________________
લાજ-મરજાદ છોડી શેઠાણી બહાર ધસી આવ્યાં, પરંતુ એ કાંઈ બોલે તે પહેલાં બેભાન બની ગયાં.
આખી મેદનીમાં સૂનકાર છવાઈ ગયો. બાજુમાં બેઠેલ અલંકાર ને વસ્ત્રોથી સુશોભિત મેતાર્ય ધીરેથી ઊભા થયા. હાથ જોડી મગધરાજને વિનંતી કરી કે મને થોડું નિવેદન કરવાની આજ્ઞા આપો.
મગધરાજે ઇશારાથી આજ્ઞા આપી. મેતાર્યે માથું ટટ્ટાર કરી પ્રજા તરફ જોઈ બોલવા માંડ્યું : “પ્રજાજનો, મહામંત્રી જેવા મહામંત્રી આજે વિગત શોધવામાં ભૂલ્યા છે. આજનો આખો પ્રસંગ જગતની બે મહાન જનેતાઓના હ્રદયઔદાર્યનો છે. જાતિ, કુળ, ઉચ્ચ-નીચ આ બધાં બંધનો કેવાં જૂઠાં છે, એ આજનો પ્રસંગ બતાવી આપે છે. બે જનેતાઓનાં હૃદયો આજે જોવા મળ્યાં, એ બન્ને હૃદયોના પુત્ર થવામાં મારું સૌભાગ્ય છે, પણ જન્મને આટલું મહત્ત્વ શા માટે ?”
મેતાર્ય થોડીવાર થોભ્યા. આખી સભા શ્વાસ બંધ કરીને બેઠી હોય તેવી શાન્ત હતી. મેતાર્થે આગળ ચલાવ્યું : “પ્રજાજનો, હું જાણું છું કે, તમને આવી વાતોમાં રસ નહિ આવે. મારે તો તમને મારું વૃત્તાંત જણાવવું ઘટે. અને એ પૂરતું હું જણાવું છું. કે હું મેતનો પુત્ર છું. મારી જનેતા વિરૂપા અને મારો જનક મંત્રસિદ્ધના રાજા માતંગ. મારી જનેતા અને ધનદત્ત શેઠનાં પત્ની દેવશ્રીને સખીપણાં હતાં. ધનદત્ત શેઠને દેવશ્રીથી થયેલાં સંતાન જીવતાં નહોતાં; અને હવે સંતાન – અને તે પણ પુત્ર ન જન્મે કે ન જીવે તો બીજું લગ્ન કરવાની તૈયારી હતી.”
મેતાર્ય ક્ષણવાર થોભ્યો ને પુનઃ કંઈક ગર્વમિશ્રિત સ્વરે બોલવા માંડ્યું : “જગતમાં જેની જોડ ન મળે એવી આ બે સહિયરોએ એક દહાડો વાતવાતમાં
આ વાત ચર્ચા. મારી જનેતાએ ભાવભર્યું વચન આપ્યું કે પોતાને પુત્ર થશે તો તે તેને આપશે. આ સોદો નહોતો, વેચાણ નહોતું, આત્મસમર્પણ હતું !”
“આત્મસમર્પણ ?” મેદનીમાંથી પડઘો પડ્યો.
“હા, આત્મસમર્પણ ! મારી જનેતાના દાંપત્યને પણ વર્ષો વીત્યાં હતાં, સંતાનની લાલસા એને હૈયે પણ હતી, છતાં સહિયરનાં સુખદુઃખમાં એ પોતાના સુખદુઃખમાં માનતી હતી. એક રાતે એ સમર્પણ થયું. પુત્ર આપ્યો ને પુત્રી એને ઘેર ગઈ. માતાના રોગિષ્ઠ પેટની પુત્રી વધુ વખત ન જીવી. નીરોગી કાયાનું સંતાન તે હું. પણ મારી તો બન્ને જનેતાઓ ! બન્ને મારા પિતાઓ ! મારે મન કોઈ કુળ હલકું કે હીણું નથી, છતાં પહેલો હું મેત ! “વિરૂપા મારી જનેતા ! હું મેતાર્ય નહિ પણ મેતારજ !"
