________________
ભારે દાઝ રાખે છે. શિવાદેવી પછીનાં દીકરી જ્યેષ્ઠા. ભગવાન મહાવીર સ્વામીનાં ભાભી ! કંઈક સુખી એ કહેવાય. જ્યેષ્ઠા પછીની બે દીકરીઓ : ચેલુણા ને સુજ્યેષ્ઠા. રાજા ચેટકનું મન દીકરીઓને બીજે વરાવવાનું ને દીકરીઓનું મન બીજે વરવાનું. સુજ્યેષ્ઠાનું મન મગધના રાજા બિંબિસાર શ્રેણિક પર લાગેલું. એટલે સંકેત કરીને ભાગવાનું નક્કી કર્યું. આ વખતે ચલ્લણા કહે, બહેન, હું પણ સાથે આવીશ. બંને સાથે ભાગી, પણ મોટી બેન ઘરેણાંનો ડાબલો ભૂલી ગયેલી. સુંદરીને સોનું જીવ જેવું વહાલું તે લેવા ગઈ; ને ત્યાં તો વખત થતાં મગધવાળાઓએ એ રથ મારી મૂક્યો. ભારે ધમાલ મચી ગઈ. નાની બેન ચલણા મગજમાં પહોંચી ગઈ અને મગધરાજ સુયેષ્ઠાને બદલે એની સાથે પરણ્યા.
‘હવે મોટી બહેન સુયેષ્ઠાની સ્થિતિ ત્રિશંકુ જેવી થઈ ગઈ. મગધને અને વૈશાલીને વેર બંધાણો. સુજ્યેષ્ઠા મનથી તો મગધરાજને વરી ચૂકી હતી, એના માટે સંસારના બધા પુરુષ પરપુરુષ બન્યા હતા. આખરે એણે પોતાનો નિર્ણય જાળવવા ને પિતાની પત રાખવા નિગ્રંથ દીક્ષા લીધી. સારું થજો ભગવાન મહાવીરનું કે સ્ત્રીઓ માટે સુખ-દુઃખનું આ એક ઠેકાણું કર્યું છે ! નહિ તો હીરો જ ચૂસવો પડે ને !”
‘કુંવરીબા ! એ તો દુ:ખ જોવા જઈએ તો સંસારમાં બધે દુઃખે દુ:ખ ને દુ:ખ જ મળે. બાકી હું તો કહું છું કે રાજા ચેટકની તો બહોંતેર પેઢી તરી ગઈ !'
‘કેવી રીતે ?' ‘ત્રિશલાનંદન ભગવાન મહાવીર રાજા ચેટકના શું થાય તે જાણો છો ?”
સગા ભાણેજ . એમની બેન ત્રિશલાદેવીને ક્ષત્રિયકુંડના રાષ્ટ્રપતિ રાજા સિદ્ધાર્થ વેરે વરાવેલી. એ જ ત્રિશલા રાણીના જાયા ભગવાન પોતે. કુળમાં એક જ આવું રતન પાકે એટલે આખું કુળ તરી જાય.’
“અરે, પણ વાતોમાં વખત વહી ચાલ્યો. ઇંદ્ર મહારાજે આભમાં ગેડીદડે રમવા માંડ્યું, ને મોરલો ગળાના કકડા કરીને ટહુ કી રહ્યો. ચાલો, ચાલો સખી, ચંદનબાગમાં !”
સહુએ વાસવદત્તાને આસન પરથી ખેંચી. ઇંદ્રધનુષ્યના રંગનું ઓઢણું પહેરાવ્યું, નીલરંગી પટકુળ બાંધ્યું, માથે વેણી છૂટી મૂકી, હીરાની દામણી બાંધી, હાથમાં સુવર્ણવલય પહેરાવ્યાં અને કમર પર ઘુઘરિયાળી કટિમેખલા બાંધી.
ચંદનબાગમાં જાણે સંસારનું સૌંદર્ય સરોવર લહેરે ચડ્યું. મન મોકળાં મૂકીને, લજ્જાનાં બંધન હળવાં કરીને સરખેસરખી સખીઓ ઝીણી ઝરમર જલધારામાં ખેલ-કૂદી, વૃક્ષ પર ઝૂલે ઝૂલી, કુંડમાં માછલીઓની જેમ મહાલી, કુબેરનો ધનભંડાર
જેમ ખૂલો મુકાતાં માનવી મુગ્ધ થઈ જાય, એમ અહીં અવંતીની અલબેલી સુંદરીઓનો મનમોહક સૌંદર્ય-ખજાનો આજ પ્રગટ થયો હતો.
