________________
તો કાલક અને સરસ્વતી આગળ વધી ગયાં હતાં.
પણ વાસુકિ નાગ જેમાં વસતા હતા, એ નાગગુફા ને વ્યાઘ્ર જેવા શ્વાન જેમાં વસતા હતા એ શ્વાનગુફા વટાવતાં તેઓને મોતનો સામનો કરવો પડ્યો.
રાજકુમાર કાલક મંત્રવાદી હતો, ગુરુનો કુશળ ચેલો હતો. એને નાગોનું વિષ કે શ્વાનની ઝેરી દાઢ કંઈ કરી શકે તેમ નહોતી : પણ સુકુમાર સરસ્વતી આ બધામાંથી પસાર થતાં આઘાત-પ્રત્યાઘાતોથી બેભાન જેવી બની ગઈ. કાલકે એને આખી ને આખી ખભા પર તોળી લીધી. જીવનભરનું નૈષ્ઠિક બ્રહ્મચર્ય આજે એની મદદે ધાયું.
કોઈ ચિતારો ચીતરી શકે એવું એ દૃશ્ય હતું. અંધારી રાત, આકાશના તારલિયા આછું આછું તેજ ઢોળે, ને એ પ્રકાશમાં પડછંદ-દેહી કાલક સરસ્વતીને ઉપાડીને દોડ્યું જાય. માણસને દાનવીય સૃષ્ટિનું આ દૃશ્ય લાગે.
સરસ્વતી મડાગાંઠ વાળીને કાલકના ખભા પર પડી હતી. કદી કદી પાછળ ઝેર ઊગળતો નાગ આવી પહોંચતો, ભયંકર જડબાં વિકાસીને શ્વાન આવતા.
સાપ કે શ્વાન લગોલગ આવી પહોંચે કે કાલક મોં ફેરવીને ઊભો રહી, મંત્ર ભણીને મોંએથી હવાની એક તીક્ષ્ણ લહરી કાઢતો. સાપ કે શ્વાન ત્યાં ને ત્યાં થંભી જતાં.
પછી વળી એ પંથ કાપવા માંડે. એટલામાં પાછળ રહેલા શ્વાન કે નાગ આવી પહોંચે. વળી કાલક મંત્ર-હવાની એક લહેરી નાખી એમને થંભાવી દે.
રાજકુમાર કાલક લોહપુરુષ હતો. આટલી વાર સુધી મહાગુરુની અદૃશ્ય અને દૃશ્ય તાકાત સામે ઝીક ઝીલવી સામાન્ય વાત નહોતી. ગુરુની સિદ્ધિઓ પૂર્ણરૂપે પ્રાપ્ત થાય કે ન થાય પણ આટલી નિર્ભીકતા અને અજેયતા એને સાંપડી, એ પણ ગુરુનો જ પ્રતાપ હતો, અને આ અજેયતા પર મૃત્યુંજયી શિખર ચઢાવ્યું હતું, પેલા ખીણવાળા સાધુએ ! એને દેહની નશ્વરતા અને આત્માની અમરતા શીખવી હતી. સાથે શીખવ્યું હતું કે નશ્વર દેહનો મોહ ન રાખવો, અમર આત્માના આરોગ્ય માટે યત્ન કરવો. જરૂર પડે, આત્માને અભડાવવાની વેળા આવે, તો ઘરમાંથી જેમ કચરો બહાર ફગાવી દઈએ છીએ એમ દેહને ફગાવી દેવો.
આજે ખરેખર કાલક દેહને ફગાવીને આત્માને બચાવવા નાઠો હતો. મહાચક્રના ઉપાસકો જાણતા હતા, કે કાં તો કાલકે પાછા ફરવું પડશે, કાં તો એના દેહનો ભક્ષ અઘોરીઓને જમણમાં મળશે.
