________________
18
પ્રેમની વેદી પર
આજ્ઞાની જ વાર હતી.
રાજસેવકો દોડ્યા. બંનેને શોધી કાઢતાં એમને વિલંબ ન થયો. મેદનીને એક ખૂણે વિરૂપા ઢગલો થઈને પડી હતી. માતંગે એની આખી બાજી ઊંધી વાળી હતી. વિરૂપાના સ્નેહભર્યા સહચારથી માતંગનું દિલ બધું જાણ્યા છતાં શાંત હતું, પણ શ્રેષ્ઠી ધનદત્તને મેતાર્યના પિતા તરીકે મગધનાથનો સત્કાર પામતો જોઈ બુઝાયેલો અંગાર પ્રજ્વલી ઊઠ્યો. પત્નીની શિખામણ ને ભાવિના અનિષ્ટનો ખ્યાલ એ સાવ વીસરી ગયો.
“વિરૂપા, આપણા પુત્રને આપણો શા માટે જાહેર ન કરવો ? મગધમાં સાચને કોણ આંચ પહોંચાડી શકે તેમ છે ?”
માતંગ બબડ્યો ને આગળ વધ્યો, પણ વિરૂપાએ એને પકડી લીધો. પણ એનો આવેશ વધતો ચાલ્યો. એ ભાન ભૂલ્યો.
આખરે નાજુક વિરૂપાને તરછોડી માતંગ આગળ વધી ગયો. વિરૂપા ભાવિ અનર્થની કલ્પનાએ વ્યાકુળ બની ગઈ. જર્જરિત બનેલું એનું હૈયું હિંમત હારી ગયું. એ સૂધબૂધ ગુમાવી રસ્તા પર ઢળી પડી.
રાજસેવકો અને દાસીઓ પાસે ઉપડાવી મહામંત્રી પાસે લઈ આવ્યા. રાજદ્વારની પાસેના ખંડમાં એને સુવાડવામાં આવી.
શેઠાણી તો વરઘોડોમાં જ હતાં. રાણી ચેલ્લણાએ તેમણે ખંડમાં બોલાવી લીધાં. વિરૂપાને મૂચ્છિત દશામાં પડેલી જોઈ શેઠાણી એકદમ તેની પાસે ધસી ગયાં. શુશ્રુષા કરવા લાગ્યાં ને બોલ્યાં :
“વિરૂપા, મારી સખી !"
વિરૂપા બેશુદ્ધિમાં લવારો કરી રહી હતી :
“મહારાજ, મને બદનામ ન કરશો. મારે પુત્ર જ હતો નહિ. હું પુત્રને ન વેચું. પુત્રનો પૈસો મારે બાળહત્યા બરાબર છે. મહારાજ, મૃત છીએ, પણ જ્ઞાતપુત્રના ઉપદેશને દિલમાં ધારણ કરનાર છીએ.”
અરેરે ! હવે જુઠ્ઠા માતંગનું આવી બન્યું !
ના, ના, પણ શેઠાણી વળી જુદી જ વાત કરતાં હતાં; “મહારાજ, મેતાર્ય મારું સંતાન નથી, વિરૂપાનું છે. મારો ખાલી ખોળો ભરવા એ હું લાવી. મહારાજ, જરા ધ્યાનપૂર્વક મેતાર્યનું આ શરીર જુઓને ! એનું સુડોલ નાક શું વિરૂપાના અણિયાળા નાકને બંધબેસતું નથી ? અને આ ભોગળ જેવા બાહુ માતંગના બાહુ સાથે સરખાવો ને ?”
“મેતાર્યનાં માતાજી એ મારાં માતાજી ગણાય, માટે જરા ભાનમાં આવીને બોલો ! અતિ લાગણીવેડા ન કરશો. સત્યને સ્પષ્ટ કરો.” મહામંત્રીએ કહ્યું.
“ભાનમાં તો આજે બરાબર આવી છું. મોટા કુળને નામે જગતને કચડી રહેલા લોકો મોટાઈના પડદા પાછળ કેટલું છુપાવે છે ? મંત્રીજી, મારો પુત્ર ન જીવે તો મારા ઉપર શોક્ય આવે એવી સ્થિતિ હતી. આ શોક્યનું સાલ ટાળવા આ પુત્રનો
સોદો કર્યો."
મહામંત્રીજીને હવે કોઈ વાતની શંકા ન રહી. એમણે ઇંતેજારીમાં સ્તબ્ધ બનીને બેઠેલી માનવમેદની સમક્ષ જાહેર કર્યું : “પ્રજાજનો, વિલંબ ઘણો થયો છે. વાત ટૂંકી છે. પ્રભુવીરના ઉપદેશને સાંભળનારાને હવે કુળ-જાતિની મહત્તામાં મહત્તા નહિ લાગે. પુણ્ય કરે તે પુણ્યવાન. પણ ફૈસલા તરીકે મારે નિવેડો આણવો જોઈએ કે મારા પરમ મિત્ર અને અનેક ગુણોથી અલંકૃત મેતાર્ય વણિકપુત્ર નથી. પણ મતના સંતાન છે. શેઠાણીને પુત્ર ન જીવતા હોવાથી વિરૂપાએ શેઠાણીને મેતાર્ય વેચેલા !"
“વેચેલા ? ધિક્કાર હજો એ જનેતાને ! આખરે ગમે તેટલા માથે ચઢાવો તોય મેત તે મૃત !” અર્ધપચ્યું તત્ત્વજ્ઞાન અદશ્ય થઈ ગયું ને લોકોની જીભ જાતિ-કુળના ગુણ અવગુણની ચર્ચા કરવા લાગી ગઈ.
પણ એટલામાં અંદરથી ખબર આવ્યા : “મહારાજ, મતપત્ની વિરૂપા બેભાન બની છે. એ લવી રહી છે, કે મેં વેચેલા નથી. મારી ઇજ્જતને બદનામ ન કરો. એ મારો પુત્ર જ નથી."
“કેમ વેચેલા નથી ? શેઠાણી પોતે કહે છે કે મેં સોદો કર્યો હતો ?” મહામંત્રી પોતાના અભિપ્રાયને મજબૂતપણે વળગી રહી દલીલ કરવા લાગ્યા. ત્યાં તો બધી
પ્રેમની વેદી પર – 155