________________
વિચારતાં એ યોગ્ય ન લાગ્યું. કંસદેવની તાકાત એવી હતી કે ગમે ત્યાંથી એ પકડી પાડે ને પછી તો ગરદન જ મારે.
વસુદેવ શરીરના ફૂટડા હતા. તરવામાં નિપુણ હતા. મલ્લકુસ્તીમાં તો એમનો જોટો નહોતો. રવિદ્યા તો એમની જ કહેવાતી. અનેક યાદવોને તેઓએ મલ્લવિદ્યા શીખવી હતી અને એ રીતે અનેક યાદવો વસુદેવના શિષ્યો હતા. તેઓ અવારનવાર વસુદેવની માગણી કરતા : ને ક્રીડાંગણ પર એને દોરી જતા. વસુદેવના પ્રયોગો એટલે વસુદેવના ! બધાની પ્રશંસાનો એ ભાગી બનતો. એનો ચાહકવર્ગ વધતો જતો હતો.
આ પ્રશંસા કંસદેવને કંઈ અનિષ્ટ કરતાં વારતી, વળી વહેમ તો એ હતો કે કેળ કેળને સંહારે તો જ પમરે. એટલે વસુદેવ કરતાં દેવકીનો ભય વધુ હતો. દેવકીનાં સંતાન હણવાં, એ નિર્ણય એણે લીધો હતો.
કંસદેવ વહેમમાં પડ્યો, એટલે વહેમનો વેપાર કરનાર તેને વીંટી વળ્યા. કોઈ કંઈ કહે, કોઈ કંઈ ! આ મૂંઝવણમાં એણે ઘણાં ન કરવાનાં કામ કરવા માંડ્યાં ! રાજકીય જુલમો ને રાજકીય અત્યાચારો વધી ગયા. મંત્રતંત્રવાળા ને ભુવાજતિ માન મેળવવા લાગ્યા.
રાજ્યમાં અસંતોષ હતો, તે હવે વધ્યો. રાજા સમુદ્રવિજયે આ તકનો લાભ લીધો : ને બંદોબસ્ત એવો શિથિલ કરી નાખ્યો કે વસુદેવ ધારે ત્યારે બહાર જા-આવ કરી શકતા. રાજા સમુદ્રવિજયને ખાતરી હતી કે દેવકીએ ખૂબ અત્યાચાર સહ્યા છેઃ એના કણકણમાં આર્તનાદ હોય : એનો પુત્ર જરૂર કંસને હણે !
પણ બાળકને બચાવતાં પહેલાં એના રક્ષણની જોગવાઈ કરવી ઘટે. રાજા સમુદ્રવિજય દરેક રાજમાં ફરી આવ્યા, રાજાઓને વિનંતીઓ કરીને કહ્યું, ‘સતના બેલી થવું ક્ષત્રિયોની ફરજ છે.’
રાજાઓ ખાનગીમાં કંસદેવની અને એના શાસનની ખૂબ નિંદા કરતા : પણ પ્રગટ રીતે સામનો કરવાની તૈયારી નહોતી. તેઓ કહેતા કે કંસદેવને પરાસ્ત કરે, કામ પરિપૂર્ણ થતું નથી. આગળ એનો સસરો જરાસંધ છે, બીજો જમ છે.
રાજા સમુદ્રવિજય ફરતા ફરતા નંદગોપ પાસે આવ્યા. ક્ષત્રિયો જે ન કરી શકે, એ ગોપલોકો કેમ કરી શકે ?
વાતમાં વાત નીકળતાં રાજા સમુદ્રવિજયે વાત કહી ને નંદ ગોપે ગોપલોકોને એકઠા કર્યા.
* ઇતિહાસમાં પાટણની ગાદી સ્થાપવામાં મદદ કરનાર ગોપલોકો હતા અને અલ્લાઉદ્દીન સામે હિંદુપદ પાદશાહી માટે લડનાર ગુજરાતી ભરવાડો હતા.