આકાશમાં અષાઢી બીજ દેખાણી ત્યાં સુધી સહુ હસી-ખેલી. સૂરજમુખી બિડાઈ ગયાં ત્યાં સુધી સહુએ વિનોદ વાર્તા કરી. નિશિગંધાએ પોતાની સુગંધ વહાવવી શરૂ કરી ત્યારે થાકીને સહુ નીલમ-કુંડને કાંઠે બેઠી અને પાસે રમતાં હંસબાળોને ઊંચકી ઊંચકીને ખોળામાં લઈને રમાડવા લાગી.
ઓતરાદો પવન બંધ થયો, ને પશ્ચિમ દિશામાંથી શીતળ વાયરા છૂટ્યા. એ વાયરાના આકાશી વીંઝણાની પાંખ પર ચઢીને કોઈ સુંદર સ્વરો શ્રવણને સ્પર્શી રહ્યા. વાતાવરણમાં ધોળાતા હોય એમ થોડી વાર એ સ્વરો ચારે તરફ ઘુમરી ખાઈ રહ્યા. ચંદન વૃક્ષોની સુવાસ જેમ પૃથ્વીને છાઈ રહે એમ આ સ્વરો ધીરે ધીરે પૃથ્વી, જળ ને આકાશને છાઈ રહ્યા. ગજબની વીણા કોઈ વગાડતું હતું. એના પ્રત્યેક સૂરમાં ચિત્તતંત્રને મુગ્ધ કરે તેવી મોહની ભરી હતી. ચાંદની રાતની શીતળતા જાણે એમાં આવીને વસી હતી. મનને વશ કરી દે તેવું કંઈ મુગ્ધ તત્ત્વ એ સ્વરોમાં ભર્યું હતું.
વીણાના સ્વરો વધુ ગાઢ થતા જતા હતા, એમ એમ જાણે આ બાગ, આ કુંડ, આ હંસ, આ હંસગામિનીઓ બધું એકાકાર બનતું જતું હતું. અસ્તિત્વ ભુલાવે એવી, સમાધિ ચઢાવે તેવી સુંદરીના અધરની મધુરતા એમાંથી પ્રગટતી હતી. ક્ષણભર સહુ પોતાની જાતને વીસરી ગયાં. હંસ હંસગામિનીઓનાં વક્ષસ્થળ પર લાંબી ચાંચ નાખીને સ્તબ્ધ બની ગયા. જાણે શબ્દ બોલીને સ્વરમાધુરીમાં વિક્ષેપ આણવાની કલ્પના પણ સર્વ કોઈની હણાઈ ગઈ.
અષાઢી બીજ ઊગી ને આથમી ગઈ તોય સહુ સ્વર સમાધિમાં લીન હતા. થોડી વારે જાદુગર જેમ માયા સંકેલતો હોય એમ એ સ્વરો પાછા ખેંચાવા લાગ્યા. થોડી વારે સ્વરો અદૃશ્ય થયા, છતાં એનો રણકાર કેટલાય વખત સુધી મન પર અસર જમાવી રહ્યો. મોડે મોડે કોઈ મોહક સ્વપ્નમાંથી જાગતા હોય તેમ-ગાઢ નિદ્રા પછીની જાગૃતિ અનુભવતા હોય તેમ - સહુ સ્વસ્થ બન્યાં.
‘જીવનમાં પ્રથમ વાર જ આવા સ્વરો સાંભળ્યા !? એક સખીએ શાંતિનો ભંગ કરવાની હિંમત કરી.
‘જાણે યમુનાને તીરે કૃષ્ણ કનૈયાની કામણગારી મધુરી બંસી વાગી !'
સાચી વાત છે સખીઓ !! વાસવદત્તા જાણે ઘેનમાંથી જાગતી હોય તેમ આંખો ચોળતી બોલી : “હું તો ગોપીની અવસ્થા જ અનુભવી રહી હતી. જાઓ, ક્યાંથી આ સ્વરો આવ્યા ને કોણ છે આ સ્વરસમ્રાટ એની તપાસ કરો.”
152 | પ્રેમનું મંદિર
વાસવદત્તા D 153