________________
આવી બેઠી. બૌદ્ધ સંસ્કૃતિના પરમ પ્રચારક મહાત્મા બુદ્ધ ! મગધ અને કોશલ વચ્ચે આવેલ કપિલવસ્તુના ક્ષત્રિય રાજા શુદ્ધોદનના તે પુત્ર થાય. એક દહાડો જગતમાં વ્યાપી રહેલ આ ભયંકર હિંસા નીરખી; માનવજીવન પર તોળાઈ રહેલ જન્મ, જરા ને મૃત્યુનાં દુઃખ પેખી, એ દૂર કરવાની પ્રતિજ્ઞા કરી. પુત્ર અને પત્નીનો ત્યાગ કરી એક પારધિનાં વસ્ત્ર પહેરી, એની છરીથી કેશ કાપી મહાભિનિષ્ક્રમણ કર્યું. અને અહિંસક યજ્ઞયાગનો એમનો ઉપદેશ પ્રથમ રાજગૃહીને જ મળ્યો. એ પછી તો એ છ વર્ષ તપ તપ્યા પણ તેમાં કેવળ ઇંદ્રિયવિજય મેળવ્યો. જે જ્ઞાનની તેમને જરૂ૨ હતી, તે ન લાધ્યું. આખરે એમને લાગ્યું કે ભૂખથી મર્યે મુક્તિ નહિ મળે : એટલે મધ્યમમાર્ગ સ્વીકાર્યો. મધ્યમમાર્ગ એટલે ન શરીરને તપજપથી બહુ કષ્ટ દેવું કે ન તેને અત્યંત સુખશીલિયું બનાવવું.”
“દેવદત્તા, તું કર્મ અને ધર્મ બંનેની પંડિતા છે !'
“મહાત્મા બુદ્ધના આ ઉપદેશ ઉપર જૈન સંસ્કૃતિ ગરુડરાજ શી પાંખો પ્રસારતી આવી ઊભી. આ સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિના જેટલી જ પ્રાચીન હતી, પણ એમાં દેશકાલને અનુસરી નવક્રાંતિ આણવામાં આવી હતી. એણે શુદ્રોને અપનાવ્યા. દુઃખિયાને છાતી સરસા ચાંપ્યા. આ ક્રાન્તિના આણનાર ક્ષત્રિયકુંડના મહાન લિચ્છવી વંશના કાશ્યપ ગોત્રીય, જ્ઞાતકુળધારક રાજા સિદ્ધાર્થને ત્યાં જન્મનાર...”
“દેવદત્તા ! બસ થોભી જા ! માનવીના ધર્મની બાબતમાં ચર્ચા કરવી, એનો ન્યાય તોળવો અત્યંત દુષ્કર છે. તું રાજવાર્તાનો કોઈ સુંદર પ્રસંગ બાકી હોય તો સંભળાવ !"
“સાર્થવાહ, તારી સુંદરતા ને અસુંદરતાની વ્યાખ્યા અજબ છે – સમજી શકવી મુશ્કેલ છે. પણ તારા મનને રાજી કરવા જ મેં આટલી રાત અને આટલી વાણી ખર્ચી છે. અસ્તુ. હા... એક તાજો જ સુંદર પ્રસંગ છે. એ ગુપ્ત છે. મગધનાં ઓછાં માનવીઓ એ જાણે છે. એ જાણનારનું મસ્તક પણ સલામત રહે કે નહિ તે પણ પ્રશ્ન છે.”
“એવી એકાદ વાતને ખાતર મગધની મહામનોહારિણી દેવી દેવદત્તાનું સુંદર મસ્તક હોડમાં મૂકવાની લેશ પણ આવશ્યકતા નથી.” સાર્થવાહે લાગણીભર્યા શબ્દો કહ્યા.
“રે પ્રિય ! તારા માટે શું શું ન કરું ! તારામાં લોભાવે તેવું પુરુષત્વનું અવર્ણનીય આકર્ષણ છે. ગમે એવી સ્વમાનશીલ સ્ત્રી પણ તારા હાથમાં રમવા ઇચ્છે તેવી નિખાલસતા તારામાં સભર ભરી છે. દેવદત્તાએ હજારોને રમાડ્યા છે, પણ એના જીવનના ઇતિહાસમાં એક સાર્થવાહ જ એને હાથતાળી આપી ગયો છે. ચક્રવાક ને ચક્રવાકી જેવો આપણો યોગ મારો નવો જ અનુભવ છે. દેવદત્તાએ તને 50 7 સંસારસેતુ
ઘણું ઘણું કહ્યું છે. આટલું બધું કહેવામાં થોડું જોખમ હોય તો ભલે હોય. એ જોખમ વેઠવા તૈયાર છું.”
