________________
પૃથ્વી ટકશે તો એવા ધર્મધુરંધરોથી. નહિ તો આપણાં પાપ ઓછાં નથી. એ પાપથી તો આ પૃથ્વી રસાતાળમાં ચંપાઈ જાય.”
નંદાદેવીની આ વાતે દાસી વિજયાને વિચાર માં નાખી દીધી. એ જલદી જલદી ત્યાંથી ચાલી નીકળી. ને રાણીજી છબી ઉતરાવવા બેઠાં હતાં ત્યાં આવીને બધી વાત કહીને છેલ્લે એણે કહ્યું : “રૂપ, યૌવન ને ધનનાં આ બધાં નખરાં છાંડો. એ એક દહાડો આપણને ભરખી જશે. કંઈક ઉપાય કરો અતિથિને અન્ન-પ્રાશન કરાવવાનો; નહિ તો વૃથા છે આ રાજપદ, આ રાણીપદ ને આ સમ્રાજ્ઞીપદ !!?
દાસી વિજયાની વાતોએ રાણી મૃગાવતીના મર્મભાગ પર પ્રહાર કર્યો. પારદર્શક વસ્ત્રો પહેરીને, અંગોપાંગને ગોપવ્યાના બહાના નીચે પ્રત્યક્ષ કરાય તે રીતે અલંકાર સજીને, ફૂલના ગુચ્છા ને સુવર્ણની ઘૂઘરીઓ ફણીધર જેવા અંબોડામાં ગૂંથીને બેઠેલાં રાણીજીને પોતાને પોતાના રૂપ પર ગુસ્સો ઊપજ્યો. ચંપા કળી જેવો દેહનો રંગ જોઈને, મજીઠના રંગથી પણ અધિક પગની પાનીની લાલાશ જોઈને અને કમળના ફૂલની રતાશને શરમાવે તેવો ગાલનો રંગ જોઈને ચિતારો તો દિવાસ્વપ્નમાં પડી ગયો હતો. એની કલ્પનાદેવી પણ આટલી મોહક નહોતી; અને કદાચ મોહક હોય તોપણ આટલી સુંદર ને સુરંગ તો નહોતી જ !
પણ અચાનક રાણીજી તો ઊભાં થઈને ચાલ્યાં ગયાં ! ચિતારાના રંગમાં ભંગ પડ્યો. રાણીજી જઈને રાજા શતાનિકની પાસે પહોંચ્યાં, ને ભૂખ્યા યોગીની વાત કરી. છેલ્લે છેલ્લે કહ્યું : “શરમ છે આ વૈભવને, આ સત્તાને, આ રાજપદને ! શું આપણે એવાં સત્ત્વહીન છીએ, શું આપણી રાજલક્ષમી એવી શાપિત છે કે આટઆટલી સાહ્યબી છતાં આપણે એક ભૂખ્યા અતિથિને પણ સંતોષી ન શકીએ ?”
ક્રોધમાં વિશેષ સૌંદર્યવંતાં લગતાં રાણીજીને સાંત્વન આપતાં રાજાજી બોલ્યા : રાણીજી, અબઘડી પ્રબંધ કરું છું. વત્સદેશના રાજભંડારોમાં કઈ વાતની કમીના છે ? આટઆટલા રાજ ભંડારો, આટઆટલાં રસોડાં ને આવડા મોટા પથભંડારો ભર્યા છે. યોગીની ઇચ્છાને તૃપ્ત કરવી એ રમતવાત છે. એમનું પાશેરનું પેટ પૂરવું એમાં તે શી વિસાત ?"
“પણ યોગી તો અભિગ્રહવાળા છે. એ પેટમાં અન્યાયસંપન્ન દ્રવ્યનો એક દાણો પણ નહિ જાય. યોગીના અભિગ્રહો વિચિત્ર હોય છે. આપણી પંગતમાં તો હાથ ધોઈને આવેલો ખૂની પણ જમી જાય, પણ એ દયાવતાર તો આપણા મનની વાત ને સંસારનાં પાપ પણ જાણતા હોય છે. પાપનો પડછાયો હોય ત્યાં તો એ ઊભા પણ ન રહે."
“એની ચિંતા ન કરશો. સભાપંડિત તથ્યવાદી અભિગ્રહના વિષયમાં નિષ્ણાત છે. અભિગ્રહોના પ્રકારો જાણી લઈએ. હજાર પ્રકાર હશે તો હજાર રીતની તૈયારીઓ થશે.”