પળેપળ કટોકટીની વીતતી હતી. કાલકને પોતાની જાતની ચિંતા નહોતી. એને તો ચંદનની વેલ જેવી, એની સુકુમાર બહેન સરસ્વતીની ચિંતા હતી. 68 D લોખંડી ખાખનાં ફૂલ
રે વિધાતા ! કેવી ક્રૂર મશ્કરી થઈ હતી એની ? એ સરસ્વતીને જગતમાં જેનો જોટો નથી એ મહાગુરુ મહામઘનાં દર્શન કરાવવા, ભારતના રાજકુમારોમાં જેનો હરીફ નથી, એવા રાજકુમાર દર્પણનાં દર્શન કરાવવા અને વેધક રૂપવાળી અંબુજાનો સહચાર કરાવવા તથા પોતાની સાધનામાં ઉત્તર સાધક બનાવવા અહીં લઈ આવ્યો હતો.
કાલકના હૃદયમાં આ સિવાય એક બીજો પણ ગુપ્ત ઉદ્દેશ હતો અને તે સરસ્વતી માટે કોઈ સારો વર મેળવવાનો. પણ આ ભાઈ ઘેલી બહેને એક વાર ચોખ્ખું કહી દીધું,
‘ભાઈ જો બહેનને અળગી કરવા માગતો ન હોય તો બહેનને પતિ ખપતો નથી. લગ્ન કરું, તારા કહેવાથી કરૂં, પણ મને સંસારના વિલાસી રાજકુમારો નહિ ગમે. એમને વિલાસનાં વાજિંત્રો ખપે છે, કદાચ એ સૂર-ગતમાં હું સફળ નહિ થાઉં.’
કેવી વિચિત્ર છોકરી ! આવા તરંગી ખ્યાલો પર કંઈ જીવન વેડફી દેવાય ? પણ મહામના કાલકને લાગ્યું કે સમય સમયનું કામ કરે છે, અવસ્થાના તાર અવસ્થાએ રણઝણી ઊઠશે, અત્યારે ઉતાવળ ન કરવી. સંસારમાં સ્ત્રી માટે બીજા કોઈ પણ પ્રેમ કરતાં પતિપ્રેમ મહાન છે. પતિ માટે એ સંસાર છોડે છે, પ્રાણ પણ તજે છે.
સરસ્વતી આવા વિચિત્ર તરંગ-સાગરમાં નહાતી હતી, ત્યાં છેલ્લું સાધનાવાળું દેશ્ય જોવા મળ્યું. આ દૃશ્ય એના ધર્મપ્રેમી હૃદય પર સારો એવો આઘાત મૂક્યો.
મહાચક્રમાં એકત્ર થયેલી સુંદરીઓ સરસ્વતીને સમજાવી રહી કે, જુવાની એ ગરમ દૂધ છે, એમાં ઊભરો આવીને ઢોળાઈ જાય એ પહેલાં પાણી ભેળવી દેવાની આ યુક્તિ છે. મહાચક્રમાં સિદ્ધ થઈને નીકળેલી સ્ત્રીનું કલ્યાણ તો છે જ, પણ પછી કોઈ પુરુષ એને નમાવી ન શકે, નચાવી ન શકે. એટલી એ મહાન થઈ જશે. કહે છે કે સ્ત્રીને વિકાર વહેલો થાય છે. આ ભઠ્ઠીમાં આજે તે સાવ ભસ્મ થઈ જશે.
પણ આ ફિલસૂફીએ સરસ્વતીને શાંત પાડવાને બદલે ઉત્તેજિત બનાવી મૂકી. એણે ભાઈને અહીંથી પોતાને બહાર લઈ જવા કહ્યું. અંબુજાને નગ્ન દેહે પૂજા સ્વીકારાતી જોઈને તો એ વ્યગ્ર બની બેઠી.
કાલક પોતે પણ વ્યગ્ર હતો. એ આ અનાચારની સામે સ્વર્ગ આવીને ઊભું રહેતું હોય તો પણ સ્વીકારવા તૈયાર નહોતો. ચાલતાં ચાલતાં રાત્રિ પૂરી થઈ. ઉગમણા આભમાં કંકુ ઢોળાવા લાગ્યું. પંખીઓ ગીત ગાવા લાગ્યાં.
હનુમાન જેમ સોનાની લંકાને ઓળંગે એમ મગધની પાંચ ટેકરીઓના પ્રદેશના છેડે કાલક આવી પહોંચ્યો હતો. સરસ્વતી હજી બેભાન હતી. પોતે કંઈક થાક્યો હતો. ભાગી છૂટાં – 69