________________
9
કીર્તિ ને કાંચન
વિરૂપાને એ દિવસના બનાવ પછી બહાર નીકળતાં ખૂબ શરમ આવતી.
માતંગ ભલે ગમે તેવો રોષે બળ્યો હોય છતાં એની પાસે કંઈ કરી શકે તેમ નહોતો; પણ વિરૂપાને બીજા વિચાર આવતા. એ વિચારતી : “એ દિવસે કેવી નિર્બળતા બતાવી ! કેટકેટલા ને કેવા કેવા પુરુષો વચ્ચે પોતે નિર્લજ્જ બની પડી રહી ! અને કોણ જાણે લોકો મારે માટે શું શું કહેતા હશે !”
આવા વિચારોમાં ને વિચારોમાં એ અડધી થતી ચાલી.
“અરેરે ! પરમ પાડ માનું છું મા શક્તિનો. નહિ તો એ દિવસ મોંમાંથી કંઈ યદ્ઘાતદ્ઘા બોલાઈ ગયું હોત તો શું થાત !” વિરૂપા વધુ ઊંડી ઊતરી, અને જેમ વધુ ઊંડી ઊતરતી ગઈ એમ એનું મનોદુઃખ વધતું ચાલ્યું.
“વિરૂપા, તને કોણે ઊંચે થાંભલે ચડાવી હતી ? બેળે-બેળે તું ચઢી. શા માટે એ વખતે વિચાર ન કર્યો ? મન એટલું કાચું હોય તો પછી કસોટીએ ચડવું નહોતું. કોનો પુત્ર ? તારો ? અરે મૂર્ખ ! તારા નસીબમાં સંતાન હોત તો આટઆટલાં વર્ષોનાં વહાણાં વાયાં, ને બીજું સંતાન જ ન થાત ? ગઈ કાલે જ તારી આંખ સામે જ પરણીને આવેલી પેલી અનેકાનેક મેતપત્નીઓના ખોળા ભરાઈ ગયા. આ બાઓ એવાં છોકરાંઓથી તો ઊભરાય છે. ઘણીય માતાઓ ઇચ્છે છે કે ઈશ્વર આ જંજાળ ઓછી કરે, પણ જ્યારે ઈશ્વર એ જંજાળને વધારતો જ રહે છે, ત્યારે માતાઓ પોતે એ કામ હાથ ધરે છે. બાળકોને મારે છે, ઢીબે છે, ભૂખ્યાં રાખે છે; છતાંય એ ચોમાસાના અળશિયાની જેમ ખદબદ વધ્યે જ જાય છે. દરિદ્રકુળમાં તો સંતાનની છત, પછી તારે ત્યાં અછત કેમ !
“વિરૂપા ! તારે ભૂલી જવું જોઈએ. તારે માની લેવું જોઈએ કે તારો પુત્ર હતો
જ નહિ, તને પુત્ર અવતર્યો જ નહોતો. કદાચ અવતર્યો હતો તો અવતરીને તરત મરી ગયો હતો."
“મરી ગયો હતો ?” આ શબ્દોએ એના મનને અચાનક ધક્કો માર્યો. કોઈ
એના દિલમાં ચૂંટી ખણીને કહેતું લાગ્યું : “તું કોનું અશુભ ચિંતવી રહી છે ? તારા જ સંતાનનું ? હા, હા, અરે ! પણ મારે તો બાળક ક્યાં જન્મ્યો હતો કે એ મરી ગયો એવું કહું ? ખમા મારા લાલ !”
વિરૂપા એકદમ સાવધ થઈ ગઈ. આ વિચારોને દૂર કરવા એણે મોં પર થોડું ઠંડું પાણી છાંટવું અને પાસે જ વિવાયેલી કૂતરીનાં ગલૂડિયાંને લઈ પંપાળવા લાગી. પણ ગલૂડિયાંને રમાડતાં તો એની વેદના વધી ગઈ. એણે ખોળામાં રમતા ગલૂડિયાને બાજુમાં પટક્યું ને કામમાં મન પરોવતા માતંગનાં વસ્ત્રો લઈ ધોવા બેઠી. ધોતી ધોતી પાછું એ પોતાના મનને અનુરૂપ ભજન છેડી બેઠી : “ધોબીડા તું ધોઈ મનનું ધોતીયું રે,
રખે રાખતો મેલ લગાર રે | એણે રે મેલે જગ મેલો કર્યો રે,
અણધોર્યુ ન રાખ લગાર રે ! રખે મૂકતો મન મોકળું રે,
પડ મેલીને સંકેલ રે, સમયસુંદરની શિખડી રે,
સુખડી અમૃતવેલ રે ! ધોબીડા, તું ધોજે મનનું ધોતિયું રે !x
વિરૂપા વસ્ત્ર ધોવામાં મશગૂલ હતી, ત્યાં પાછળથી કોઈએ એના મસ્તક પર ફૂલોનો વરસાદ વરસાવ્યો.
“અરે, કોણ છે ? આ શું તોફાન !”
“ફૂલોનો વરસાદ ! રાણીજીના મસ્તક પર ફૂલોની બૌછાર !'હસતો હસતો માતંગ બોલ્યો.
“રાણીજીને ફૂલોની બૌછાર અને રાજાજીને ?"
“તારા હાથમાં રહેલો કાષ્ઠદંડ !”
વિરૂપા શરમાઈ ગઈ. એ વસ્ત્રો ધોતી ધોતી ધોકણું હાથમાં ગ્રહીને ઊભી થઈ અને બોલી : “ભોજનને થોડો વિલંબ છે. માતંગ, આ આસોપાલવ નીચે થોડી વાર
વિશ્રામ કર !"
×સમયસુંદર ઉપાધ્યાય.
કીર્તિ ને કાંચન D 65