________________
પ્રવાસ ખૂબ કઠિન બની ગયો. ભાલાના જેવા કાંટા માર્ગમાં વેરાયેલા પડ્યા હતા. કેટલાક તો એ કાંટાથી જખમી થઈને અડધે રસ્તે રહી ગયા હતા.
હવે તો લગભગ માર્ગ પણ દેખાતો નહોતો. ત્યાં તો સિંહનાં પગલાં એક કળણ પાસે થઈને પસાર થયેલાં દેખાયાં. કળણ ભયંકર હતું. જરાક ચૂક થાય તો આખો માણસ એમાં ઊતરી જાય, પછી પત્તો મળવો મુશ્કેલ !
સાથીઓએ શ્રીકૃષ્ણને રોકી લીધા, કહ્યું, ‘હવે આગળ વધવું જોખમી છે.” જોખમનું કામ લઈને તો નીકળ્યા છીએ.” શ્રીકૃષ્ણે કહ્યું. અમે આપને આગળ વધવા નહિ દઈએ.” સાથીઓએ કહ્યું. ‘યમ પણ મને આગળ વધતો રોકી નહિ શકે.”
આપ યાદવ કુળના સુર્ય છો. આપને જોખમમાં જતા રોકવાની અમને સત્તા છે.’ સાથીઓ બોલ્યા.
‘તમારો પ્રેમ હું સમજું છું.” શ્રીકૃષ્ણ ભાવભરી રીતે કહ્યું, ‘પણે માણસ વર્ષોમાં જીવે એનાં કરતાં યશમાં જીવે એ જ ઉત્તમ છે. અપયશથી જીવે એના કરતાં યશથી મરે એ શ્રેષ્ઠ છે.'
અને શ્રીકૃષ્ણ આગળ કદમ બઢાવ્યા. કોઈ આગળ વધીને એમને રોકે એ પહેલાં તેઓ જોખમમાં ઊતરી ગયા. એમણે ભયંકર કળણમાં ઝુકાવી દીધું હતું.
તેઓએ કહ્યું, ‘તમે બધા ત્યાં ઊભા રહેજો. આગળ ન વધશો. ભારે જોખમ છે. મણિ વગર હું દ્વારિકાનાં દર્શન નહિ કરું. એ શેષનાગના માથે હશે, તો ત્યાંથી લઈ આવીશ. નચિંત રહેજો.’
કળણના તરલ કાદવમાં સરકતા શ્રીકૃષ્ણ પેલે પાર નીકળી ગયા. પાછળ રહેલા સાથીઓ એટલું સાહસ ખેડી શકે તેમ નહોતા. તેઓ ત્યાં જ થંભી ગયા.
હવે સિંહનાં પગલાં બરાબર સ્પષ્ટ કળાતાં હતાં. શ્રીકૃષ્ણ કળણનો વિસ્તાર વટાવી આગળ કદમ બઢાવ્યા. ચારે તરફ પહાડ વિસ્તરેલા પડ્યા હતા અને આજુબાજુ ગીચ ઝાડી જામેલી હતી; સૂર્યનો પ્રકાશ પણ એમને ભેદી શકતો નહિ.
હૈયું હાથ ને હથિયાર - ત્રણના બળે શ્રીકૃષ્ણ આગળ વધ્યા. પણ ત્યાં તો તેમના આશ્ચર્ય વચ્ચે પ્રવાસ એકદમ થંભી ગયો; સિંહ વનવાટની વચ્ચે મરેલો પડ્યો હતો ! શ્રીકૃષ્ણના મુખમાંથી નીકળી ગયું, ‘રે, જેને હું મળવા ચાહું છું. એ મને મરેલા મળે છે !'
| ‘રે મણિ ! તારા માર્ગમાં કેટલાં મૃતક મળવાનાં લખ્યાં હશે ! પહેલાં પ્રસેન મરેલો મળ્યો, હવે સિંહ ! નક્કી સિંહ પાસે મણિ હશે !” પ્રસેનનો હાથ હજુ સિંહના શબ પાસે પડ્યો હતો.
