________________
એક ઘેઘૂર વડલા નીચે કાલકે વિશ્રામ કર્યો. એણે પાસેના સરોવરમાંથી પાણી આણ્યું. મોંએથી કંઈક મંત્ર ભણીને એને મંત્રપૂત કર્યું. પછી અંજલિમાં લઈ સરસ્વતીના મુખ પર છાંટ્યું.
રાહુએ ગ્રસેલ પૂર્ણ ચંદ્ર જેવું સરસ્વતીનું મુખ થોડી વારમાં ખીલી ઊઠ્યું. મીઠી મધુરી હવા એની અલકલટોને રમાડી રહી.
કાલકની નજર ઘડીભર સરસ્વતીના સુરેખ દેહ પર મંડાઈ રહી. એના પોયણા જેવા ઊઘડતા ગુલાબી રંગની લાલી કાલકના મનને વળી ઉદાસીન બનાવી રહી ! રે ! આવી પવિત્ર સ્ત્રીઓ અપવિત્રતા સ્વીકારે ત્યારે જગ-પ્રલય જાગે. આ સરલતા, પવિત્રતા, માધુર્ય સ્ત્રી સિવાય કોને મળ્યાં છે ? એક પુરુષ બગડ્યો તો કંઈક બગડ્યું, એક સ્ત્રી દૂષિત બની તો અડધો સંસાર દૂષિત બન્યો !
સરસ્વતીની પાંપણ જરા હાલી. અમૃતકુંભ જેવા બે નાનકડા ઓષ્ઠ ઊઘડ્યા. જેવા ઊઘડ્યા એવા બિડાયા. એમાંથી સ્વર આવ્યા, ‘ભાઈ !’
કાલક આગળ ધસી ગયો, બહેનના મુખ પાસે ગોઠણે પડી બોલ્યો : ‘બહેન !' પણ બહેન તો એટલું બોલીને ફરી મૂર્છામાં પડી ગઈ હતી. ભાઈનું હૈયું કાબૂમાં ન રહ્યું. એણે બહેનની અલકલટ સમારતાં કહ્યું :
બહેન ! નિશ્ચિત રહેજે. તારી પવિત્રતા ખાતર તું માગીશ ત્યારે કાલક પોતાનો પ્રાણ હાજર કરશે. એક મહાગુરુ શું, દશ મહાગુરુ સાથે કાલક તારે માટે બાખડશે.'
કાલક ભાવાવેશમાં હતો : ‘તું છે તો સંસારમાં આચાર છે, તું છે તો સંસારમાં મૃદુતા છે, તું છે તો સંસારમાં પવિત્રતા છે !'
કાલક પ્રમોર્નિથી ભર્યા સાગરમાં સ્નાન કરી રહ્યો, ત્યાં અચાનક વનના ખૂણે એક સુસવાટો થયો. એકાએક પવન ઘૂમરીઓ લેવા લાગ્યો ને જોતજોતામાં ભયંકર વાવાઝોડું આવતું જણાયું. જે વડલા નીચે પોતે ઊભો હતો એના પર આવીને જાણે એ વાવાઝોડું બેસી ગયું ને ઘેઘૂર વડલો કડાકા નાખવા લાગ્યો. એની ડાળો તલવારની જેમ વીંઝાવા લાગી. એની શાખાઓ ભાલાની જેમ ઉપર-નીચે થવા લાગી. વડલાનાં પાન નાની નાની છરીઓની જેમ હવામાં ઊડવા લાગ્યાં. ઝાડ પર બેઠેલાં પંખીઓ તો મુડદાં થઈને નીચે ઢળી પડ્યાં.
કાલકની આંખો ભરાઈ ગઈ હતી. શાખા-પ્રશાખાના આઘાતથી પોતાના દેહને બચાવવો મુશ્કેલ થઈ પડ્યો હતો, એવી સ્થિતિમાં સરસ્વતીને સંભાળવી શક્ય નહોતી, પણ આપત્તિથી હારે એવો કાલક નહોતો.
