________________
“શું મહાઅમાત્ય રોહિણેયને બદલે બીજા કોઈને પકડી લાવ્યા છે ?” મગધરાજના મોંમાંથી એકાએક નીકળી ગયું.
રાજમાર્ગ પરનાં હાસ્ય ને ઠઠ્ઠાની વચ્ચેથી મહામંત્રી અને સૈનિકોને પસાર થતાં ભોંય ભારે લાગી. જેઓની પાસેથી પ્રશંસાનાં પુષ્પોની આશા રાખી હતી, તેઓની પાસેથી કટાક્ષનાં વ્યંગનાં બાણોનો વરસાદ વરસ્યો. સૈનિકોનો તો ઉત્સાહ શમી ગયો. તેઓ બિચારા આ નિર્માલ્ય લાગતા માણસની લોહજંજીરો ઝાલીને, છાતી ફુલાવીને, ઊંચે મુખે ચાલતાંય શરમાતા હતા.
રાજદ્વાર પાસે આવતાં તેઓએ છુટકારાનો દમ ખેંચ્યો. મગધપતિએ સામે પગલે આવીને ધૂળ ને શ્રમથી મ્લાન લાગતા મહામંત્રીનું સ્વાગત કર્યું. સૈનિકો તરફ પણ એક હાસ્ય ફેંકી તેમના પ્રણામ ઝીલ્યા. આ પછી તેઓ રોહિોય પાસે આવ્યા, એની જંજીરોને પકડીને ઊભેલા સૈનિકોને શાબાશી આપતાં મગધરાજે પૂછ્યું :
“કેમ, રોહિણેયને આબાદ પકડી પાડ્યો ને !”
સૈનિકો ચૂપ હતા. હા કહેવી કે ના કહેવી તેની મૂંઝવણ ચાલી રહી હતી. જો આને જ રોહિણેય તરીકે ઓળખાવે તો આવા નિર્માલ્ય માણસને પકડતાં આટલો વિલંબ કેમ થયો એ પ્રશ્ન થાય, ને એને રોહિણય તરીકે ન ઓળખાવે તો પછી આ કોને પકડો ? મગધરાજ આ બધી મૂંઝવણ ટાળવા રોહિણય પાસે ગયા, અને પૂછ્યું : “કેમ રોહિોય, કુશળ છે ને ?”
“રોહિણેય ? હા બાપજી !” અને પેલો ખૂબ જોરથી જાણે રડવા લાગ્યો : બોલતાંય એના ગળામાંથી અવાજ નહોતો નીકળતો. ભયથી નસકોરાં ફાટ્લે જતાં હતાં. એ ગડબડ ગડબડ બોલવા લાગ્યો. એના બોલવાનો સાર આ હતો :
“મહારાજ, હું કુટુંબી (કણબી) છું. મારું નામ દુર્ગાચંડ. બાપાજી, ખેતી કરતો'તો ને ખાતો પીતો'તો, ત્યાં રોહિણેયે કેર કર્યો. એક રાતે મારા ખેતરમાં હું ફરતો'તો, ત્યાં રોહિણેય આવ્યો. હું એનાથી બચવા ઘરબાર છોડી નાઠો, પણ એણે મારો પીછો લીધો. એક તીર મારી મારા પગને વીંધી નાખ્યો અને પછી એ મને પકડીને લઈ ગયો ને આ બધા સૈનિકો નિરાંતે ઊંઘતા હતા, ત્યાં લઈ જઈને હાથેપગે બાંધીને નાખ્યો. એ તો ભારે ચાલાક. મને ફસાવીને તરત નાસી ગયો. મેં ઘણા કાલાવાલા કર્યા, પણ મારું કોણ માને ! મહામંત્રી મને પકડીને અહીં લાવ્યા. મહારાજ, તમારું નામ ઘણું સાંભળ્યું છે. હવે તો તમે મારો કે જિવાડો ! મને મારા ખેતરના ને મારી નાતરાની વહુના વિચાર આવે છે."
