં, ને પોતાના વિરામસ્થાને પહોંચી ગયાં. ફાલ્ગુની તો પોતાની પુરાણી ચાલ મુજબ ચાલતી હતી; એને તો ફક્ત એટલી સંભાળ રાખવાની હતી કે જાળનું ફસાયેલું માછલું જાળ બહાર સરકી ન જાય.
એ રાતે તેઓએ આગામી પ્રવાસની તૈયારીઓ કરી, અને શીઘ્ર પહોંચી જવા માટે એક અશ્વરથની આયોજના કરી લીધી. આમ છતાં પૂનમ તો પોતે અશ્વ પર જ પ્રવાસ કરવાનો હતો. એ કહેતો કે રથમાં ઘણી વાર અશ્વો સારા ન હોય તો, એમની વાછૂટની દુર્ગંધથી મને વમન થઈ જાય છે !
મુનિને આ મનગમતું લાગ્યું. યદ્યપિ પૂનમ સમર્પિત આત્મા હતો, પણ ઘણી વાર પતિદેવોના મિજાજના પારા સહેજ ગરમીએ ઊંચો આંક જોતા હોય છે !
રથમાં મખમલી બિછાત હતી ને ચીનાંશુકથી મઢેલા તકિયા હતા. ચારે તરફ વેલબુટાવાળી ચીનની જાળીઓ લટકતી હતી. આ જાળીઓમાં એ ખૂબી હતી કે અંદર બેઠેલો માણસ બહારની વ્યક્તિને જોઈ શકે, પણ બહારનો માણસ રથની અંદર ચાલતો વ્યાપાર ન જોઈ શકે.
સવાર થતાં જ ફાલ્ગુનીએ મુનિને કહ્યું, “તમે અને પૂનમ જાઓ, મહાવીરનાં દર્શન કરી આવો.'
‘અને તું ગોશાલકનાં દર્શને જઈશ ?'
ના રે ના, હું તો આ અશ્વનાં દર્શન કરીશ. આપણા ખરા ઉદ્ધારક તો એ છે. બિચારા તમને રથમાં બેસાડી દેશ-દેશની યાત્રા કરાવશે, અને ધારેલ મુકામે પહોંચાડશે.’
“અરે ! મને ડર છે કે તું અશ્વના પ્રેમમાં પડી ન જા !'
‘હવે વધુ વિવાદમાં ઊતર્યા વગર કામ પતાવો. મધ્યાહ્ન પહેલાં તો આલભિકા નગરી વટાવી દેવી છે.'
‘ફાલ્ગુની, તું પણ ચાલ ને !'
‘હું આવીશ તો તમારાથી એક પણ પ્રશ્ન નહીં પૂછી શકાય.' ફાલ્ગુનીએ
208 | શત્રુ કે અજાતશત્રુ
દમદાટી દેતાં કહ્યું. એની ભ્રમરો ઊંચી-નીચી થતી હતી, ને જાણે પુષ્પધન્વા એ ભ્રમરોના રથ પર ચઢી કોઈ સંગ્રામ ખેલતો હોય તેમ લાગતું હતું.
‘કોઈ પ્રશ્ન પૂછતો હશે તો સાંભળીશું. એમાં તો તને વાંધો નથી ને ?’ ‘ભારે રાગ-વિરાગભર્યું તમારું દિલ છે.’ ફાલ્ગુનીને સહજ સ્નેહ થયો. “એ તો ગંગા ગયે ગંગાદાસ, જમના ગયે જમનાદાસ !' પૂનમે સહેજ ટકોર કરી. “જે કહો તે, જેવો કહો તેવો. ફાલ્ગુની, વિલંબ નહીં કરું હોં. મને પણ હવે મગધના દરબારનાં સ્વપ્ન આવે છે ! મારા પ્રભુની એ પણ ઉપદેશભૂમિ છે.’
મુનિ આટલું બોલી આગળ વધ્યા. ફાલ્ગુની ને પૂનમ તેની પાછળ ચાલ્યાં. મુનિનો ચાલવાનો વેગ અપૂર્વ હતો. એ ઠીક ઠીક આગળ નીકળી ગયા.
‘ફાલ્ગુની ! આ માણસ તો શક્તિનો ભંડાર છે, દુનિયાને ડોલાવે તેવો છે, ફક્ત એની ધરી મજબૂત નથી એટલી જ ચિંતાની વાત છે.’ પૂનમે ધીરેથી કહ્યું.
‘અજબ છે. જ્યારે મને પ્રેમ કરે છે ત્યારે એમ બતાવે છે કે મારા સિવાય એનું કોઈ નથી, પ્રભુ પણ નહિ ! ને જ્યારે મહાવીર પાસે જાય છે ત્યારે જાણે આપણે એનાં કોઈ નહીં !' ફાલ્ગુનીએ કહ્યું.
‘પણ તેં વાંદરાને બરાબર કબજે કર્યો છે !!
‘બિચારો વાંદરો ચપટી ચણાને મોતીનો થાળ માની બેઠો છે !' ફાલ્ગુનીએ ધીરેથી કહ્યું .
મીણ અને પોલાદ મૂળમાં એક જ પદાર્થ છે. ગરમી લાગ્યે ઓગળે એ મીણ; ગરમી લાગવા છતાં જરા પણ દ્રવીભૂત ન થાય એ પોલાદ.
મુનિ વેલાકુલ આમ તો પોલાદના બનેલા લાગતા, પણ મૂળ તો મીણ હતા. અત્યાર સુધી ગરમી લાગી નહોતી. એટલે, અથવા ગરમીથી એ ઇરાદાપૂર્વક દૂર રહ્યા હતા એટલે, પોલાદની પ્રતિમા લાગતા હતા.
આ મીણ હવે ભગવાન મહાવીર પાસે કે માનુની ફાલ્ગુની પાસે સરખી રીતે પીગળી રહ્યું હતું.
પ્રભાતે પારખું C 209