આખી મેદની હજીય મંત્રવત સ્તબ્ધ હતી. કેટલાયની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. મગધરાજે ગળગળે અવાજે હુકમ કર્યો : “વિરૂપાને અહીં તેડાવો.” 156 D સંસારસેતુ
રાજસેવક અંદર જઈ થોડીવારમાં પાછો આવ્યો, એણે કહ્યું : “મહારાજ, વિરૂપા, હવે આ સંસારમાં નથી. એનું ચિંતા ને મમતાથી જર્જરિત હૈયું પોતાની સહિયર અને પોતાના પુત્રની આ નાલેશી ન સહી શક્યું, એટલે ભાંગી પડ્યું. રાજવૈદનો આ અભિપ્રાય છે.”
ન
માતંગની શોધખોળ ચાલી, પણ એ ન જાણે કયા ઊંડા વિચારની ગર્તામાં સરી પડ્યો હતો. એને પોતાના લાગણીવેડાના ગંભીર પરિણામનું જોખમ માલૂમ પડી રહ્યું હતું.
“મેતાર્ય ક્યાં ?”
મેતાર્ય પણ ત્યાં નહોતો.
મગધરાજ અંદર અંતઃપુરમાં જવા પીઠ ફેરવતા હતા ત્યાં કોઈ રૂપેરી ઘંટડી જેવો અવાજ સંભળાયો :
“મહારાજ, અમે મેતપુત્રને નહિ ૫૨ણીએ.”
અને એવા અનુક્રમે સાત અવાજ આવ્યા. પૂર્ણચંદ્રના જેવા મુખવાળી સાતે રમણીઓનાં સુંદર કપોલપ્રદેશ ઉપર સ્વાતિનાં બિંદુ જેવાં બબ્બે ચાર ચાર આંસુઓ દીપકના પ્રકાશમાં મોતી જેવાં ઝળહળી રહ્યાં હતાં.
અંદરથી ઉતાવળો અવાજ આવ્યો :
“વિરૂપા મરી ગઈ !”
“બિચારી દુઃખિયારી છૂટી !” દાસીઓ એકબીજીને કહેવા લાગી. “કોણ મર્યું ? વિરૂપા ?” મેતાર્ય અંદરના ખંડમાં જતો બોલ્યો.
“વિરૂપા ન મરે ! મને કહ્યા સિવાય એ ન મરે !” માતંગ મૂઢની જેમ બોલતો બોલતાં મેતાર્યની પાછળ ચાલ્યો.
“શું વિરૂપા મરી ગઈ ?" મહામહેનતે ભાનમાં આવેલાં શેઠાણી આટલું બોલી પુનઃ બેભાન બની ગયાં. આ વખતે એમનો દેહ વિશેષ ઠંડો પડતો ચાલ્યો હતો.
“હાય, હાય ! ન જાણે આજે કેવો દિવસ ઊગ્યો છે, મારું તો સર્વસ્વ જવા બેઠું છે.” ધનદત્ત શેઠે કપાળ કૂટયું. રાજવૈદ ત્યાં ઉપસ્થિત જ હતા. ઉપચારો ચાલુ કર્યા, પણ દર્દ કંઈ અનોખું હતું. ઠંડું પડતું જતું શરીર અનેક માત્રાઓના અનુપાન પછી પણ ઉષ્મા પકડી શકતું નહોતું.
અંદરના ખંડમાં વિરૂપા એક સાદા બિછાના પર સદાને માટે સુખની નિદ્રામાં સૂઈ ગઈ હતી. એના મુખ પર વ્યથા કે વિકૃતિને બદલે સૌમ્યતા છવાઈ રહી હતી. મહા ઊંઘમાં પોઢી હોય એમ એ સૂતી હતી.
‘વીરુ !' વજ્ર છાતીનો માતંગ ઢીલો પડી ગયો. એણે એક કરુણ ચીસ પાડી, પ્રેમની વેદી પર D 157