________________
બે સખીઓ રાજમહેલના પશ્ચિમ ખૂણા તરફ ગઈ. પણ જેવી ગઈ તેવી પાછી આવી. એમણે કહ્યું : ‘કુંવરીબા ! એ સ્વરો રાજકેદીઓ માટેના કારાગારમાંથી આવ્યા છે. એ સ્વરસમ્રાટને મળવા માટે, કારાગૃહના અધિપતિ કહે છે કે, મહારાજ અવંતીપતિની આજ્ઞા જોઈએ.'
‘ચાલો, અબઘડીએ મહારાજ પાસે જઈને અનુજ્ઞા લઈ આવીએ. આવા સ્વરસમ્રાટને અમે જરૂ૨ જોઈશું, ને આ વિદ્યા અમે જરૂર શીખીશું. અરે, આવો યોગ તો જનમજનમની સાધના હોય તો મળે.' કુમારીના શબ્દોમાં નૃત્ય, ગીત ને વાઘ તરફનો ઉત્કટ પ્રેમ વ્યક્ત થતો હતો.
સુંદરીવૃંદ ઊપડ્યું. એમના પગમાં રહેલાં નૂપુર વેગમાં રણઝણી રહીને અપૂર્વ સંગીત પેદા કરી રહ્યાં.
154 – પ્રેમનું મંદિર
22
કુંવરી કાણી ને રાજા કોઢિયો
અવંતીપતિ પ્રદ્યોત મંત્રણાગૃહમાં બેઠા હતા. દાસીએ જેવા ખબર આપ્યા
તેવા જ મહારાજ અંતઃપુરમાં જવા ઊભા થયા. એમણે જતાં જતાં મંત્રીરાજને કહ્યું : “લાડલી બેટી કંઈક રઢ લઈને બેઠી હશે. વાસુને આપણાથી કંઈ કોઈ વાતની કદી ના પડાઈ છે, કે આજે પડાશે ? મંત્રીરાજ, તમે શેષ કામ પતાવીને શીઘ્ર આવો. કદાચ તમારો ખપ પડે. એક તો બાળહઠ ને એમાં વળી સ્ત્રીહઠ ભળે, એટલે થઈ રહ્યું. વરસાદ અને વાયુ બે ભેગાં.”
મહારાજા પ્રદ્યોત રવાના થયા. એમણે માર્ગમાં જ દાસીને થોડુંઘણું પૂછી લીધું; બાકીનું સેજમાં પડેલી વાસવદત્તાની પીઠ પર અને મસ્તક પર હાથ ફેરવતાં પૂછી લીધું :
“તારે વીણા શીખવી છે ને, પુત્રી ? વાતમાં વાત એટલી જ ને ?” “હા, પિતાજી !”
‘અવંતી તો નૃત્ય, ગીત ને વાઘની ભૂમિ છે. અહીં વીણાવાદકોનો ક્યાં તૂટો છે ?”
“પિતાજી, હું પણ અવંતીની જ છું ને ! મારા મનમાં પણ એમ જ હતું, હું પણ એમ માનતી હતી, અરે, આજ સાંજ સુધી મારો પણ એવો ગર્વ અને ભ્રમ કહો તો ભ્રમ હતો. પણ જે સૂરો મેં આજે સાંભળ્યા એણે મારો બધો ગર્વ અને ભ્રમ દૂર કરી નાખ્યો. એમ તો વીણા હું પણ ક્યાં નથી શીખી ? પિતાજી ! તમારી આ પુત્રીને તમારા પ્રતાપે ગીત, વાદ્ય ને નૃત્યમાં આ અવંતીમાં તો શું, આર્યાવર્તમાં પણ પરાજય આપી શકે એવું કોઈ નથી. પણ આ સૂરો સાંભળતાં તો જાણે એમ જ લાગે છે કે અમે તો આજ સુધી કેવળ મુશળ જ વગાડ્યું ! અવંતીમાં આવો સ્વરસમ્રાટ