________________
બહુ સારુ !” મગધરાજને કોઈ વાતમાં વાંધો નહોતો.
સાતે રૂપવતી કન્યાઓને અંતઃપુરમાં રહેવાનું સ્થાન કાઢી આપ્યું. વિવાહોત્સવના રૂપમાં આવેલ આખું નગર હવે ધીરે ધીરે ડાઘુના રૂપમાં પલટાઈ ગયું.
રાત વીતવાની રાહ જોતા સહુ હતા ત્યાં ગોઠવાઈ ગયા. આખી રાત કોઈને નિદ્રા ન આવી.
ધનદત્ત શેઠનાં પત્નીના ઉપચાર ચાલુ હતા, પણ પોતાની પ્રિય સખી ચાલી ગયાના સંતાપમાં એ કંઈ કારી કરતા નહોતા. બેએક વાર કંઈક ચેતન આવ્યું, પણ એ તો બુઝાતા દીપકના ભડકા જેવું હતું.
દૂર દૂર આકાશમાં રાત્રિનો શ્યામ અંચળો ભેદીને ઉષાએ મોં બહાર કાઢવું, વિરૂપાની ઉત્તર ક્રિયાઓ ચાલુ થઈ, ત્યાં સમાચાર આવ્યા કે શેઠાણી અવસાન પામ્યાં છે.
બે સખીઓ સાથે ચાલી. જીવનમાં એક થઈને રહેનારીઓએ મૃત્યુમાંય સાથ ન છોડ્યો..
ઊના પાણીના ઝરાઓને કાંઠે , ‘મહાતપોપતીર' તીર્થની પાસે બંનેની ચિતા ખડકાવજો ! દેશ દેશના, યાત્રાળુઓ આવે ત્યારે મગધની આ બે મહિમાવંતી નારીઓને પણ યાદ કરે.” મગધરાજે આજ્ઞા કરી.
રાત વીતતાં, મહામંત્રીની આગેવાની નીચે સ્મશાનયાત્રા નીકળી. જીવનભર નગરને છેડે બધાથી દૂર વસી રહેલ રૂપવતી ને ગુણવતી વિરૂપાને શોભાવનારી એ યાત્રા હતી. એનું જીવન અને ઘટનાઓ સાંભળી સાંભળીને લોકોની આંખોમાં આંસુ ઊભરાઈ આવતાં. કુળગોત્રની નિરર્થકતા હવે તેમને પ્રતીત થતી હતી.
પણ પેલો લહેરી માતંગ ક્યાં ? વિરૂપાની એકાદી વાળની લટ ઉપર જાન દેનારો માતંગ આજે ક્યાં હશે ? એને તો ન્યાય જોઈતો હતો ને !
ગંગાનો એક નાનો પ્રવાહ મહાપ્રવાહતી છૂટો પડી નાની ગિરિકંદરાઓમાં વળતો હતો. આ પ્રવાહ નાની નાની ટેકરીઓ વીંટીને વહેતો હતો, ને એ ટેકરી પરના નાના આંબાવાડિયામાં ઊના પાણીના ઝરા ખળખળ નાદ કરતા વહેતા હતા. આ ગિરિકંદરાઓના મુખભાગ પર જ ‘મહાતપોપતીર ' આવેલું હતું. અહીં ગોપલોકો ધણ ચારવા આવતા. યાત્રીઓ દર્શનાર્થે આવતા. રોગીઓ રોગશમન માટે આવતા.
આ સુંદર સ્થળની એક નાની ટેકરી પર, કે જ્યાંથી આ તીર્થ થોડે દૂર હતું, બે ચંદનકાર્ડની ચિતાઓ રચવામાં આવી. સ્મશાનયાત્રામાં સાથે આવેલ નગરલોકો સુગંધી વસાણાં ને ચંદનકાષ્ઠ પણ પોતાની સાથે લાવ્યા હતા. સહુએ મરનારાઓને એ રીતે અંજલિ આપી.
મેતાર્યો બંને માતાઓને માથું નમાવતાં અગ્નિસંસ્કાર કર્યો. ચિતા ભભૂકી ઊઠી, ધૃતના કુંભ રેડાવા લાગ્યા. મૃત્યુશાન્તિનો જાણે છેલ્લો યજ્ઞ મંડાયો. એ યજ્ઞમાં પ્રેમની વેદી પર બલિ થનારી મગધની બે મહાનારીઓ હતી.
આખરે ચિતાઓએ પોતાનું કામ પૂરું કર્યું. વિરૂપા !
જાણે દિગંત પડઘા પાડતું હતું : વૃક્ષો ડાળીઓ નમાવીને આકંદ કાગાનીંદરમાં લોકોને સદા સંભળાતો પેલો મીઠો સૂર યાદ આવતો હતો. એ સૂરમાં કેવી ઊંડી ને પવિત્ર છાપ એ પાડતી હતી !
પણ આ બધાં રોદણાં આજે શા કામનાં !
નગરલોક મરનારાઓના જીવનની સદાવલંત જીવનજ્યોતો સામે ગામ તરફ વળ્યું, પણ મેતાર્ય ત્યાં જ ઊભા રહ્યા. મહામુકેલીએ અહીં લાવવામાં આવેલો માતંગ થોડે દૂર ટૂંટિયું વાળીને બેઠો હતો. એને પોતાની ભૂલનો પારાવાર પશ્ચાત્તાપ થઈ રહ્યો હતો.
વસંતઋતુનો મીઠો વાયુ ચિતાને હવે બૂઝવતો હતો ને સરિતાનાં નીર મેતાર્યના વ્યાકુળ હૃદયની જેમ ઊછળી ઊછળીને કિનારો કાપતાં હતાં. આખરે તો ભસ્મ પણ હવામાં ચાલી જવા લાગી.
પણ એ ચંદનરજ જેવી ભસ્મમાંથીય* ‘મહાતપોપતીર ’ના વાયુમંડળમાં જાણે એક ગીતના અશ્રાવ્ય મધુર સ્વરો રેલાઈ રહ્યા હતા :
“થનગન વનમાં નાચે વસંતડી, હૈયાની કુંજ મારી હુલે ઝૂલે.”
* આ ઊના પાણીના ઝરાઓ મહાન યાત્રીઓ ફાહ્યાન અને હ્યુએનસંગે જોયેલા ને તેમણે પોતાના પ્રવાસ વર્ણનમાં નોંધેલા છે.
પ્રેમની વેદી પર 1 161
16) D સંસારસેતુ