________________
હતી. કાચાપોચાની છાતી થડકાવી નાખે એવો એનો ઘરઘરાટ હતો. “કૌશાંબીથી.”
“કૌશાંબીથી ?” થોડુંક આશ્ચર્ય દાખવી એણે તરત સ્વસ્થતા મેળવતાં કહ્યું, “હં, શું કહેવું છે ?"
“આ ચિત્ર આપને ભેટ ધરવું છે.” ચિતારાએ પોતાની પાસે રહેલું કપડામાં વીંટાળેલું ચિત્ર રજૂ કર્યું. રાજા એની સામે જરા ફાંગી નજરે નીરખી રહ્યો. રૂપસુંદર નારીને જોવાની એની રીત અનોખી હતી. અને ચિતરામણની સુંદરીએ પણ જાણે પળવારમાં પોતાની રૂપમોહિની પ્રસારી દીધી. જડ છતાં ચેતનની શોભાને એ વિસ્તારી રહી.
“આ કોઈ જીવંત વ્યક્તિનું ચિત્ર છે કે દેવાંગનાનું ?” રાજાથી પૂછ્યા વગર ન રહેવાયું.
“જીવંત વ્યક્તિનું, રાજરાજેશ્વર ! આ તો માત્ર જડ ચિત્ર છે ! માટીના રંગો ને વાળની પીંછી એ જીવંત દેહની બરાબરી ક્યાંથી કરી શકે ? ચંદ્રધવલ દેહ, ચંપકકળી જેવી આંગળીઓ અને નયનો તો...”
ચિતારાએ જાણે મધલાળ રજૂ કરી. ચિતારાના શબ્દેશબ્દને અવંતીપતિ જાણે હૈયામાં કોતરી રહ્યો. પણ અચાનક એને ભાન આવ્યું કે અરે, આ તો દેવપ્રાસાદ છે, રાગ અને દ્વેષને તજવાનું ધર્મસ્થાન છે. અહીં આવી સંસારવૃદ્ધિની વાતો કેવી ? શાન્તમ્ પાપમ્. એણે કહ્યું :
“ચિતારાજી ! અવંતીની એવી રસમર્યાદા છે કે જ્યાં ભક્તિરસ શોભે ત્યાં ભક્તિરસ, જ્યાં શૃંગા૨૨સ શોભે ત્યાં શૃંગા૨૨સ ને જ્યાં વી૨૨સ શોભે ત્યાં વી૨સ ! દેવપ્રાસાદ ને રાજપ્રાસાદ બંને વચ્ચેની મર્યાદા પૂરેપૂરી સાચવવી જોઈએ. રાજમહેલે આવો. હું તમારા જેવા કલાકારને શીઘ્ર મુલાકાત આપવા માટે ઉત્સુક છું.”
રાજાજી રાજહાથીએ ચડ્યા. ચિતારો દોડતો રાજમહાલયમાં પહોંચ્યો. એના પગમાં અજબ વેગ આવી વસ્યો હતો. એના પ્રવાસને સફળતા મળવાનાં ચિહ્નો દૃષ્ટિગોચર થતાં હતાં. એને પોતાનો શ્રમ સફળ થતો જણાતો હતો.
રાજપ્રાસાદમાં જઈને તરત રાજા પ્રદ્યોતે ચિતારાને તેડાવ્યો. રાજપ્રાસાદનો ઠાઠ અપૂર્વ હતો. અનેક રૂપભરી પરિચારિકાઓ સેવામાં હાજર હતી.
કેટલીય રાણીઓ હજી હમણાં જ જાગી હતી. એમના હાર-કેયૂર ખસી ગયેલા, પત્રરચનાઓ ભૂંસાઈ ગયેલી, વેણી ઢીલી પડેલી ને મુખ પર પ્રસ્વેદની નિશાનીઓ અંકિત થઈ હતી. પણ એથી તો ઊલટું તેઓના રૂપમાં વધારો થતો હતો. ચિતારાએ ત્યાં એક વિશાળ રૂપસાગર લહેરાતો જોયો. કોઈના અધર પર મધગંધ, કોઈનાં નેત્ર 84 – પ્રેમનું મંદિર
મિંદરામય અને કોઈની આંખો લહેરે જતી હતી !
