________________
ફરીથી કામી-ક્રોધી બની જતાં પણ એ વાર ન કરે ! એ તો કૂતરાની પૂંછડી !”
રાત ઘણી વીતી ગઈ હતી. શિષ્ય આ કથાથી સંતુષ્ટ થયો હતો. થોડી વારમાં આ બંને નિષ્પાપ ને નિર્દોષ જીવો ઘસઘસાટ ઊંઘી ગયા. પણ વેરની ડાકણ જેને વળગી હોય એવા જીવને નિદ્રા કેવી ?
| ચિતારાએ આખી રાત પથારીમાં પડ્યા પડ્યા આળોટ્યા કર્યું. અને આ ધર્મવાર્તા પર વિચાર કર્યા કર્યો. વહેલી પરોઢે એણે એક વાતનો નિશ્ચય કર્યો : “મારો બેડો જો કોઈ પણ પાર કરી શકે તો અવંતીનો પ્રદ્યોત જ કરી શકે ! જે ખાઈ શકે એ જ ખવરાવી શકે.”
છેલ્લી રાતે એની આંખ મીંચાઈ ગઈ. સ્વપ્નમાં પણ એ વેરદેવીને આરાધી રહ્યો.
12
રજમાંથી ગજ
મોડી સવારે જ્યારે ચિતારા શેખરની આંખ ઊઘડી, ત્યારે વટવૃક્ષની નીચે એ એકલો જ હતો. બધા વટેમાર્ગુ નગરમાં પ્રવેશ કરી ગયા હતા. ચિતારો ઝટ ઝટ નદીતીરે જઈને પ્રાતઃકર્મથી નિવૃત્ત થયો, ને ચિત્ર લઈને આગળ વધ્યો.
ક્ષિપાતીરે આવેલા દેવાલયની પવિત્ર ધજા સવારની શીળી હવામાં ફરફરી રહી હતી. ચિતારાએ એ દિશા સાધી. થોડી વારમાં એ દેવાલયે પહોંચ્યો, ત્યારે દેવાલયનાં દ્વાર પાસે રાજ હસ્તી ઝૂલતો ઊભો હતો ને રાજસેવકો નગરજનોની ભીડને નિયંત્રી રહ્યા હતા.
થોડી વારમાં ‘અવંતીપતિની જય’ના નાદથી વાતાવરણ ગાજી ઊઠ્યું. સાક્ષાત્ કામદેવની મૂર્તિશો રાજા પ્રદ્યોત દેવમંદિરના દ્વારમાંથી નીકળતો નજરે પડ્યો. પડછંદ એનો દેહ હતો. દીર્ઘ એના બાહુ હતા. વિશાળ એનું વક્ષસ્થળ હતું. એના લલાટ પર સુવર્ણપટ ભીડેલો હતો.
ચિતારાને નિર્ણય કરતાં વાર ન લાગી : આ જ એ દાસી-પતિ રાજા પ્રદ્યોત. એની વાઘના જેવી માંજરી ને વેધક આંખોમાં હજી વાસનાની લાલી રમતી હતી, ને અધર પર જાણે સુંદરીના અધરામૃત આસ્વાદવાની અધૂરી માસ દેખાતી હતી. અત્યારે એ ભક્તને છાજે એવા સાદા પોશાકમાં હતો, છતાંય એની વિલાસિતા અછતી નહોતી રહેતી. એણે ક્ષીરસમુદ્ર જેવું ધોળું ઉત્તરીય ઓઢવું હતું.
રાજ હાથી પાસે આવીને રાજા ઊભો રહ્યો ત્યારે ઐરાવત પાસે ઊભેલા ઇંદ્રની જેમ એ શોભી રહ્યો હતો. બરાબર આ વેળાએ ચિતારો ભીડને મહામહેનતે ચીરતો આગળ આવ્યો ને રાજાના ચરણમાં ઝૂકી પડ્યો.
કોણ છો ? ક્યાંથી આવો છો ?' રાજા પ્રદ્યોતના બોલવામાં ભારે બેપરવાઈ
82 D પ્રેમનું મંદિર