32 પ્રેમનું મંદિર
રાજ આજ્ઞા છૂટી. થોડી વારમાં સભાપંડિત આવીને હાજર થયા. રાજાજીએ આજ્ઞા કરી કે, “યોગીઓના અભિગ્રહની ખાસ ખાસ વાતો અમને સંભળાવો.*
પંડિતો શાસ્ત્ર કાઢી એ વિશે કહેવા માંડ્યું. ત્યાં દાસી વિજયાએ વિનમ્ર વદને આવીને કંઈક કહેવાની રજા માગી.
“વિવેકી દાસી, તારે જે કહેવું હોય તે સુખેથી કહે."
“મહારાજ, મારી એ ક નાનીશી અરજ છે. અભિગ્રહની વાતો સર્વ પ્રજાજનોને પણ સંભળાવો. કારણ કે આ મહાયોગીને મન રાય ને રંક સમાન છે; ઉચ્ચ-નીચના કોઈ ભેદ એને નથી. હજી ગયા વર્ષની વાત છે ; વૈશાલીમાં ચાર ચાર માસના ઉપવાસોનું પારણું કરાવવા ત્યાંના નગરશેઠ ભારે કાળજી રાખી રહ્યા હતા; પણ એ મહાયોગીએ તો એક દહાડો વૈશાલીના પૂરણીયા નામના સામાન્ય ગૃહસ્યને ત્યાં લૂખું-સૂકું જે મળ્યું તેનાથી પારણું કરી લીધું.”
ધન્ય છે વિજયા તને, તેં અમને યોગ્ય સૂચના કરી, અરે જાઓ, પુરજનોને રાજપરિષદામાં આમંત્રો !”
થોડી વારમાં રાજપરિષદા પુરજનોથી ભરાઈ ગઈ. પંડિત તથ્યવાદીએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ વિષયક અભિગ્રહોનું વર્ણન કર્યું. યોગીઓના અન્ન-પાનની મર્યાદા વિશે સવિસ્તર વ્યાખ્યાન આપ્યું. સાત પ્રકારની પિડેષણા અને પાનેષણા (ખાન-પાનની શુદ્ધિ , એને બનાવવાની, એના બનાવનારની, પાત્ર, સ્થળ વગેરેની શુદ્ધિ) કહી બતાવી.
રાણી મૃગાવતીની વતી દાસી વિજયાએ કહ્યું :
“આ યોગી રાણીજીના ફુઈના દીકરા થાય છે. રાણીજીનાં બહેન એમના મોટા ભાઈ નંદિવર્ધનનાં પત્ની થાય. વૈશાલીના ગણનાયક રાજા ચેટકના એ ભાણેજ થાય. પણ એ વિશ્વપ્રેમી યોગીએ બધું કર્યું છે, ને સંસાર માટે સાચા સુખની શોધમાં નીકળ્યા છે. સંસારના સંબંધો એમને માટે વાદળના રંગ જેવા છે. એ દિવસોથી મૌન છે, દિવસો બાદ જમે છે. તેઓ માને છે, કે સુખબુદ્ધિથી સંસાર જે વિષયો સેવે છે, તે જ તેમના દુઃખ-સંતાપનું નિમિત્ત અને અન્ય જીવોની હિંસાનું પણ કારણ બને છે. એ તો કહે છે કે અહિંસક બનો, નમ્ર બનો, ઉદાર બનો, સંયમી બનો, સત્યપ્રિય બનો ! આટલું કરશો તો જે સાચા સુખને તમે શોધવા જાઓ છો, તે તમારે બારણે આવીને ખડું રહેશે ! માટે બુજઝહ ! બુજઝહ ! જાગો જાગો !
આ નાદ એમણે શૂલપાણિ નામના તાલભૈરવને સંભળાવ્યો ને એના ક્રોધને સાધ્ય કર્યો. અચ્છેદક નામના તાંત્રિકને એના છલ-પ્રપંચના માર્ગેથી વાળી સત્ય, અહિંસા ને બ્રહ્મચર્યના તેજને સમજતો કર્યો. અરે, શ્વેતાંબી પાસેના કનખલ આશ્રમમાં કૌશિક નામનો નાગ રહેતો હતો. તે એવો ક્રોધી હતો કે એને સહુ ચંડ-કૌશિક કહેતા.
અભિગ્રહ 33