ભોગસામગ્રી ત્યાં ભરપૂર હતી. ગંધ, માલ્વ, ચંદન, દિવ્ય આભરણ, અમૂલ્ય પાન અને શ્રેષ્ઠ આસવની ત્યાં કમી ન હતી. ગીત, નૃત્ય ને વાઘ ચાલી રહ્યાં હતાં.
સ્તંભે સ્તંભે નવનવી કલા-કારીગરી શોભી રહી હતી. સુગંધી તેલનાં ઝુમ્મરો પ્રકાશને રેલાવી રહ્યાં હતાં. વિધવિધ જાતનાં ખાદ્ય ને પેય સામે મોજૂદ હતાં. વાજીકરણ લઈને રાજવૈદ્ય પણ હાજર હતા.
નવનવાં વાજીકરણ સાથે નવનવાં વશીકરણ પણ જોઈએ ને ! અહીંનાં બધાં વશીકરણ વાસી થયાં હતાં, નવા વશીકરણની આકાંક્ષા હતી. તે લઈને ચિતારો હાજર થયો. એણે પોતાનું વર્ણન આગળ ધપાવ્યું :
“મહારાજ, આ તો કાગડો દહીંથરું લઈ ગયો છે ! આવું રત્ન તો આપ જેવા ચક્રવર્તીને ઉંબરે જ શોભે. ચંપકકળી જેવી આંગળીઓ, શ્રીફળને શરમાવે તેવું વક્ષસ્થળ, હાથીના કુંભસ્થળશા નિતંબ, ખંજન પક્ષી જેવી આંખો, મૃગમદ ને કપૂરભર્યો શ્વાસ, નાગપાશશો કેશકલાપ, કિન્નરશો કંઠ... શું કહું, રાજરાજેશ્વર, વહેમી પતિથી સંતપ્ત એ સુંદરીને કોણ છોડાવશે ? વિધાતાની આ ભૂલને આપ જેવા રસજ્ઞ સિવાય બીજો કોણ સુધારશે ? મહારાજ, આ ભવ મીઠો તો પરભવ કોણે દીઠો ? આ ફૂલને વાસી ન લેખતા : જે ક્ષણેક્ષણે નવીન શોભા ધારણ કરી શકે એવી આ ફૂલવેલ છે."
“ચિતારા, પરભવની, પુણ્યની, પાપની વાત ન કરીશ. એની યાદથી મારું મન નિર્બળ થઈ જાય છે, ને ભગવાન મહાવીરની યાદ જાગે છે. ને એની સાથે જ અંતરમાં વસતી રૂપમોહિની સરી જાય છે ! રે, આ સુંદરી શતાનિકના દરબારમાં ન શોભે, અવંતીપતિના અંતઃપુરને યોગ્ય એ રત્ન છે. બોલાવો મંત્રીરાજને !”
વયોવૃદ્ધ મંત્રીરાજ આવ્યા. જાણે ધર્મરાજ સ્વયં આવતા હોય એવાં ભવ્ય એમનાં દાઢી-મૂછ શોભતાં હતાં. અવંતીના શાસનના દૃઢ પાયામાં આ મંત્રીની રાજનીતિ કામ કરી રહી હતી.
“મંત્રીરાજ, મને મારો ક્ષત્રિય ધર્મ હાકલ કરી રહ્યો છે. વેરની આગ સુખે સૂવા દેતી નથી." રાજા પ્રદ્યોતે કહ્યું.
“સાચું છે મહારાજ ! તૈયારીઓ પણ એવા જ પ્રકારની થઈ ચૂકી છે. અવંતીની સેના જોઈને શત્રુની છાતી ફાટી જાય, એવી રચના કરી છે. મારે પણ મારા અવંતીનાથના હાથમાં ચક્રવર્તીપદ જોઈને પછી જ રણ-પથારી કરવી છે; મહારાજ !" મંત્રીએ વફાદારીપૂર્વક કહ્યું : “આ તો વાતમાં ને વાતમાં ઉંદર ડુંગરને ચાંપી ગયો !” “તો મંત્રીરાજ, ઘો નગારે ઘાવ !”
રજમાંથી ગજ D 85