“દેવદત્તા, તારો પ્રેમ અગાધ છે.”
“પ્રેમને સ્વયંભૂ બનાવવાની તારી શક્તિ અજોડ છે, સાર્થવાહ ! તારા દેશમાં જઈને તારી પ્યારી દેવદત્તાને કદી ભૂલીશ મા ! તું તારા દેશ તરફ જઈશ. હું પણ મગધના મહારાજના કામે બહારગામ ચાલી જઈશ. તું તારે દેશ પહોંચીશ, ત્યારે મારી ગુપ્ત વાર્તાનું પરિણામ આવી જશે એટલે એને પ્રગટ કરવામાં કિંચિત્ પણ દોષ નથી. માટે સંભાળ !” દેવદત્તા પોતાના વહાલા સાર્થવાહને હવે એકવચનથી સંબોધી રહી હતી.
“વૈશાલીપતિ મહારાજ ચેટકનું નામ તો સાંભળ્યું હશે. કર્મવીર ને રણધીર આ મહારાજ આજે ધર્મવીરપદને પામ્યા છે. શ્રમણ ભગવંત પ્રભુ મહાવીરના એ પરમ ભક્ત છે.”
“હું ......” પ્રભુ મહાવીરનું નામ જાણે શ્રવણને યોગ્ય ન હોય તેમ કાન પર હાથ મૂકતાં તેણે લાંબો નિસાસો નાખ્યો. દેવદત્તા ગુપ્ત વાર્તા કહેવાના આવેગમાં હતી. “મહારાજ ચેટકને સૂર્યનાં સપ્તકિરણ જેવી જુદી જુદી કાંતિ ને વર્ણરૂપવાળી સાત પુત્રીઓ છે. એકને જુઓ ને એકને વીસરો ! મહારાજ ચેટકે દેશદેશથી પંડિતો, વિદ્વાનો, વાદવેત્તાઓએ અને અનગારોને તેડાવી સર્વેને વ્યવહાર અને ધર્મશાસ્ત્રમાં નિપુણ બનાવી છે. રાજકુમારોને દુર્લભ એવું શિક્ષણ સર્વને આપવામાં આવ્યું છે. સાર્થવાહ, વૈશાલીનાં રાજકુટુમ્બોમાં સંસ્કારના હિસાબે મહારાજ ચેટક સર્વોપરી છે. અરે, આટઆટલી કેળવણી આપ્યા પછી પુત્રીઓના વિવાહાદિ કાર્યથી પોતે અલિપ્ત રહ્યા છે. કેળવણી-સુસંસ્કાર આપવા એ પિતાની ફરજ, નવું કુળ કે નવો સંસાર શોધી લેવો એ વિદુષી પુત્રીઓની ફરજ ! ક્યાં આજના રાજાઓ અને ક્યાં મહારાજ ચેટક ! આજના રાજાઓ તો પુત્રીઓને એક રાજ અને બીજા રાજ વચ્ચે સંબંધ વધારવાનું સાધનમાત્ર સમજે છે, અને વ્યસની, દુઃશીલ, કામી – ગમે તેવા રાજવીને પોતાની પુત્રી આપી દેતાં લેશમાત્ર સંકોચ કરતા નથી. પણ આ બધો પ્રતાપ કોનો ? જાણો છો ?”
“ના !”
“દીર્ઘતપસ્વી નિગંઠ જ્ઞાતપુત્રનો ! એમનો પ્રભાવ અપૂર્વ છે. જે રાજકુટુમ્બ પર એમની છાયા પડી એનો ઉદ્ધાર થઈ જાય છે.”
“જબરો જાદુગર !”
“હા, હા. અસલ જાણે જાદુગર ! મોં જોતાં જ પાપથી ભયભીત બની જઈએ."
રાજવાર્તા C 51