________________
પણ એ ન આગળ વધી શક્યો કે ન ઊભો રહી શક્યો. કંઈ વિચારમાં ચડી ગયો. એના હોઠ વગર અવાજે ફફડવા લાગ્યા. એની સૂકી આંખોના ડોળા ચારે તરફ જોવા લાગ્યા. એ ન બોલ્યો, ન રહ્યો કે ન છાતી કૂટી ! જીવનસર્વસ્વ સમી વિરૂપા સદાને માટે છૂટતી હતી. છતાં દોડીને એને ભેટી પણ ન શક્યો !
અરે, એ તો પાછો વળ્યો. કંઈ બડબડતો, હાથના વિચિત્ર પ્રકારના ચેનચાળા કરતો બહાર નીકળ્યો. ગામની આંખે ચડેલા આ પ્રેમી યુગલનો આવો કરુણ અંત ટીકાખોર લોકો પણ જોઈ ન શક્યાં. બહાવરા જેવો માતંગ સીધો પોતાને ઘેર પહોંચ્યો.
મહામંત્રીએ માતંગને રોકવા ઇચ્ચું, પણ તેમ ન થઈ શક્યું. મેતાર્યની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી. ખુદ મગધરાજ ને રાણી ચેલ્લણા રડી રહ્યાં હતાં. એ આંસુ અમૂલખ હતાં, ખુદ દેવોને પણ દુર્લભ હતાં. દુર્લભ એ માટે હતાં કે એ આંસુ વેદવારાથી કમનસીબ લેખાયેલી, સદા દૂર રખાતી એક મેતરાણી પામતી હતી. સર્વજ્ઞનો એક સુંદર બોધપાઠ જાણે આ અભણ, તુચ્છ, અજ્ઞાન નારી
મગધની મહાપ્રજાને પ્રબોધી રહી હતી.
અંતર વલોવતું આ દૃશ્ય અવર્ણનીય હતું. આખરે સંસારની અસારતાને જાણનાર મહામંત્રીએ સહુને ધીરજ આપતાં કહ્યું :
“વિરૂપા તો જીવી ગઈ. આવું મૃત્યુ તો હજાર હજાર જીવન કરતાં મુલ્યવાન છે. એક મનુષ્ય ને બીજો મનુષ્ય : મનુષ્યની રીતે બે વચ્ચે કોઈ જાતનો ભેદભાવ પડી શકતો નથી. માણસ આખરે માણસ છે, ને આખરે એક જ રૂપ પામે છે. વિરૂપાએ આ માનવ માત્રની ઐક્યતાનો અમૂલો પાઠ આપ્યો છે. મેતાર્ય ધૈર્ય ધારણ કરો ! ચાલો, તમારી માતા બેભાન પડ્યાં છે. પર્ણ શિબિકાઓમાં નાનાં મૃગબાળ જેવી સાત સુંદરીઓ ન જાણે કેવી મૂંઝાઈ રહી હશે."
પણ મેતાર્ય ત્યાંથી ન ખસ્યો. મહામંત્રી એકલા શિબિકાઓની પાસે આવ્યા. ઝગમગતી મસાલોનો પ્રકાશ હારબંધ ઊભેલી પાલખીઓ ઉપર સંતાકૂકડી રમતો હતો. હવાની લહેર સાથે નાચતી એ જ્યોતોનો પ્રકાશ પાલખીમાં બેસનારીઓના ગૌર કપોલદેશ પર જાણે આછી ગુલાબી ઈરાની શેતરંજી બિછાવી રહ્યો હતો.
“પુત્રીઓ નિશ્ચિંત રહેજો !સહુ સારાં વાનાં થશે.” મહામંત્રીએ સાંત્વન આપ્યું ને તેઓ અંતઃપુરમાં પાછા આવ્યા. અંતઃપુરનું દૃશ્ય મર્મભેદક હતું. વિરૂપા મૃત્યુ પામેલી પડી હતી. બહારથી શેઠાણીને પણ અહીં બેભાન અવસ્થામાં આણવામાં આવ્યાં હતાં.
