________________
લાલ !'
“ગાંડી થઈ છે કે શું ? શું શું બકે છે ? શરમાતી નથી – જો તો ખરી ! અહીં કોણ કોણ છે ?” માતંગ મહાઅમાત્યને આવતા જોઈ શરમિંદો બની ગયો ને મૂંઝાતો બોલ્યો.
“ના, ના. એ ગાંડી નથી થઈ.” શેઠાણી નજીક જતાં બોલ્યાં : “વિરૂપા, અલી ઓ ઘેલી ! જો તો ખરી ? આંખ તો ઉઘાડ ! તારી સામે કોણ ઊભું છે ! મેતાર્ય પોતે ! આજે તો મગધનાથે એને શાબાશી આપી, આખું નગર એની વાહ વાહ કરે છે.”
“કોણ કુમાર ?” વિરૂપા એકદમ સાવધ થઈ ગઈ. એણે વસ્ત્રો સંભાળ્યાં. ઢીલો થયેલો કેશકલાપ ફરીથી બાંધ્યો. સ્વસ્થ બની એણે ધીરે ધીરે ચારે તરફ નજર ફેરવી. બીધેલી મૃગલી શાં એ નયનોમાં અપાર્થિવ તેજના ચમકાર હતા.
વિરૂપાએ જોયું તો નગરનાં અનેક લોકો ટોળે મળેલાં છે. શેઠાણી, કુમાર મેતાર્ય, મહાઅમાત્ય અભય, માતંગ અને બીજા ઘણા ઘણા જેની લાજશરમ રાખવી પડે એવા એવા અનેક સામે ઊભા છે, અને પોતે બેશરમ બનીને, અસ્તવ્યસ્ત હાલતમાં સામે બેઠી છે. પાસે અનેક પ્રકારની એના વિશે ચર્ચાઓ ચાલી રહી છે. વિરૂપાએ કાન માંડ્યા.
કુમાર મેતાર્ય મહાઅમાત્યને કહી રહ્યા હતા :
“મારી માતાની સખી છે. બન્ને વચ્ચે ખૂબ હેતપ્રીત છે. અને એટલો જ પ્રેમ એને મારા પ્રત્યે છે. ‘મારો લાલ’ એ ઉદ્બોધન સિવાય મને કદી સંબોધતી નથી. મંત્રરાજ માતંગની પત્ની છે.”
“માતંગની પત્ની છે ? એ તો એવી હોય જ ને ! માતંગ તો કલાવૃંત મયૂર છે, એની પત્ની એવી જ હોય ! કુમાર, શૂદ્રકુળમાં જન્મ લીધો એટલે માનવી કંઈ આત્મા, હૃદય કે મનોભાવ ખોઈ નાખતો નથી. મને તો આવા લોકોને જોઉં છું ને આ જાતિબંધનો એક જાળ જેવાં લાગે છે. હું તો સહેજ વિચાર કરું છું; જરા ઊંડો ઊતરું છું કે જ્ઞાતપુત્ર મહાવીરના ઉપદેશનો જ બધે સાક્ષાત્કાર થાય છે.”
વાર્તાલાપ તો લાંબો ચાલ્યો હશે; પણ આટલા જ શબ્દો વિરૂપાના શ્રવણપટ પર અથડાયા. એ શરમાઈ ગઈ ને તરત ઊભી થઈ નીચું મોં કરી ઝડપથી મેદનીની બહાર નીકળી અદૃશ્ય થઈ ગઈ.
ધીરે ધીરે સહુ વીખરાયાં.
શિબિરમાં બેસતાં બેસતાં શેઠાણીએ માતંગને કહ્યું :
“બરાબર સારવાર કરજે, અને મને એની તબિયતના ખબર આપજે. વૈદ્યની જરૂર હોય તો મોકલું."
62 D સંસારસેતુ
“ના રે, શેઠાણી બા ! માતંગ વૈદ્યોનો વૈદ્ય હોય ત્યાં એને ઘેર બીજો વૈદ્ય કેવો ! કોઈ કૂડી નજર લાગેલી, એટલે આમ બન્યું. હું તો ઘણીવાર એને સમજાવું છું કે આમ બનીઠનીને બહાર ન નીકળ. પણ બૈરીની જાત. કહ્યું ન માને કદી.” માતંગને આજની આ બધી ઘટનાથી ક્રોધ ચઢી ગયો હતો. એ આગળ ન બોલી શક્યો, એણે ધીરેથી દાંત કચકચાવ્યા.
“જોજે માતંગ ! ઘેર જઈને પાછો લડી પડતો નહિ ! બરાબર સેવાબરદાસ્ત કરજે."
“ચિંતા નહિ, શેઠાણી બા ! આખરે માણસ તો મારું છે ને !”
હજારમાં એક C 63