એણે સરસ્વતીને ફરી ઉઠાવી. વડનાં ડાળી ને પાંદડાંથી બચીને એ થોડે દૂર 70 D લોખંડી ખાખનાં ફૂલ
ઉંબરાના ઝાડ નીચે જઈને ઊભો.
ક્ષણવાર હાશ પોકારી સ્વસ્થ થવા એણે પ્રયત્ન કર્યો, પણ ત્યાં તો પેલો વંટોળ જાણે વડ પરથી ઊડીને ઉંબરા પર આવીને ઊભો.
ભયંકર રીતે ડોલતો વડ તદ્દન શાંત થઈ ગયો અને આખું તોફાન ઉંબરા પર આવીને શોર મચાવવા લાગ્યું.
કાલકે સ્વસ્થ થઈને વિચારવા પ્રયત્ન કર્યો. એને મનમાં એકદમ ઊગ્યું : ‘મહાગુરુના મંત્રાક્ષરો પ્રકૃતિને કેદ કરી રહ્યા છે, કેદ થયેલી પ્રકૃતિ મહાગુરુના મન-આદેશ મુજબ વર્તે છે.’
કટોકટીની પળ આવી ઊભી. મહાગુરુનો સામનો હવે શક્ય નહોતો. ઉંબરાના પ્રચંડ વૃક્ષની ડાળીઓ ચિરાઈ રહી હતી. ઉંબર-ફળ નાના નાના પથરાની ગરજ સારતાં હતાં.
એ વખતે સરસ્વતીએ આંખ ખોલી.
કાલકને એ ન ગમ્યું, બેભાન અવસ્થામાં જ બહેન મૃત્યુને ભેટે એ ઉત્તમ વાત હતી. પોતાના કરુણ મોતની એને તમા નહોતી, પણ સરસ્વતીનું કરુણ મૃત્યુ એ જોઈ શકે તેમ નહોતો.
‘ભાઈ !’ એટલું બોલી સરસ્વતી કાલકને વળગી પડી.
પ્રકૃતિ તોફાને ચઢી હતી. ઉંબરો ચિરાતો હતો. પૃથ્વીમાં પણ કંપ હતો. ગલોલમાંથી ફેંકાતા પથ્થરોની જેમ ઉંબરાનાં ફળ વરસતાં હતાં.
‘સરસ્વતી | મહાગુરુનો કાળપંજો આપણા પર પડી ગયો. મૃત્યુ આપણને વિખૂટાં ન પાડે એ રીતે ભેટી લઈએ. થોડું શ્વેત માણી લઈએ. મોત મીઠું લાગશે.’ સરસ્વતી ધસી. ભાઈને બાઝી પડી. પૃથ્વી કંપતી હતી. ઝાડ ચિરાતું હતું. બંનેએ મુખ પાસે મુખ આણી, આંખો બંધ કરી દીધી, આશ્લેષ ગાઢ બનાવ્યો.
‘બહેન ! આત્માની રક્ષા ખાતર દેહને ફગાવી દઈએ છીએ એમ માનજે ! આત્મા અમર છે. દેહ નશ્વર છે. મોત નશ્વરનું છે. અમરને મૃત્યુ કેવું ?'
સરસ્વતી બોલી : ‘ભાઈ ! મને ખીણવાળા મુનિ યાદ આવે, એમની પેલી પંક્તિઓ
શ્રીજનપદાનાં શાંતિર્ભવતુ !
શ્રીરાજાધિપાનાં શાંતિર્ભવતુ ! શ્રી ગોષ્ઠિકાનાં શાંતિર્ભવતુ.'
બંને ભાઈ-બહેન એ મંત્ર ભણતાં મૃત્યુની રાહ જોઈ રહ્યાં. આવ્યું ! એ આવ્યું! ભાગી છૂટવાં – 71