આ શબ્દો સાંભળી શ્રમિત મહામંત્રીને પણ જાણે કંઈ થઈ ગયું. એક પળવાર તો પોતાનાં બુદ્ધિબળનું ગુમાન સરી ગયું. પણ પુનઃ સ્વસ્થ થતાં તેમણે કહ્યું : “આ જ પોતે કપટપટુ રોહિણેય છે. એની ચાલાકી હવે નહિ ચાલે. એને જરૂર શિક્ષા થશે. મલક આખાનો ચોર !”
174 D સંસારસેતુ
“અવશ્ય. ગુનેગારને કપરી સજા, એ મગધનો ન્યાય છે. પણ શિક્ષા કરતાં પહેલાં ગુનાનો નિર્ણય અને ગુનેગારની ચોકસાઈ તો કરવી પડશે ને ! એક ચોર મગધનું સિંહાસન ન્યાય ન કરી શકે એટલું પાંગળું બનાવી શકે ખરો કે ?" મગધરાજનો અવાજ ગાજ્યો.
“મહારાજ, બહુ નિહાળી નિહાળીને જોતાં હવે મને આ જ રોહિણેય લાગે છે." મેતારજે વચ્ચે કહ્યું.
“હોઈ શકે; પણ એમ સંશયભરેલો નિર્ણય ન્યાય પાસે સ્થાન ન પામે ! એક નિર્દોષ દંડાય એના કરતાં હજાર ગુનેગાર છૂટી જાય : એ ન્યાયાસનને યોગ્ય લાગે છે.” જે મગધરાજના ન્યાયદંડ નીચે મગધવાસીઓ નિશ્ચિત રીતે જીવી શકતા, એ જ ન્યાય આજે મહામંત્રી જેવા મહામંત્રી સામે હોવા છતાં પક્ષપાત કરવા તૈયાર નહોતો !
“પેલા કેદી બનેલા પલ્લીવાસીઓને તો બોલાવો ! તેઓ પિછાની લેશે.” આ વાત મહામંત્રીને ન રુચી, પણ તેમણે સ્પષ્ટ વિરોધ ન કર્યો. રોહિણેયના વફાદાર સાથી કેયૂર તથા બીજાને ત્યાં તરત હાજર કરવામાં આવ્યા. તેઓને રોહિોય બતાવવામાં આવ્યો, પણ એને જોતાંની સાથે જ બધા બોલી ઊઠ્યા :
“અરર, આ શો ગજબ થયો ? આ તો વૈભારનો વનવાસી, બિચારો કુટુંબી દુર્ગચંડ ! બહુ જ ભલો છે, હો, મહારાજ !"
બધા સ્તબ્ધ બની ગયા. મહામંત્રી તો શું કરવું ને શું ન કરવું : એની જ મૂંઝવણમાં પડ્યા. આખરે મગધરાજે આજ્ઞા કરી :
“મહામંત્રીજી, આજથી સાતમે દિવસે એનો ન્યાય ચૂકવાશે. અપરાધ અને અપરાધીનો નિર્ણય ત્યાં સુધીમાં ન્યાયાસનને ખાતરી થાય એ રીતે કરી લેશો.”
આ નિર્ણય સામે મહામંત્રી કંઈ ન બોલ્યા. કહેવાતા રોહિણેયને સૈનિકો એક જુદા કારાગૃહમાં લઈ ગયા.*
આખું નગર આજના અજબ બનાવ પર ચર્ચા કરી રહ્યું હતું, જ્યારે ભૂખપરિશ્રમને ભૂલીને મહામંત્રી આ વાતનો નિવેડો કેમ લાવવો તેની મંત્રણા કરી રહ્યા હતા. આંખે દીઠી સાચેસાચી બીનાને કુશળ પુરુષો વિકૃત કરી શકે છે, એના પ્રત્યે મેતાર્ય આશ્ચર્ય પ્રદર્શિત કરી રહ્યા હતા. વારેવારે પ્રશ્ન એ ઊઠતો કે કોણ સાચું ?
*
આ આખા પ્રસંગને વિશદ રીતે અને રસભરી રીતે વણી લેતી ‘પતિતપાવન' નામની નાટિકા જુઓ. કોણ સાચું ? – 175