________________
આખો દિવસ ને સંપૂર્ણ રાત એ સેવાશુશ્રુષામાં ખડી જ રહેતી. એને ઉજાગરા થકવતા નહિ, કઠિન શ્રમ શરીરને આરામ લેવા પ્રેરતો નહિ ને જાણે ભૂખપ્યાસ તો કદી હતી જ નહિ !
ઘડીકમાં માતંગને કપાળે શીતળ જળનાં પોતાં મૂકતી તો ક્ષણવારમાં મેતાર્યના ઘાની વેદનાથી તપ્ત થયેલા લલાટને પંપાળતી. એકને ઔષધ આપીને પરવારતી ત્યાં બીજાની પાટાપિંડીમાં પડતી. ધનદત્ત શેઠનાં અનેક દાસદાસીઓ ત્યાં પડ્યો બોલ ઝીલવા તૈયાર હતાં. શેઠ ને શેઠાણી પોતે અર્ધા અર્ધાં થઈ જતાં; પણ સેવાશુશ્રુષા તો વિરૂપા પોતે જ કરતી. એને કોઈ પર વિશ્વાસ ન આવતો. કોઈ ભૂલેચૂકે પાટો બાંધી દેતું તો એ તરત છોડી નાખી પુનઃ બાંધતી. ઔષધ કોઈ ઘટતું ને તૈયાર કરતું તોય તેને સંતોષ ન થતો. માલ વગરના કાંઈ કાંઈ વાંધા કાઢી પોતે જ તૈયાર કરવા બેસતી.
આખા નગરમાં લૂંટારાઓની ચર્ચાની સાથે મેતના ઘરમાં રહેલ મેતાર્ય માટે પણ રસભરી ચર્ચા ચાલી રહી હતી. ઘણાને આ વાત વધારે પડતી લાગતી; પણ મેતાર્યનું પરાક્રમ, માતંગની વિક્રમશીલતા અને વૈદ્યના અભિપ્રાયથી સહુ મને-કમને પણ મૈતના કૂબાનો વાસ એક અપવાદધર્મ લેખી શાન્ત થતાં. ધનદત્ત શ્રેષ્ઠી મેતાર્યને જરા આસાયેશ મળતાં ઘેર લઈ જવા અત્યંત ઉત્સુક હતા, પણ વૈદ્યનો અભિપ્રાય ન મળતાં એ ચંપાઈને બેઠા હતા.
એક દિવસમાં તો મેતોનો વાસ અનેક ઉચ્ચ કુળોની આવજાવથી તીર્થભૂમિ જેવો બની ગયો. જાતિહીનતાની તલવાર નીચે દબાયેલા મેતો પણ હવે ઉન્નત મુખે કહેતા : “ભાઈ, રણમાં જીતે તે શૂર ! ક્ષત્રિયને ત્યાં જન્મ્યું કંઈ શૂરવીર થોડા થવાય છે ! આ માતંગ જુઓ ને ! રાજગૃહીની લાજ એણે રાખી ! અને અમારી આ બટકબોલી વિરૂપાને ધન્યવાદ આપો ને કે, રોહિણેયના કાતિલ છરાને પોતાની છાતી પર ઝીલવા તૈયાર થઈ ! મેરુ પર્વત પરની બધી માટી કંઈ સુવર્ણ હોતી નથી, એમ ક્ષત્રિયને ત્યાં જન્મ્યા એ બધાય શૂરવીર ક્ષત્રિય : એમ કશું નહિ !+ શૂરવીરતા બતાવે એ ક્ષત્રિય, વિદ્યા ભણેભણાવે એ બ્રાહ્મણ ને વેપાર કરે એ વૈશ્ય !”
સાંભળનારાઓ આગળનાં વાક્યો શાન્તિથી સાંભળતા, પણ જ્યારે બોલનાર પાછળના શબ્દો બોલતો ત્યારે કેટલાક એકદમ છણકી ઊઠતા :
“બેસ, બેસ ! આ તો પેલા શ્રમણોની ચાલબાજી છે ! હવે તો પ્રાચીન શાસ્ત્રોમાંથી ભાતભાતના અર્થ ઉપજાવવા લાગ્યા છે. આ તો આપણી જ છરી અને આપણી જ ગરદન. વાહ રે જમાનો ! માતંગ સારો, વિરૂપા સારી; એ વાત બરાબર. + श्वपचा अपि धर्मस्थाः संस्कृता स्युद्द्विजोत्तमाः । મુળધર્માનુસારવ લેવા વૈચારપ માનુષા ।। (મહાભારત)
74 D સંસારસેતુ
બાકી કંઈ કોલસાની ખાણમાંથી એકાદ હીરો નીકળ્યો એટલે આખી ખાણ કંઈ હીરાની ન કહેવાય."