28 D_પ્રેમાવતાર
ગોપલોકોએ કહ્યું : ‘ગાય અને પૃથ્વી આપણે મન સમાન છે. એના પર અત્યાચાર ગુજરતો હોય ત્યારે આપણાથી શાંત બેસી ન શકાય. આપણે સતના બેલી થઈશું. દધીચિનાં હાડથી દાનવોનો નાશ થયો, તો દેવકીના ગર્ભથી કંસનો જરૂર નાશ થશે. હંમેશાં આવા કપરા કાળ વખતે ભગવાન અવતાર ધરે છે !' ગોપ લોકો થનગની રહ્યા.
ગોપાંગનાઓ કંઈ પાછળ રહે : ગોપરાણી યશોદાએ કહ્યું કે જરૂર પડે તો સંતાન સાટે સંતાન આપીશ : પણ દેવકીનો બાળ બચાવો.
બીજી ગોપાંગનાઓ બોલી : ‘લઈ આવો, અમારા કેડા અભય કરનારને! આ રાજમાં ગાય નિર્ભય નથી, એમ સ્ત્રી પણ નિર્ભય નથી. અમે એ બાળને માટે અમારો ધાવતાં બાળને આઘાં હડસેલી દઈશું. અમારાં દૂધ, અમારી ગાયોના દૂધ-દહીં પર એનો સવાયો હક !'
રાજા સમુદ્રવિજય ગોપ લોકોના કથનથી ઉત્સાહમાં આવી ગયા. રે, સહાય માટે સારું જગ હૂઁઢવું, ને સહાય કરનાર તો પડખામાં જ પડ્યા છે.
રાજા સમુદ્રવિજયે મિત્ર યાદવોને બધી વાત વિગતથી કહી. આ વાતે તેઓનો ઉત્સાહ વધારી મૂક્યો. અંદરોઅંદર તેઓએ કહ્યું :
‘શું ગોકળીઓ કરતાં આપણે ગયા ?'
સાગરનાં ઊંડાં જળ નીચે, કાલુ માછલી મોતી મૂકે છે : એમ કંસદેવના પ્રબળ રાજશાસનની પ્રતાપી છાયા નીચે એક કાવતરું ગોઠવાયું ને કાર્યની કડીઓ સંધાઈ
ગઈ.
બહાદુર વસુદેવે આમાં સહુથી મોટો ભાર વહેવાનું નક્કી કર્યું. એણે કહ્યું કે પકડાઈશ તો બંધનમુક્ત થઈશ, નહિ પકડાઉં તો ફરજમુક્ત થઈશ.
કાર્યનો સમય પણ કપરો ગોઠવાયો. શ્રાવણની મેઘલી રાત. મુશળધાર વરસાદ. જમનાજીમાં બે કાંઠે પૂર. પૂર તે કેવાં ? હાથી તણાય ! આ રાતે ચકલુંય ન ફરકે!
આ રાતે કારાગાર ખૂલ્યાં. શી રીતે ને કોણે ખોલ્યાં, એ આજ સુધી અજાણ્યું રહ્યું છે. નામકીર્તિ માટે કામ કરનારા એ લોકો નહોતા.
વસુદેવ ટોપલામાં બાળકને લઈને બહાર નીકળ્યા. હવા કહે મારું કામ. મેઘ કહે મારું કામ ! નદી કહે મારું કામ ! વસુદેવે કચ્છ ભીડ્યો. જીવનભર મલ્લવિદ્યાની આરાધના અને જીવનભર આચરેલી તરવાની ક્રીડા આજે સાર્થક કરવાની હતી !
સાગર જેવી જમના તરી વસુદેવ પેલે પાર પહોંચ્યા. નંદગોપ કાંઠે જ હતા. અંધારા આભમાં વીજ ચમકે ને પાછી અલોપ થઈ જાય – એમ આ કામ થયું !
જ્ઞાનતંતુનાં યુદ્ધ 7 29