202 1 પ્રેમાવતાર
શ્રીકૃષ્ણ એકદમ દોડીને હાથ તપાસ્યો. હાથની મૂઠી ખૂલી ગઈ હતી; એમાં મણિ નહોતો. તો મણિ ક્યાં ?
પ્રશ્નનો જવાબ અનેક શંકાઓથી ભરેલો હતો. મહેનત બધી માથે પડે તેવો સંભવ હતો. તો શું હવે હતાશ થઈને પાછા ફરી જવું ?
પાછા ફરવું પણ કઈ હોંશે અને શું મોટું લઈને ? મણિની ચોરીનો આરોપ માથેથી ન ટળે, તો એ દ્વારિકાના કાંગરા જોવા પણ શા માટે ?
શ્રીકૃષ્ણ સિંહને ધારી ધારીને જોયો. એક ઝેરી તીર એના ઉદરમાં ખેંચેલું હતું. નક્કી કોઈ શંબરનું એ તીર ! આટલામાં શંબરની વસ્તી હોવી જોઈએ. એમણે પહાડો પર નજર ફેરવી..
પહાડના મથાળે નાનું ગુફાદ્વાર દેખાયું. આનંદનું દ્વાર ન હોય, એમ શ્રીકૃષ્ણ એ તરફ પ્રયાણ કર્યું.
ગુફાદ્વાર સાવ સાંકડું હતું. શ્રીકૃષણે નિર્ભય રીતે એમાં પ્રવેશ કર્યો, પણ ગુફાને પેલે પાર જતાં વિશાળ વનસ્થળી નજરે પડી.
આ વનસ્થળીમાં આછી આછી વસ્તી હતી. વસ્તી શંબર લોકોની હતી. એમના કૂબા સુંદર વનરાજિ વચ્ચે વસેલા હતા.
અહીં જીવન હતું, પણ કલહ ન હતો. અહીં કલહ હતો, પણ દ્વેષ નહોતો.
નાનકડાં બાળકો એક ઠેકાણે એકઠાં થઈને રમતાં હતાં. સૂરજનો મીઠો તાપ એમનાં તન-મનને પ્રફુલ્લાવી રહ્યો હતો. હુંફાળી હવા સહુને સચેત રાખતી હતી.
શ્રીકૃષ્ણ ઘણા દિવસે બાળકોને જોયાં. બાળકો તો એમના જીવનનો વિસામો હતાં. બાળક મળ્યાં કે એ બધી ઉપાધિઓ વીસરી ગયા. એ તો બાળક થઈને એમની સાથે રમવા લાગ્યા.
રમતાં રમતાં એક બાળકના હાથમાં શ્રીકૃષ્ણ કંઈક જોયું, ‘અરે, આ એ જ મણિ ! આ છોકરીના હાથમાં એ ક્યાંથી ?”
શ્રીકૃષ્ણ છોકરી પાસે મણિ માગ્યો. છોકરી કહે, ‘રમતમાં જીતો તો રમવાનો આ પાંચીકો આપું.”
રમતમાં તો શ્રીકૃષ્ણને કોણ પહોંચે ? એ જીત્યા.
શંબરની છોકરીએ પાંચીકો શ્રીકૃષ્ણને આપ્યો. ને પછી એ રોવા બેઠી, પાંચીકો સુંદર હતો. ઝૂંપડીમાંથી એનો બાપ દોડી આવ્યો. શ્રીકૃષ્ણ ઘણા નર જોયા હતા, પણ હજી સુધી એવો એકે નર એમને ભેટ્યો નહોતો. મોટું જબ્બર માથું અને પડછંદ દેહ ! ભલભલા સિંહને બે જડબાં પકડીને ચીરી નાખે એવો જોરાવર !
મણિની શોધમાં | 203