________________
“પણ મહારાજ, કંઈ નિમિત્ત તો જોઈએ ને !”
“નિમિત્ત તૈયાર છે. વત્સદેશના રાજા શતાનિકથી આપણે ગણેશ માંડીએ.” “પણ રાજા શતાનિકનો કંઈ વાંકગુનો ?”
“મંત્રીરાજ, રાજકાજ કરતાં ધોળા આવ્યાં, પણ એટલું ન સમજ્યા ? વાંકગુનો શોધવો હોય તો કોનો નથી શોધી શકાતો ? જુઓ, યક્ષમંદિરના ચિતારા શેખર પર એ રાજાએ નમાલી વાતમાં જુલમ ગુજાર્યો છે. શેખરે આપણો આશ્રય લીધો છે. લખી દો એ રાજાને કે જેના ચિત્ર માટે તે જુલમ કર્યો, એ રાણી અમને સુપરત કરી ઘો, અને સામે આવીને અમારી માફી માગો, નહિ તો લડવા તૈયાર રહો !”
“મહારાજ, વળી આપની નજરમાં કોણ વસી ?"
“મંત્રીરાજ, તમે ગાયત્રી જપતા ઘરડા થયા એટલે તમને શું સમજણ પડે ? હરણનો ચારો ને વાઘનો ચારો એ બેમાં ફેર કેટલો ? શતાનિકની રાણી મૃગાવતી તો પદ્મિની છે પદ્મિની ! આ તો કાગડો દહીંથરું લઈ ગયો છે !”
“જગતમાં કાગડા જ દહીંથરાં લઈ જાય છે." મંત્રીરાજની વાતમાં વ્યંગ હતો. એ આગળ બોલ્યો, “પદ્મિની હોય કે ગમે તે હોય, તેથી આપણને શું ?”
“આપણને કેમ નહિ ? યોગ્ય સ્થળે નિયુક્ત કરવું એ રાજવીની ફરજ. એવી પદ્મિની તો અવંતીના અંતઃપુરમાં જ શોભે.”
“મહારાજ, દીકરીનાં માાં શોભે, પત્નીનાં માગાં ન હોય !"
“મંત્રીરાજ, એમાં તમે ન સમજો. અવંતીનાં મહારાણી શિવાદેવીની એ બહેન થાય; પણ બેમાં ઘણો ફેર છે – રાણી-દાસી જેવો. એ વેળા પરખવામાં ભૂલ થઈ. અવંતીની મહારાણી તરીકે તો મૃગાવતી જ શોભે. મોડી મોડી પણ એ ભૂલ સુધારી લેવી ઘટે.”
“મહારાજ, અવિનય થાય તો ક્ષમા. પણ પાછો આપનો કામગુણ...”
“કામગુણ નહિ, વીરત્વ ગુણ ! અને મંત્રીરાજ, જુઓ, વીતભયનગરને ખેદાન મેદાન કર્યા વગર મને જંપ વળવાનો નથી. ને એ માટે શતાનિક ઉપર જીત એ પહેલું પગલું છે. દૂત મોકલીને ખબર આપો કે ચિતારાને ન્યાય આપવાનો છે. એ માટે રાણી મૃગાવતીને અમારા દરબારમાં મોકલી આપો, નહિ તો અમે યુદ્ધ માટે આવીએ છીએ !"
“પણ મહારાજ, રાણી શિવાદેવીને આ વાતની ખબર પડશે તો ? એ તો ભગવાન મહાવીરનાં સાચાં અનુયાયી છે. આપ તો જાણો જ છો, કે આ નગરીમાં વારંવાર આગ લાગતી, અને કેમે કરી એ વશ નહોતી થતી, ત્યારે આપે રાજગૃહીથી બુદ્ધિધન અભયકુમારને તેડાવેલા. એમણે કહ્યું કે આ તો દૈવી આગ છે. એને
86 – પ્રેમનું મંદિર
ઠારવાનું માનવીનું ગજું નહીં. કોઈ શિયળવંતી નારી જળ છાંટે તો જ એ શર્મ. અને આપ જાણો છો કે શિયળવંતારાણી શિવાદેવીએ જળ છંટકાવ કરીને એ આગને શાંત કરી હતી. એવાં સતી રાણીનો પ્રકોપ થાય તો તો, મને તો બહુ બીક લાગે છે. આમાં ભારે અમંગળ દેખાય છે.
“જુઓ મંત્રીરાજ ! આ રાજકારણ છે. એમાં સ્ત્રીઓની દખલ લેશ પણ સહન નહિ થાય. વળી શિવાદેવી તો સતી છે. સતી સ્ત્રીઓ પતિની ઇચ્છાને આડે કદી આવતી નથી. પતિ એમને માટે પરમેશ્વર છે અને પરમેશ્વરને વળી પાપ કેવું ? લાંબી ટૂંકી વાત છોડો, તાકીદે દૂતને ૨વાના કરો."
“ચિતારાનું કાર્ય સફળ થતું હતું. ધર્મવંત મંત્રીને આખરે રાજાની વાતને સહમત થવું પડ્યું. બીજે દિવસે દૂર ૨વાના થયો, પણ એનું પરિણામ તો નિશ્ચિત હતું.
જેવો ગયો હતો તેવો જ પાછો આવ્યો. ગમે તેવો દુર્બળ માણસ પણ પોતાની પત્નીને સામે પગલે સોંપે ખરો ? શતાનિકે ખૂબ અપમાનજનક જવાબ વાળ્યો હતો.
રાજા પ્રદ્યોતે ભયંકર સેના તૈયાર કરી. પ્રચંડ ઘટાટોપ સાથે એ મેદાને પડ્યા.
એની સાથે એના ચૌદ ચૌદ ખંડિયા રાજા પણ ચઢ્યા. ધરતી યુદ્ધનાદથી ગાજી ઊઠી. ગામડાંઓ ઉજ્જડ બન્યાં, નવાણે નીર ખૂટ્યાં.
અવંતીનો પતિ વત્સદેશ પર આંધી કે વાવંટોળની જેમ ધસી ગયો. વેરભૂમિનું એક નાનું રજકણ ભયંકર ઘટાટોપ જમાવી બેઠું.
રજમાંથી ગજ E 87