બોલનારના અવાજમાં શ્રમણોના ઉપદેશ પ્રતિનો પૂર્વગ્રહ આમ અસ્પષ્ટ રીતે ગુંજી રહેતો. આ રીતે હલકાને પગ નીચે ચંપાયેલા રહેનાર લોકો ફાટી જાય એ ઘણાને પોષાય એવી વાત નહોતી.
“ભૂલો છો તમે ! એકાદ હીરો નીકળ્યો એટલે કોલસાની ખાણ કૃતકૃત્ય થઈ ગઈ. પછી એ હીરાની ખાણ જ કહેવાશે. તારાઓ ! તમારી ચાલબાજી હવે અમે જાણી ગયા છીએ ! તમારો યત્ન કોલસાની ખાણને સદા કોલસાની ખાણ રાખવાનો છે, રખેને એકાદ અમૂલખ હીરા નીકળી એ કોલસાની કિંમત વધારી ન દે; અને જે ખાણમાંથી હીરા નીકળવાની સંભાવના હવે ઓછી બની છે, એનું મૂલ્ય ઘટાડી ન દે ! ગુણધર્માનુકૂળ જગત છે. જે કાળો તે કોલસો કહેવાશે; જે પ્રકાશમય હશે તે હીરો કહેવાશે.”
અને આવી ચર્ચાઓ ઘણીવાર લાંબી થઈ જતી. નાના એવા છમકલાનું રૂપ ધારણ કરી લેતી; પણ એકાએક વિરૂપા બહાર નીકળી આવતી. એની પાછળ ધનદત્ત શેઠ પણ આવતા અને સહુને વીનવતા :
“ભાઈઓ ! આ ધર્મસભાનું વિવાદગૃહ નથી, માંદા માણસોનું નિવાસસ્થાન છે. ઘાયલોના આરોગ્ય માટે સર્વેએ એમનો ખ્યાલ રાખીને આવવું જવું, બોલવુંચાલવું જોઈએ.”
બોલનાર પોતાના આવેશથી શરમાઈ જતા ને ચૂપ થઈ જતા.
ઘવાયેલો માતંગ પડ્યો પડ્યો વીરત્વના ઝનૂનથી હાકોટા દેતો હતો. ને જેમ જેમ એના ઘા ઠરતા ગયા તેમ તેમ મૂર્છામાં પડતો જતો હતો. એને મૂર્છા પામતો જોઈ વિરૂપા ગભરાઈ ઊઠી, પણ વૈદે અભિપ્રાય આપ્યો કે આ કારી ઘા માટે દર્દીને મૂર્છાની જરૂ૨ છે. કુદરતી રીતે મૂર્છા આવી રહી છે, સારી નિશાની છે.
માતંગ જ્યારે મૂર્છિત થતો હતો, ત્યારે મેતાર્ય ધીરે ધીરે જાગ્રત અવસ્થામાં આવી રહ્યો હતો. એના ખભામાં દારુણ વેદના જાગી હતી. હવે એ વેદનાથી થોડી થોડી વારે ચીસ પાડી ઊઠતો.
મેતાર્યનાં લક્ષણો પણ સારાં છે, એમ કુશળ વૈઘે જણાવ્યું; અને બરાબર સાવધાનીથી ઉપચાર જારી રાખવા સૂચવ્યું. બંને દરદી જીવના જોખમમાંથી ઊગરી ગયા છે : એવો એમનો સ્પષ્ટ અભિપ્રાય પડ્યો. વિરૂપાની મોટી ચિંતા ટળી ગઈ ને આ વાત સાંભળી અને દ્વિગુણ ઉત્સાહ આવ્યો.
સમી સાંજ થઈ. નગરલોક ધીરે ધીરે ઓસરવા લાગ્યું. રાત પડી અને ધનદત્ત
જગતનું ઘેલું પ્રાણી 75