________________
આઠ-આઠ સંતાને નિઃસંતાન દેવકીની હૃદયવ્યથા દારુણ હતી ! એ નેત્ર દ્વારા પુત્રમુખનું અમી પીતી ઊભી રહી !
‘મારા વફાદાર યાદવ યોદ્ધાઓએ તમને મદદ કરી ?'
જ્યારે કોઈ વાતની અતિ થાય છે, ત્યારે આપણા દેહનું અંગ પણ આપણો સંગ છોડી દે છે ! પગને કહીએ ચાલ, અને એ ચાલતા નથી. હાથને કહીએ કામ કર. અને એ કામ કરતા નથી.' રાજા સમુદ્રવિજય તત્ત્વવેત્તાની માફક વાત કરતા હતા.
યાદવો ફૂટ્યા, કારણ કે એમને રાજકાજમાં સ્વાર્થ હતો. પણ આ ગોપલોકો તો પ્રજાજનો હતા અને સુખચેનથી જીવતા હતા, તેઓએ પોતાના સ્વામીનો આવો દ્રોહ શા અર્થે કર્યો ?’ રાણી જીવયશાએ આગળ પ્રશ્ન કર્યો.
‘રાણી ! કંસદેવના આ રાજમાં ભલાને સુખ નહોતું; નિર્દોષને ન્યાય નહોતો. અમારી ગાયો રાજપુરુષોના ભોજનમાં વપરાતી. અમારાં બાળકોનો ભક્ષ કરવા પૂતના રાક્ષસી જેવી રાક્ષસીઓ આવતી. એનાં વિષ પાયેલાં પક્વ આમ્રફળ જેવા સ્તનોથી લોભાઈ બાળકો આકર્ષાતાં, ને જેવાં ધાવતાં કે તરત મોતને ભેટી પડતાં ! આ કેવો જુલમ ! છતાં તમે એને સુખચેન કહો છો ?’ ગોપરાજ નંદે આગળ આવીને કહ્યું. એની જબાનમાં સત્યનું ભારે તેજ હતું.
નંદગોપ જોવા જેવો પુરુષ હતો. એની જુવાની છેલ્લા ઉંબરે હતી, પણ એનું તેજ એના મોં પર દમક્યા કરતું ! જોયા જ કરીએ, છતાં મન ન ભરાય એવો ફૂટડો એ નંદગોપ હતો.
‘અને રાણીજી ! અરિષ્ટ સાંઢની વાત તમે જાણતાં નહિ હો. અમારી ગાયોના ગર્ભ એણે પાડી નાખ્યા. કેટલીક ગાર્યા તો યમશરણ થઈ. ભલું થજો આ રામ-કૃષ્ણનું કે એમણે આવીને ભલાભોળા ગોપ લોકોને હિંમતવાન બનાવ્યા. એમણે કહ્યું કે સાપ ભલે ડંખ ન દે, પણ જો એ ફૂંફાડો ન રાખે તો આખું જગત એને રમકડું માની એના હાલહવાલ કરી નાખે. ગૌ તમારું ધન. ગૌચર તમારી જાગીર. ગામના કેડા ગોવાલણીઓ માટે અભય કરવા ઘટે. બાળ નાનો પણ વાત એની મોટી મોટી !' ગોપરાજ નંદની પત્ની યશોદા આગળ આવીને બોલી.
મધપૂડાની બનેલી હોય એવી એ ગોવાલણ હતી. હોંશે હોંશે પેટે અવતાર ધરવાનું મન થાય એવી એની દેહયષ્ટિ હતી. જીવયશા રાણીને પોતાના સૌંદર્યનું અભિમાન હતું, પણ યશોદાને જોતાં એનું સૌંદર્ય અભિમાન ગળી ગયું! કેવી નીતરેલી ચાંદનીની ધારમાંથી બનેલી સ્ત્રી ! જોતાં જ મન શાંત થઈ જાય !
‘શું આ છોકરાઓએ તમને હિંમત આપી ?' જીવયશાએ તુચ્છકાર સાથે પ્રશ્ન 14 D પ્રેમાવતાર
ર્યો.
