________________
21
સ્વર્ગલોકમાં
કેસૂડાનાં પુષ્પની શોભાવાળી સંધ્યા આથમી ત્યારે મગધના પાટનગરના
છેડે આવેલા દેવિમાન આકારના પ્રસાદમાં એકાએક નૃત્યગીત આરંભાઈ ગયાં. આખોય પ્રાસાદ લીલા રંગનો હતો. એના પડદાઓ પણ લીલા રંગના હતા. પ્રાસાદ અનેક ખંડમાં વિભક્ત કરેલો હતો, જેમાં સઘન લતામંડપો, શીતળ નિર્ઝરગૃહો ને સ્ફટિકના પ્રકાશે ઝળહળતી પુષ્પવાટિકાઓ આવેલી હતી.
એનો એક એક ખંડ જાતજાતનાં શિલ્પોથી શણગારેલો હતો, ને એ ખંડની અર્ધ ખૂલી બારીઓ વાટે જોનારને પોતે પૃથ્વીથી ઊંચે વસતો હોય તેવો ખ્યાલ આવતો હતો. પૃથ્વી પર કદી ન અનુભવ્યો હોય તેવો મીઠો સુગંધભર્યો પવન ત્યાં વહેતો હતો.
આ દેવવિમાનરૂપ પ્રાસાદનો મુખ્ય ખંડ તો અનેરી શોભાથી ભરેલો હતો. આસનો પીઠિકાઓ, પર્યંકો સ્ફટિક અને નીલજડ્યાં હતાં. એની દીવાલો મુક્તામાળાઓથી લચી પડતી હતી. આ ખંડના મધ્યભાગમાં એક મોટા પલંગ પર કોઈ પુરુષ સૂતો હતો. એના દેહ પર હંસલક્ષણ વસ્ત્ર× હતું. કાનમાં તેજસ્વી કુંડળો હતાં. બાહુ પર કીમતી બાજુબંધ અને હાથ પર સુંદર કંકણો હતાં. એના પગ લાલ રંગથી રંગેલા હતા, ને લાંબા વાળ ખૂબ કાળજીથી ઓળ્યા હતા.
આ એક પુરુષને બાદ કરતાં આખો મહાલય સ્ત્રીઓથી ભરેલો હતો. બધી સ્ત્રીઓ નવયૌવના અને રૂપરૂપના અંબાર સમી હતી. તેઓનું એક એક અંગ કામદેવનું વિજયી શસ્ત્ર હતું.
કોઈ સંકેત થતાંની સાથે કૂટ, નકાર ને ઘોંકાર જેવા મેઘધ્વનિ પૂર્વક મૃદંગો x શ્વાસથી પણ ઊડી જાય તેવું પ્રાચીન કાળનું કીમતી વસ્ત્ર.
વાગવા માંડ્યાં. ક્રમ ને ઉત્ક્રમના આરોહ-અવરોહ સાથે વીણા વાગવા માંડી. કામદેવના વિજયી મંત્રાસ્ત્ર જેવું સંગીત છેડાયું. ગાંધાર રાગ અનેક લય ને જાતિ સાથે ગવાવા લાગ્યા.
શાંત બેઠેલું સુંદરીવૃંદ સજ્જ થયું. કોઈ ગાવા લાગી, કોઈ મૃદંગ વગાડવા માંડી, કેટલીકે નૃત્ય આરંભ્યું.
સંગીતના મિષ્ટ ધ્વનિ સાથે આ રૂપના રાશિએ નૃત્ય આરંભ્યું. નિશાનો શ્યામ અંચળો ધીરે ધીરે જગત પર પથરાઈ રહ્યો હતો. વારેવારે ખુલતા વાતાયનોના પડદાઓ વાટે સ્ફટિકશા આકાશમાં તારલિયાઓ ઝબૂકી રહ્યા હતા. ને નીચે દૂર દૂર રાજગૃહીના ઝાંખા આકાશદીપકો દેખાઈ રહ્યા હતા.
મંદમંદ સંગીત ધીરે ધીરે ઉત્તેજક બનતું ચાલ્યું. મૃદંગ બજાવતી સ્ત્રીઓ જોર જોરથી મૃદંગ પર થાપીઓ મારવા લાગી, અને એ પરિશ્રમમાં એમનાં સુપુષ્ટ વક્ષસ્થળો પણ અવનવું નૃત્ય કરવા લાગ્યાં. પારદર્શક આવરણો પહેરીને વીણા લઈને બેઠેલી સ્ત્રીઓએ પોતાની સુંદર આંગળીઓનું નૃત્ય આરંભ્યું.
અને સાથે સાથે નૂપુર, કટિમેખલા ને વલયોના સુમધુર ઝંકાર સાથે બીજી સુંદરીઓ નાચવા લાગી.
ખંડના મધ્યભાગમાં સુખસેજમાં સૂતેલો પુરુષ ધીરે ધીરે જાગ્રત થઈ રહ્યો હોય એમ સળવળતો હતો, પણ કોઈ કેફી પીણાના જોરે એ હજી અર્ધજાગ્રત હતો. મખમલી શય્યા એને ગલીપચી કરી રહી હતી, ને સુગંધભર્યો પવન એની આંખોને ભારે બનાવી રહ્યો હતો. એને લાગી રહ્યું હતું કે જાણે પોતે કોઈ સ્વર્ગીય પ્રદેશમાં વિહરી રહ્યો છે. શરીરમાં અત્યંત આળસ અને મગજ પર ઘેનનો ભાર લાગતો હતો. પણ ધીરે ધીરે એના કર્ણપટલ પર સુમધુર ગીતનો ધ્વનિ સંભળાવા લાગ્યો. ફરીથી એ કોઈ સુંદર સ્વપ્નમાં પડ્યો.
પણ થોડીવારે કોઈ કુમાશભરી વસ્તુ એને સ્પર્શ કરતી લાગી. સેજમાં બેસી શકાય તેટલી શારીરિક શક્તિ જાણે હણાઈ ગઈ હતી. એણે સૂતાં સૂતાં જ મદભર્યાં નેત્રો ખોલ્યાં.
ખરેખર સ્વર્ગ જ ! સૂતાં સૂતાં એ જેની કલ્પના કરી રહ્યો હતો એવું જ સ્વર્ગ ! એનાં ઉઘાડાં અંગોને સ્પર્શ કરીને એક પરમ - યૌવના સ્ત્રી વીંઝણો કરી રહી હતી. પાસે જ અલૌકિક નાટારંભ રચાઈ રહ્યો હતો.
*નૃત્ય કરતી કેટલીક સુંદરીઓ દૃઢ અંગહાર ને અભિનયથી કંચુકીને તોડવા મથતી હોય એમ કમળદંડ જેવા સુંદર ભુજામૂળને બતાવવી હતી.
* શ્રી હેમચંદ્રાચાર્યકૃત ‘ત્રિષષ્ઠિશલાકાપુરુષ'ના વર્ણનના આધારે
સ્વર્ગલોકમાં D 177