________________
એને પણ બૂઝવ્યો, વળી સંબલ ને કંબલ જેવા નાગકુમારોને પણ ગંગા નદીના તટ પર તાર્યા. પોતાની સહનશક્તિની ને અહિંસાની કસોટી કરવા પોતે અનાર્ય દેશમાં સંચર્યા. એ દુ:ખોને આપણે શું જાણીએ ? કૂતરાં પગની માંસપેશીઓ કાપી નાખતા, અનાર્ય લોકો એમને માર મારતા, એમના શરીરમાંથી માંસ કાઢી જતા, છતાં ન કોઈ પર ક્રોધ કે ન કોઈ પર વેરભાવ ! અવેર અને અહિંસાની સાક્ષાત મૂર્તિ !
“અરે, અનાર્યદેશમાં જ શા માટે, આર્ય ગણાતા દેશમાં પણ એ મહાપુરુષને મારણ; તાડન; છેદન ઘણાં થયાં. પણ એ હૃદયદ્રાવક દુઃખો છતાં એ સમબુદ્ધિ, તપસ્વી, દયાવતાર મહાત્માનાં અહિંસા, બ્રહ્મચર્ય અને સત્ય અકુણ રહ્યાં. ચમત્કારો તો કેટલા એમના છે, પણ ચમત્કારો કરવામાં એ માનતા નથી. સંસારને બાળીને ભસ્મ કરવાની તેજોલેશ્યા ને સળગતા અગ્નિને શાંત કરનારી શીતલેયા એમની પાસે હાજરાહજૂર છે.” દાસી વિજયાએ પોતાનું કથન પૂરું કર્યું.
- “સુવર્ણસિદ્ધિ કે પારદસિદ્ધિ જેવું એ જાણતા હશે ખરા, વિજયાદેવી ?” એક સામંતે જિજ્ઞાસાથી પૂછ્યું.
આવા મહાત્માઓ પાસે આવી ગુપ્ત વિદ્યાઓ હોય છે; પણ એ કોઈને બતાવતા નથી. એ તો આકાશગામિની વિદ્યા પણ જાણતા હશે !” બીજા સામંતે ટેકો આપ્યો.
તમારું મન હજી સંસારને દુઃખી કરનાર સોનામાં ને રૂપામાં ૨મે છે ! તમારી ભક્તિ સ્વાર્થી છે, એ મહાયોગી સુવર્ણસિદ્ધિ કે પારદસિદ્ધિને વીસરીને આત્મસિદ્ધિ ને પરમાત્મસિદ્ધિમાં રમે છે. એ દિવસોથી આપણી શેરીઓમાં ભૂખ્યા-તરસ્યા ફરે છે એ જાણો છો ?'
“વિજયાદેવી ! વૈશાલીના ક્ષત્રિયો વિચિત્ર છે. એ દેશ પણ વિચિત્ર. એમને એક નહિ, પણ અનેક રાજા. બધા મળી રાજ ચલાવે. આમ્રપાલી ત્યાંની ભારે ફૂટડી નટડી !” આમ્રપાલીનું નામ બોલતાં એ વૃદ્ધ સામંતનું મોં પહોળું થઈ ગયું, અને તાંબૂલનો ૨સ દેહ પર પ્રસરી રહ્યો.
નટડી નહીં, નર્તકી !” એક જુવાને કહ્યું ને વધુમાં ઉમેર્યું, “અરે એ તો મગધના રાજાની રાખેલી !''
“રાજા માણસોની વાત ઓર છે ! અલ્યા, એવાં સુખો રાજા નહિ ભોગવે તો શું હાલીમવાલી ભોગવશે ?”
રાજા શતાનિક પોતાના ભુજબળ સમા આ પરાક્રમી સામંતોનાં ટોળટપ્પાં મૂછમાં મલકાતા સાંભળી રહ્યા હતા, - દાસી વિજયા આ વાર્તાલાપથી ચિડાઈને બોલી : “ કેવી વિચિત્ર છે તમારી વાતો ! અરે, જે વાતનો વિચાર કરવા અત્રે એકત્ર મળ્યાં છીએ એનો વિચાર કરો ને !”
34 પ્રેમનું મંદિર
બરાબર છે.” રાજા શતાનિકે સમર્થન આપ્યું. વત્સદેશ પર આફત તોળાઈ રહી છે,” વિજયાએ કહ્યું,
શાની આફત, વિજયાદેવી ? એ આફત-બાફતની વાતમાં કંઈ માલ નથી. હજી તો અમારી તાતી તલવારો કમર પર જ છે. ચંપાના રાજા દધિવાહનને અમે દધિપાત્રની જેમ રગદોળી નાખ્યો, એ તો તમે જાણો છો ને ?" બે-ચાર સામંતોએ ભુજા ઠોકીને, મૂછે તાવ દઈને કહ્યું.
“તો તમને સૂઝે તેમ કરો ! તમારું સર્વસ્વ તલવાર જ છે !” વિજયા નારાજ થઈ પાછી ફરવા લાગી.
“ના, ના, વિજયા, આ તો બે ઘડીની મજાક છે, પંડિત તથ્યવાદી, આ બાબતમાં તમારો મત દર્શાવો.” રાજા શતાનિકે પોતાની માનીતી દાસીને સાંત્વન આપતાં કહ્યું.
સભાપંડિત તથ્યવાદીએ મોં ગંભીર કરી કહ્યું :
“મહારાજ , મારું સંક્ષેપમાં કહેવું એ જ છે, કે છેલ્લે છેલ્લે એમણે કહ્યું કે આ પ્રકારના યોગીઓ આવા અભિગ્રહ દ્વારા આપણી ભૂલો બતાવવા, આપણાં પાપ પખાળવા કે આપણી ભક્તિની કસોટી કરવા આવે છે, તેઓ પરમ જ્ઞાનની ખોજ માં છે એટલે મૌન છે. બાહ્ય રીતે સુખી દેખાતા પણ વાસ્તવમાં દુઃખથી ભર્યા આપણા જીવનના ઉદ્ધાર માટે તેઓ મથે છે. તેઓ બોલતા નથી, પણ પોતાના મૌનકાર્યથી સત્ય માર્ગ દાખવે છે. આપણે આત્મિક આલોચના કરતા રહીએ, પાપકર્મથી દૂર રહીએ. ન જાણે એ મહાયોગી આ અભિગ્રહ દ્વારા આપણો કયો દોષ દૂર કરવા માગતા હશે ? તેઓના અભિગ્રહ સંદર્ભે જ હોય છે, માટે સહુએ સાવધાની ને ભક્તિથી વર્તવું.”
ભરી પરિષદા જ્યારે વીખરાઈ ત્યારે સહુ એક વાત માટે કૃતનિશ્ચય હતા ને તે આવતી કાલે એ મહાયોગીનો મહાઅભિગ્રહ સંપૂર્ણ કરવાની બાબતમાં.
અભિગ્રહ 35