‘ગોપલોકો પાસે પહાડ જેવું ડિલ તો હતું, પણ દિલ નહોતું; એ દિલ હતું તો દિલમાં મરી ફીટવાનું દૈવત નહોતું. એ આ કિશોરોએ શીખવ્યું. કેવાં પ્રેમાળ બાળકો ! રાણી, જરા આગળ વધીને એમને હેત તો કરી જુઓ, તમારી સૂકી છાતીમાં વાત્સલ્યનું સરોવર ન ફૂલસે તો મને કહેજો.' ગોપરાણી યશોદા ભાવાવેશમાં હતાં.
‘ચૂપ રહે ગોવાલણી !’ જીવયશા રાણીનો પિત્તો ફાટ્યો, ‘એક રાજરાણી સાથે ગમારની જેમ ગમે તેમ બોલે છે ?'
‘મામી ! હવે સાચાં રાણી તો આ યશોદારાણી, અને તમે બધી રાણીઓ એમને ઘેર ભરશો પાણી !' અત્યાર સુધી ચૂપ રહેલા કિશોર કૃષ્ણે કહ્યું. એ બાળક હતો, પણ એના અવાજમાં ભલભલાને આકર્ષિત કરે એવો પ્રભાવ હતો.
‘કોણ તારી મામી ? મૂરખા !' જીવયશાએ નાગણની જેમ ફુત્કાર કર્યો. ‘તમે જ તો. દેવકી મારી મા; વસુદેવ મારા પિતા; કંસદેવ મારા મામા; તો તમે મારાં મામી નહિ ?’ નાનકડો કૃષ્ણ વાંસળીના જેવા સ્વરે બોલતો હતો.
મામાનું ખૂન કરનાર અને મામીને રંડાપો આપનાર આખા જગમાં આદર્શ ભાણેજ તું જ ભળ્યો ! વાહ રે ભાણેજ !'
‘મામી ! કર્તવ્યનાં કેટલાંક કામ સગાનાં સગપણ ભૂલીને કરવાનાં હોય છે, મમતાને મારીને આચરવાનાં હોય છે. મેં મારા મામાને હયા નથી, મેં ખૂની અને પ્રજાની સ્ત્રીઓને રોજ રંડાપો આપનાર અત્યાચારીને હણ્યો છે !' કૃષ્ણના શબ્દોમાં મીઠો શંખનાદ હતો.
‘અત્યાચારી ! જરા જીભ સંભાળીને બોલ, ગમાર છોકરા !'
‘રાણીજી ! રામ, કૃષ્ણ ને નેમ – ત્રણે નાનાં બાળકો છે, એમ માની તુંકારો ન કરતાં. અત્યારે આર્યાવર્ત કેવી હીન દશામાં છે ? પૃથ્વીરૂપી ગાય આ મદાંધ સાંઢોથી ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકારી રહી છે. આ ગોવાળિયાઓ પૃથ્વીરૂપી ગાયને બચાવશે. આ દુઃખી ધરણીને તારવા આ બાલિકશોરો આવ્યા છે. મારા જેવો વૃદ્ધ પણ એમનું અપમાન કરી શકતો નથી. અને તમે...' રાજા સમુદ્રવિજયે જરાક આગળ વધીને કહ્યું. એ પ્રૌઢ પુરુષ સ્વયં ધર્મમૂર્તિ જેવો શોભતો હતો.
‘ફરી કહું છું, રે ગમાર છોકરાઓ ! આ વિશ્વાસઘાતી યાદવો એને ભૂખડી બારસ ગોપલોકોના સાથથી તમે આજે જે અપકૃત્ય કર્યું છે, તેનો તમારે પૂરેપૂરો જવાબ આપવો પડશે. મારા પિતા, આર્યાવર્તના ચક્રવર્તી મહારાજ જરાસંધને ખબર પડે એટલી જ વાર છે. એક એકને અવળી ઘાણીએ ઘાલીને તેલ કાઢશે.' રાણી પોતાનું તેજ દાખવી રહી, ભય બતાવી રહી.
ન માની શકાય તેવી વાત – 15