ધીરજના સાગર મેતાર્ય ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા. મહામંત્રી જેવા નિર્મોહી ને સારાસારની જાણનારની આંખોના બે ખૂણા પણ ભીના થયા. એમણે મેતાર્યને 158 D સંસારસેતુ
ઊભા કર્યા ને આ ઘેલછા છોડી દેવા સમજાવતાં કહ્યું :
“મેતાર્ય, વિરૂપાનું આત્મસમર્પણ અજોડ છે. જગતની મહાન નારીઓમાં એ આદર્શ રૂપ છે. પ્રભુનો ઉપદેશ એણે પચાવ્યો હતો; પણ હવે એની અન્તિમ ઇચ્છાને માન આપો ! ચાલો, ફરીથી વાજાં વગડાવો ! મેતાર્ય ! ઘોડે ચડી જાઓ. આજનું લગ્નમુહૂર્ત અફળ ન થવું ઘટે. ઘોડે ચડેલો વરરાજા પાછો ન ફરે. સપ્તપદી પૂરી થઈ જવા દો. ભલે આજે આખો વરઘોડો મહારાજાનો મહેમાન બનતો. આ ક્રિયા બાદ વિરૂપાની અન્તિમ ક્રિયા પતાવી લેવાશે.”
“મહામંત્રીજી, મિત્રધર્મમાં ન્યાય ચૂકશો મા ! મને વરવા આવેલી કન્યાઓ અને તેમના માબાપોએ નગરશેઠના પુત્રને પસંદ કર્યો હતો. મેતકુલોત્પન્ન મેતારજને નહિ ! માતા વિરૂપાનો સિદ્ધાંત હતો કે એકબીજાના ત્યાગ ને બલિદાન ઉપર આ સંસાર ચાલે છે. મારે પણ એ સિદ્ધાન્તને જીવ માટે જાળવવો ઘટે.”
“બોલાવો એ કન્યાઓને ! અહીં જ તેમને પૂછી લઈએ.”
દાસીઓ કન્યાઓને લાવવા રવાના થઈ, અને થોડી વારમાં એ રૂપનો રાશિ ત્યાં આવીને ખડો થઈ ગયો. સાચા સૌંદર્યની મજા એ છે કે ગમે તેવા ભાવમાં અનોખી સુંદરતા જન્માવે છે. એકએક કન્યાના ગાલ ઉપર શરમ અને લજ્જાની લાલ ચીમકીઓ ઊઠી હતી.
“પુત્રીઓ, શરમાશો મા ! તમે મેતાર્યને મેતકુલમાં જન્મેલો જાણ્યા પછી પણ પરણવા તૈયાર છો ?'
થોડી વાર તો કોઈ ન બોલ્યું અને પછી જાણે ચાંપ દબાઈને કોઈ સપ્તસ્વરવાળું યંત્ર એક સાથે ગુંજી ઊઠ્યું : “ના !”
“તમારી ઇચ્છા મુજબ જ થશે. ગભરાશો નહીં. પણ પુત્રીઓ ! તમે તો પ્રભુ મહાવીરની અનુયાયી છો. કુળ ને ગોત્ર હજીય પ્રિય છે ?”
કન્યાઓ પગની પાનીઓ પર મૂકેલી મેંદી સામે જોઈ રહી. એ ગુલાબી પાનીઓ કમળપુષ્પને પણ શરમાવતી હતી.
તેઓ ચૂપ હતી, એમના હૃદયમાં અજબ મનોમંથન ચાલી રહ્યું હતું. સામે જ કદાવર, પ્રચંડ, સશક્ત, જોતાં જ મન મોહી જાય તેવા પૌરુષભર્યો મેતાર્ય ખડો હતો. શું કરવું ને શું ન કરવું ? કન્યાઓ તદ્દન મૂંઝાઈ ગઈ. વર્ણ અને ગોત્રના હાઉ સિવાય એમને મેતાર્યને પરણવામાં કોઈ વાંધો નહોતો.
“હજી વખત છે. એમને વિચાર કરી લેવા દો ! ચાલો, પ્રથમ મહાનારી વિરૂપાની અંતિમ ક્રિયા ઊજવીએ,” મહામંત્રીએ રસ્તો કાઢ્યો. એમણે વિચાર્યું કે ગમે તેવી ભારે બીનાને સમય હળવી બનાવે છે. આજનો સંકોચ કદાચ કાલે ન પણ રહે ! પ્રેમની વેદી પર – 159